ગાર્ડનની રચના સંપૂર્ણ જાણકારી - Sandesh
  • Home
  • Supplements
  • Stree
  • ગાર્ડનની રચના સંપૂર્ણ જાણકારી

ગાર્ડનની રચના સંપૂર્ણ જાણકારી

 | 11:42 pm IST

ગાર્ડનિંગ । પુષ્પાંજલિ

(ગતાંકનું ચાલુ)

ગાર્ડન નાનો હોય કે મોટો તેમાં થોડાંક વૃક્ષો હોવા જરૂરી છે. સુશોભનના વૃક્ષોને પસંદ કર્યા બાદ તેઓને વાવવાની યોગ્ય જગ્યા નક્કી કરો જેથી તેઓનો વિકાસ રુંધાય નહીં. તેમની ઊંચાઈ, ઘેરાવો, સૂર્યપ્રકાશની જરૂરિયાત વગેરેને ધ્યાનમાં લો. વૃક્ષોનો છાંયડો અન્ય નાની વનસ્પતિ પર ના પડવો જોઈએ.

નાના ગાર્ડનમાં ઓછા વૃક્ષો રાખો, ‘બોહિનિયા’, ‘કાસિયા-ફિસ્ટયુલા’, ‘કાસિયા-જાવાનિકા’ અને ‘પ્લુમેરિયા’ જેવા વૃક્ષો નાના ગાર્ડન માટે યોગ્ય છે. મોટો ગાર્ડન હોય તો ફૂલવાળા તેમજ ફૂલ વગરના મોટાં વૃક્ષો વાવી શકાય છે. તેમની ઊંચાઈ જેટલી જગ્યા બે વૃક્ષો વચ્ચે છોડવી જરૂરી છે. તેમને વાવવા માટે ચાર ફૂટ ઊંડી અને ચાર ફૂટના ચોરસ જેટલી જમીન ખોદવી જોઈએ. માટી પૂરતા પહેલાં તેમાં પોષક ખાતર નાખો. મિશ્રણને ભીનું કરો અને તે થોડું સૂકાય કે તરત રોપો વાવી દો. ફરી વાવતી વખતે તેની શાખાઓ અને મૂળને હાનિ ના પહોંચે તેનું ધ્યાન રાખો. ટેપ-રૂટને ખાડામાં સીધું ઉતારવું જોઈએ.

કુમળા થડને પવનથી હાનિ ના પહોંચે તે જરૂરી છે. ઊંચા ઘાસનું સુરક્ષા-કવચ તેને આપો જેથી સીધો તડકો કે વાવાઝોડું કુમળા થડને હાનિ ના પહોંચાડે. વૃક્ષોની કાપકૂપ કરવી જરૂરી છે. નકામી શાખાઓ, જમીનની ખૂબ નજીક પહોંચતી શાખાઓને કાપવી જરૂરી છે.

મોટાં ગાર્ડન માટે મોટાં વૃક્ષોની વિશાળ શ્રેણી છે. વિવિધ જાતના ‘કાસિયા’ જેવા કે પીળાં ફૂલો ધરાવતાં, ગુલાબી અને સફેદ ફૂલોવાળા ‘બર્મીઝ પિન્ક-કાસિયા’, જાંબલી ફૂલોવાળા જંકેરેન્ડા, ગુલાબી અને જાંબલી રંગના ‘લેજરસ્ટ્રોમિયા’ કે ‘ક્વીન્સ-ફ્લાવર’, ‘ગુલમહોર’ વગેરે આવી જાતો છે. લીમડો જેવા વૃક્ષો આરોગ્યવર્ધક છે. દક્ષિણ ભારતમાં નાળિયેરી અને સોપારીનાં વૃક્ષો ખાસ વાવવામાં આવે છે.

નાના ઝાડ અને છોડવા

નાના ઝાડ ગાર્ડનને ઘણી શોભા આપે છે. છોડવાનો ઉપયોગ વાડ કે વિભાગ પાડવા માટે થાય છે. મેંદી કે બીજી વાડની તુલનાએ છોડવાની દીવાલ આકર્ષક અને સરળ રહે છે. તેને ખાસ કાપકૂપ કે સફાઈ કરવી પડતી નથી. તેમાં રંગોની ઘણી પસંદગી રહે છે. રંગોનું આયોજન ગાર્ડનની શોભાનો મહત્ત્વનો ભાગ છે. છોડવાઓને વર્ષમાં એકાદ વાર કાપકૂપ કરીને સ્વસ્થ રાખી શકાય છે.

