ગણપતિ બપ્પા મોરીયા - Sandesh

ગણપતિ બપ્પા મોરીયા

 | 1:26 am IST

વક્રતુંડ મહાકાય, સૂર્યકોટિ સમપ્રભ્ર ।

નિર્વિદનં કુરુમે દેવ, સર્વ કાર્યેષુસર્વદા ।।

ગજવકત્ર ગણાધ્યક્ષ સર્વવિઘ્ન વિનાશનં ।

લંબોદર ત્રિનેત્રં ચ,

આગચ્છ ગણનાયક ।।

રક્ષ રક્ષ ગણાધ્યક્ષ,

રક્ષ ત્રૈલોક રક્ષક ।

ભક્તાનાં અભયંકર્તા,

ત્રાતા ભવ ભવાર્ણ વાત્ ।।

આ શ્લોકથી શ્રી ગણપતિ મહારાજનું સ્મરણ કરી પોતાનાં ઘરે પધારવા માટે આમંત્રણ આપીએ છીએ. બધા જ લૌકિક કાર્યોમાં તથા શુભ કાર્યોમાં સૌ પ્રથમ શ્રી ગણેશજીની પૂજા કરવામાં આવે છે. સર્વસંપ્રદાયો તેમનું પૂજન આવકાર્ય ગણે છે. ગણપતિજી વિઘ્ન વિનાશક તત્ત્વથી સંપન્ન હોઈ વિઘ્નો નિવારણ માટે ગણપતિ-સ્મરણ બધા જ સત્કાર્યોમાં આવશ્યક છે.

વક્રતુંડ માટે પુરાણોમાં કહ્યું છે કે, “ગણપતિનાં ગળાની નીચે માયા-મોહની સાથે બ્રહ્મા રહેલા છે અને ગળાની ઉપર બ્રહ્મ છે. જેને વક્ર કહેવામાં આવે છે. તેમનંુ મુખ વક્ર હોવાથી તેઓ “વક્રતુંડ” તરીકે ઓળખાય છે.”

‘ગણપતિ ઉત્સવ’ એ પુરાણો કે શાસ્ત્રો આધારિત નથી, પરંતુ સમાનતાની ભાવના અને રાષ્ટ્રનાં ઉદ્ધારનાં ઉદ્દેશ્યથી સન્ ૧૮૯૩માં લોકમાન્ય તિળકે પૂનામાં ‘ગણેશોત્સવ’નો પ્રારંભ કર્યો. આ સાથે કારણ એ હતું કે, ગણપતિ ગણોનાં પતિ છે. એટલે કે, સમાજનાં દેવતા છે. આ ઉત્સવના માધ્યમથી દેશભક્તો અને ગાયકો દ્વારા ક્રાંતિકારીઓને સમાચાર પહોંચાડવાનું અને રાષ્ટ્રભાવના પ્રબળ બનાવવાનું કાર્ય સરળ બન્યું. આ ધાર્મિક ઉત્સવ હોવાથી અંગ્રેજો પણ તેમાં હસ્તક્ષેપ કરતા નહીં. આ પ્રસંગ દરમિયાન સ્વરાજની ભાવના દ્વારા એકતા મંત્ર કામ કરવા લાગ્યા. ૧૯૫૩માં પૂનામાં ‘હીરક મહોત્સવ’ પણ ઉજવવામાં આવ્યો. આજે આ વિશ્વવ્યાપી ઉત્સવ છે. જે સમાનતા અને સ્વતંત્રતાનો પર્યાય છે.

શ્રી ગણપતિ ઘરે લાવવા કે પંડાલ માટે ૧, ૩, ૫, ૭, ૯ દિવસ રાખી શકાય છે. તેમની પંચોયચાર, દશોપચાર, ષોડષોપચાર વિધિથી પૂજન થાય છે. તો કેટલીક વખત આર્થિક રીતે અથવા સમયમર્યાદા પણ પૂજનમાં બાધક બને છે, તેનાં ઉકેલ સ્વરૂપ પૂજા કરનાર માટે “માનસી પૂજા” વધુ ઉપયોગી થાય છે. જેમાં શ્રી ગણપતિની છબી કે મૂર્તિની આંખો બંધ કરી કલ્પના કરવી. પછી પંચોપચાર, દશોપચાર કે ષોડષોપચાર વિધિની ક્રિયાઓની ભાવના કરવી. આ રીતે માનસી પૂજા સંપૂર્ણ ગણાય છે. ગણપતિજી ભાવનાં ભૂખ્યા છે.

કોઈપણ દેવની ઉપાસના, આરાધનામાં (૧) પવિત્રતા (૨) સ્થિરતા અને (૩) શ્રદ્ધા ખૂબ અગત્યનાં છે. પવિત્રતામાં તન-મનની સ્થિરતા, સ્થિરતામાં શારીરિક-માનસિક સ્થિરતા અને શ્રદ્ધા વગર કોઈપણ કાર્ય સફળ થતું નથી. હવે આરાધના માટેનાં નીચેનાં કાર્યો વિશે જાણીએ.

(૧) દેવપૂજન (૨) ન્યાસ-ધ્યાન (૩) ઉપચારવિધિ (૪) દેવનું નામ-સ્મરણ (૫) દેવની સ્તુતિ (૬) યજ્ઞા-હોમ હવન.