ઊંચા છોડવાઓમાં ટેકોમા-સ્ટેન્સ, કેલિસ્ટેમન-લેન્સીયેલાટા અથવા બોટલ-બ્રશ વગેરે જાતોનો સમાવેશ થાય છે. ટૂંકા છોડવાઓમાં વિવિધરંગી એકેલાઈફા, બહલિયા-એશિયાટિકા, દુરન્તા અને જાસૂદ, ઈક્સોરા અને થોઈનસેટિયાનો સમાવેશ થાય છે.

લેન્ટેના અને ઓલિયેન્ડર ચમકતાં ફૂલોવાળા સદાબહાર છોડ છે. તે સૂકું હવામાન સહી શકે છે અને ઢોરનો તે ખોરાક નથી તેથી ટકી રહે છે. અલામાન્ડા-ગ્રાન્ડીફ્લોરા ફૂલવેલ છે. ગરમી અને વરસાદની આખી ઋતુમાં તે મોટાં પીળાં ફૂલો આપે છે. આ વેલને ઉપર ચડાવવા તેમજ જમીન પર પથરાવા માટે વાવી શકાય છે. તેને નીતરી જાય તેવી માટી અને સૂર્યપ્રકાશ માફક આવે છે.

બોગનવિલિયા પણ એક ફૂલવેલ છે. તે ઝડપથી વધે છે અને ઘણાં ફૂલો આપે છે. તેમાં ઘણાં રંગના આકર્ષક ફૂલો આવે છે. ‘ટેકોમા-કાસ્પેન્સિસ’ બીજી એક ટકાઉ જાત છે. તેના પર નારંગી રંગના ફૂલો આવે છે.

વાડ માટેના છોડ

ગાર્ડનમાં વાડનો ઉપયોગ આડશ, વિભાગ પાડવા વગેરે હેતુઓથી થાય છે. કંપાઉન્ડ વોલને બદલે પણ તેનો ઉપયોગ થાય છે.

‘થીવેશિયા-નેરીફોલિયા’, ‘દુરાન્તા-પ્લુમેરી’ અને ‘ડોડેનિયા-વિસકોસા’થી સારી વાડ બને છે. વાડ બીજ વાવીને અથવા કલમ દ્વારા ઉગાડી શકાય છે. તેને સુઘડ રાખવા વારંવાર કાપકૂપ કરવાની જરૂર પડે છે.

સુશોભિત ફૂલોવાળી વેલો ગાર્ડનને અનેરું આકર્ષણ બક્ષે છે. ખુલ્લી દીવાલોને સજાવવા માટે, કમાનો બનાવવા માટે, લતામંડપ બનાવવા માટે, ફૂલોનો ચંદરવો બનાવવા માટે, જૂનાં-સડી ગયેલા-કરમાઈ ગયેલા વૃક્ષોને સુશોભિત કરવા માટે આવી વેલોનો સુંદર ઉપયોગ કરવામાં આવે છે. ખાસ પ્રકારની ડિઝાઈન બનાવવા માટે ફૂલવેલનો ઉપયોગ થાય છે. તેમની બહાર પ્રમાણે જો તેમને પ્રયોજવામાં આવે તો આખું વર્ષ તેમની શોભા બનેલી રહેશે.

બંગલાની દીવાલો માટે બોગનવિલીયા ખૂબ વપરાય છે. તેમાં ફૂલોના અનેકવિધ રંગો જોવા મળે છે. નારંગી, જાંબલી, સફેદ, ગુલાબી વગેરે રંગો તેમાં હોય છે. ગાર્ડનમાં રંગબેરંગી ફૂલો કે શોભા આપે છે તેવી શોભા બીજી કોઈ રચના આપતી નથી.

ગાર્ડનમાં વિવિધ જગ્યાએ ફૂલોની ક્યારીઓ બનાવો. કોઈ છોડ ઝાડની છાયામાં સારી રીતે પાંગરતો નથી. તેથી ક્યારીઓમાં પણ પૂરતો સૂર્યપ્રકાશ પડે તે રીતે આયોજન કરો. ઘરમાંથી જોઈ શકાય તેવી જગ્યાઓમાં ક્યારીઓનું આયોજન કરો. ઘણાં ર્વાિષક ફૂલોને ધ્યાનમાં રાખીને તેમની વાવણી કરી શકાય છે. ઋતુ અનુસાર તેમના પર ફૂલો આવતાં રહે છે.

મોટા ભાગના ગાર્ડનમાં મિક્સ ફૂલોનું આયોજન કરીને સુંદર બોર્ડર બનાવી શકાય છે. નાના ગાર્ડનમાં ઊંચા, મધ્યમ અને નાના ર્વાિષક છોડને આયોજનપૂર્વક વાવો.

ર્વાિષક છોડ ત્રણ પ્રકારના હોય છે. તેમના પ્રકાર ઋતુ પ્રમાણેની બહાર મુજબ પાડવામાં આવે છે. વિન્ટર-ફ્લાવરરિંગ, સમર-ફ્લાવર રિંગ અને મોનસૂન-ફ્લાવર રિંગ. શિયાળાનાં ફૂલો સૌથી વધારે વિવિધતા ધરાવે છે. તેથી જ શિયાળામાં ગાર્ડન સૌથી ભરચક અને સુંદર દેખાય છે.

લોનની ધારો પર વાવેલા છોડવાઓથી દોઢ ફૂટ દૂર બોર્ડર માટે છોડ વાવવા જોઈએ. બીજાં ક્યારા ચોરસ, લંબચોરસ, ગોળાકાર જેવી ભૌમિતિક ડિઝાઈનોમાં બનાવી શકાય. જોકે, આ રચનાઓ મોટો ગાર્ડન હોય તો જ શક્ય બને છે.

વિન્ટર-એન્યુઅલ્સ માટે છ ઇંચ જેટલા ઊંડાણમાંથી માટી ખોદી કાઢો. ત્યાર બાદ તે જમીનમાં અઢી ફૂટ જેટલો ઊંડો ખાડો ખોદો. તેમાં પોષક ખાતર-માટી નાખીને તેને સમથળ બનાવો. પછી વિન્ટર-પ્લાન્ટ વાવી દો. પેન્સિઝ, ફ્લોક્સ, પિન્ક્સ, વરબેનાઝ, કેલેન્ડયુલા, કોર્નફ્લાવર્સ, કેન્ડિટકૂટ, ક્રિસન્થેમમ, હોલીહોક, નેર્સ્ટિટયમ, પેટયુનિયા અને સાલ્વિયા આ પ્રકારના વિન્ટર-પ્લાન્ટ્સ છે.

ઔષધીના રોપા રોપો ત્યારે સૌથી ઊંચો છોડ સૌ પ્રથમ વાવો. ત્યાર બાદ મધ્યમ કદના અને તે પછી નાના છોડ તેની આગળ વાવો.

બીજને હંમેશા કુંડામાં વાવો જ્યારે તેમાંથી નાનો છોડ ઊગે તે પછી તેને તેની યોગ્ય જગ્યાએ વાવો. જો આબોહવા ગરમ હોય તો પુનઃ સ્થાપનનું કામ મોડી સાંજે કરો. ત્યાર બાદ વોટર-કેનથી ક્યારામાં પાણી છાંટો.

ઉનાળો અને ચોમાસાના ર્વાિષક છોડને વાવવાનું કામ સરળ છે. વિન્ટર-ફ્લાવર્સ આવી જાય અને તેમના બીજ મળી જાય તે પછી ક્યારામાં અઢાર ઇંચ જેટલી માટી ખોદી કાઢો અને એક સપ્તાહ સુધી તેને પડતર રાખો. વધુ ખાતર નાખવાની જરૂર નથી. છોડ જામ્યા બાદ માટી પાથરતી વખતે લીલા પાંદડાંવાળું ખાતર નાખવાની જરૂર પડશે. સનફલાવર, કોસ્મોસ, કેલિઓપ્સિસ, પોર્ટુલાકા અને મેરિગોલ્ડ સમર-એન્યુઅલ્સ છે,.