સૌ પ્રથમ ઘરને પાણીથી ધોઈ ગંગાજળ છાંટી પવિત્ર કરવું. પૂજા કરનાર વ્યક્તિ એ જે જગ્યા પર ગણપતિની સ્થાપના કરવાની હોય ત્યાં બાજોઠ, ટેબલ મૂકી તેનાં ઉપર લાલ, લીલું, પીળું વસ્ત્ર પાથરી મૂર્તિ. છબી કે સોપારી મૂકવી. તેનાં પૂજન માટેની સામગ્રીમાં (૧) ચોખા, કંકુ, અબીલ, ગુલાબ, ચંદન, હળદર, લાલ પુષ્પ, હાર, ધૂપ એક થાળીમાં તૈયાર કરવા. (૨) સિંદૂર, કપૂર, રૂની ઊભી વાટની પાંચ દિવસની આરતી, ગણપતિજીના અખંડ દીવા માટે રૂની આડી વાટ અથવા નારાછડી, ઘી, અગરબત્તી, ધૂપ, પંચામૃત્ત તૈયાર કરવું. (૩) બે તરભાણાં, લોટો, ચમચી, ઘંટડી, પાણી, ગંગાજળ તૈયાર કરવું. (૪) નૈવેદ્ય માટે ઘરનાં ઘી-ગોળ-ઘઉંના લાડુ, શક્તિ પ્રમાણે તૈયાર કરવા અથવા બહારથી મીઠાઈ લાવ્યા હોય તો ગંગાજળ છાંટી શુદ્ધ કરી લેવી.

સંકલ્પ લેનાર વ્યક્તિએ ક્રમબદ્ધ ઉત્તરાભિમુખ કે પૂર્વાભિમુખ શાસન પાથરી બેસવું. પછી પૂજા સામગ્રીનો ક્રમબદ્ધ ઉપયોગ કરવો. પ્રથમ ન્યાસ કરવો. બાદમાં ગણેશજીનું ધ્યાન કરવું.

ત્યારબાદ ટૂંકી ને સરળ નીચેની પંચોપચાર-દશોપચાર-ષોડષોપચાર આ ત્રણેમાંથી એક વિધિથી પૂજન કરવું. સંત્રિપ્ત પંચોપચાર વિધિ નીચે મુજબ છે. જે ક્રમબદ્ધ કરવી. ધ્યાન બાદ-

ગંધ- ૐ સિદ્ધિબુદ્ધિ સહિતાય મહાગણપતયે નમઃ અબીલ ગુલાલ, ચંદનાદિકં સમપર્યામિ । કહી ચોખા, અબીલ, ગુલાલ, ચંદન, હળદર, ગણપતિજી ઉપર ચઢાવવા.

પુષ્પ- ૐ સિદ્ધિ બુદ્ધિ સહિતાય મહાગણપતયે નમઃ પુષ્યં સમપર્યામિ બોલીને પુષ્પ, હાર ચઢાવવા.

ધૂપ- ૐ સિદ્ધિ બુદ્ધિ સહિતાય મહાગણપતયે નમઃ ધૂપં સમપર્યામિ બોલી અગરબત્તી, ધૂપ પ્રગટાવવાને ફેરવવા.

દીપ- ૐ સિદ્ધિ બુદ્ધિ સહિતાય મહાગણપતયે નમઃ દીપં દર્શયામિ । બોલીને અખંડ દીવાની જ્યોત પ્રગટાવવી અને દીવો ચાલુ કરવો.

નૈવેદ્ય- ૐ સિદ્ધિ બુદ્ધિ સહિતાય મહાગણપતયે નમઃ નૈવેદ્યં નિવેદયામિ બોળીને નૈવેદ્ય-થાળ-ભોજન ધરાવવું.

દશોપચાર વિધિમાં (૧) પાદ્ય (૨) અર્ધ્ય (૩) આચમન (૪) પંચામૃત સ્નાન (૫) શુદ્ધોદક સ્નાન (૬) ગંધ (૭) પુષ્ય (૮) ધૂપ (૯) દીપ (૧૦) નૈવેદ્ય આવે છે. તો ષોડષોપચારમાં (૧) આસન (૨) આહ્વાદન (૩) પાધ (૪) અર્ધ્ય (૫) આચમન (૬) પંચામૃત સ્નાન (૭) શુદ્ધોદક સ્નાન (૮) વસ્ત્ર-ઉત્તરીય (૯) યજ્ઞાોપવિત (૧૦) ગંધ (૧૧) પુષ્ય (૧૨) ધૂપ (૧૩) દીપ (૧૪) નૈવેદ્ય (૧૫) આરતી (૧૬) પ્રદક્ષિણા કરવામાં આવે છે.

ઉપર દર્શાવેલ વિધિમાં જે તે ઉપચારમાં જે તે ક્રિયા કરવી અને જો પૂજન સામગ્રીની સગવડ ના હોય તો ઉપર જણાવ્યા મુજબ માનસપૂજન પણ કરી શકાય છે. આરાધનામાં શ્રી ગણપતિ સ્તોત્ર, મંત્ર, અથર્વશીર્ષ, કવચ, અષ્ટક, ચાલીસા, બાવની કરી શકાય છે.

સુખકર્તા, દુખહર્તા વાર્તા વિઘ્નાચી ।

નુરવી પુરવી પ્રેમ કૃપા જયાચી ।।

હે સુખ કર્તા, અને દુઃખોનાં હરનારા વિઘ્નોનો નાશ કરનારા અમારી ઉપર પ્રેમ અને કૃપાનો કરો. ગણેશ ચતુર્થી નિમિત્તે બપ્પાની આરાધના કરી જીવનનાં સર્વ સુખથી સંપન્ન થાય તેવી શુભકામના.

– ડો.મૌલીરાવલ

[email protected]@com