મોન્સૂન-ફ્લાવરિંગ- બોર્ડર બનાવવા સૌથી સરળ છે. બાલ્સમ, સીલોસિયા, કોસ્મોસ, મેરિગોલ્ડ, ગોર્લાિડયા-ગ્રાન્ડીફ્લોરા, ઝિનિયા વગેરે આ પ્રકારના મોન્સૂન-ફ્લાવર્સ છે. એટલું યાદ રાખવું જરૂરી છે કે, માટી જેટલી રસાળ તેટલી શાખાઓ અને પાંદડાં વધારે આવશે તેથી ખાતર નાખવાનું ટાળો અથવા ઓછું નાખો. છોડ જામી જાય તે પછી વરસાદના પાછળથી જ તે વૃદ્ધિ કરશે.

રોક-ગાર્ડન

ફૂલ, પાન, વૃક્ષ વગેરેની એકવિધતાને તોડવા માટે રોકરી એટલે કે રોક-ગાર્ડન બનાવો. જમીનનો જે ભાગ વાવવા માટે યોગ્ય ના હોય ત્યાં રોક-ગાર્ડન બનાવો. ઔષધિજન્ય છોડ, કેકિટ, ફર્ન (ફૂલ વગરની વનસ્પતિ) અને સક્યુલન્ટ્સ (જાડા, માવાવાળા પાનવાળી વનસ્પતિ) વાવીને રોક-ગાર્ડનને આકર્ષક બનાવો.

કુદરતી પથ્થરોની રચના હોય તે રીતે અને ઊભા ખડકો હોય તે રીતે રોક-ગાર્ડનની રચના કરો. રોક-ગાર્ડન બનાવવા માટે ગાર્ડનની જમીન પર પથ્થરોને વિશિષ્ટ રીતે ગોઠવવામાં આવે છે. વચ્ચેની જગ્યાઓમાં માટી ભરવામાં આવે છે. ફરી વાર તેના પર બીજાં પથ્થરો ગોઠવવામાં આવે છે. જરૂર જેટલી ઊંચાઈ મળે ત્યાં સુધી આ ક્રિયા ચાલુ રાખવામાં આવે છે. પથ્થરોને અસમાન રીતે ગોઠવવામાં આવે છે જેથી અસમાન સપાટી મળે. એલોકેસિયા, સાન્સેવિયેરિયા, એગેવ, ટ્રેડેસેન્ટિયા, કલેન્કો જેવી વનસ્પતિ પથ્થરો વચ્ચેની જગ્યામાં વાવવામાં આવે છે.

ગુલાબ વગરનો ગાર્ડન અધૂરો છે. ગુલાબ એ ફૂલોનો રાજા છે. ગુલાબના છોડને સૂર્યપ્રકાશ માફક આવે છે. તેની આસપાસ પૂરતી મોકળાશ હોય તો તે સારો ખીલે છે. ગુલાબ એ ઋતુજન્ય છોડ છે. ઋતુ ના હોય ત્યારે તે અનાકર્ષક દેખાય છે. ગુલાબ કોઈ પણ પ્રકારની ફળદ્રુપ માટીમાં પાંગરે છે. પોષક, લીલવાની માટી તેને માટે શ્રેષ્ઠ છે. રેતી અને પથરાવાળી માટી તેને માટે સારી નથી. વધારે પડતું પાણી તેને માફક નથી આવતું તેથી પાણી નીતરી જાય તેવી સ્થિતિ તેના માટે જરૂરી છે.

ગુલાબના છોડને વર્ષમાં એક વાર કાપકૂપ કરવો પડે છે. બડિંગ અથવા કલમ દ્વારા ગુલાબને રોપી શકાય છે. કલમ દ્વારા વાવેલો છોડ ટકાઉ રહે છે. ગુલાબના છોડ પર ઘણી જીવાત લાગી શકે છે. તેથી પેસ્ટિસાઈડ્સનો ઉપયોગ જરૂરી છે.

ઘરની પાછળના ભાગમાં જગ્યા હોય તો ત્યાં શાકભાજી વાવી શકાય. શાકભાજીની જમીન લંબચોરસમાં રાખો અને ત્યાં ભરપૂર સૂર્યપ્રકાશ હોય તે જરૂરી છે. શાકના છોડની હારો ઉત્તરથી દક્ષિણ દિશામાં હોવી જોઈએ જેથી તેને પૂરતો સૂર્યપ્રકાશ મળે. તેનાથી છોડની વૃદ્ધિ અને ગુણવત્તામાં સુધારો આવે છે.

(ક્રમશઃ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન