GDP ડેટા માર્કેટની તેજીને સપોર્ટ કરશે - Sandesh

GDP ડેટા માર્કેટની તેજીને સપોર્ટ કરશે

 | 1:04 am IST

મીડ કેપ વ્યૂઃ નયન પટેલ

શુક્રવારે માર્કેટ બંધ થયા બાદ પહેલા ક્વાર્ટરના જીડીપી ડેટા જાહેર થયા. ગત વર્ષે આ જ સમયગાળામાં જીડીપી આંક ૫.૬ ટકા હતો જ્યારે આ ક્વાર્ટરમાં માર્કેટની અપેક્ષા ૭.૬ ટકા હતી જેની સામે ૮.૨ ટકાનો જીડીપી દર આવ્યો છે જે સ્પષ્ટ દર્શાવે છે કે ઈકોનોમીમાંથી જીએસટીની નકારાત્મક અસર દૂર થઇ ગઈ છે તેમજ નોટબંધી અને જીએસટીના ફાયદા હવે ઈકોનોમીમાં દેખાઈ રહ્યા છે. ગ્લોબલ કારણો અને ઊંચા ક્રૂડ ઓઈલના ભાવોના લીધે રૂપિયો ડોલરની સામે ઓલટાઈમ લો સપાટીએ આવી ગયો છે પણ એ મધ્યમથી લાંબાગાળે કોઈ મોટી ચિંતાનું કારણ નથી કેમ કે છેલ્લા ૫ વર્ષોમાં રૂપિયો ડોલરની સામે માત્ર ૭ ટકા નબળો થયો છે જે ચાઈના અને રશિયા સહિત વિશ્વના ઘણા મોટા દેશો કરતા પણ ઓછો છે. મજબૂત જીડીપીના આંકડા રૂપિયાને સપોર્ટ કરી શકે છે. જોકે આવનાર દિવસોમાં નિફ્ટીમાં કોન્સોલિડેશન જોવાઈ શકે અને સ્ટોક સ્પેસિફિક તેજી જોવા મળે એવી સંભાવના છે.  એસ્ટ્રો ટેકનો વ્યૂ મુજબ નિફ્ટીમાં હવે ૧૧,૫૯૫ અને ૧૧,૭૬૦ની ટ્રેડિંગ રેન્જ રહેશે જે તરફ બ્રેકઆઉટ આવશે એ તરફ બીજા ૧૦૦ થી ૧૫૦ પોઈન્ટની ચાલ જોવાશે.

ડાર્ક હોર્સ

મોલ્ડ-ટેક ટેક્નોલોજિસ લિમિટેડ (૫૨૬૨૬૩ અને એનએસઈ) (૫૧.૭) (ફેસ વેલ્યૂ રૂ.૨)

શેરનો બાવન સપ્તાહનો હાઈ ભાવ રૂ.૮૨ છે જે જાન્યુઆરી ૨૦૧૮માં જોવાયો હતો જેની સામે સ્ટોક હાલમાં ૩૭ ટકા નીચે ક્વોટ થઇ રહ્યો છે. મોલ્ડ-ટેક ગ્રૂપ આશરે ૬૫ મિલિયન ડોલરનું ગ્રૂપ છે જૂન ક્વાર્ટરના પરિણામોમાં કંપનીની આવક વધીને રૂ.૧૯.૩૫ કરોડ થઇ છે જ્યારે કંપનીનો EBITA ગત વર્ષના જૂન ક્વાર્ટરની સરખામણીમાં ૩૨.૫૩ ટકા વધ્યો છે જયારે માર્ચ ક્વાર્ટરની સરખામણીમાં ૩૧૨ ટકા વધ્યો છે. કંપનીનો ચોખ્ખો નફો ગત વર્ષના જૂન ક્વાર્ટરની સરખામણીમાં ૬૦ ટકા વધીને જ્યારે માર્ચ ક્વાર્ટરની સરખામણીમાં ૨૧૧ ટકા વધીને રૂ. ૨.૪૦ કરોડ રહ્યો છે. પરિણામોની સાથે જાહેર કરેલ પ્રેસ રિલીઝમાં કંપનીએ તેના ત્રણેય ડિવિઝનમાં આગળ જતા મજબૂત ગ્રોથ જોવા મળે એવી સંભાવના દર્શાવી છે. રેગ્યુલર ડિવિડન્ડ ચુકવતી આ કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૧૮ માટે ૧૫ ટકાનું વચગાળાનું ડિવિડન્ડ ચૂકવ્યું છે જ્યારે ૨૦ ટકાના ફાયનલ ડિવિડન્ડ જાહેર કર્યું છે. તમામ પાસાઓ જોતા આ સ્ટોક વર્તમાન ભાવે રોકાણ માટે ખૂબ જ આકર્ષક લાગી રહ્યો છે. જો તમારા નાણાકીય સલાહકાર પરમિશન આપે તો સ્ટોકમાં રૂ. ૪૦ના ચુસ્ત સ્ટોપલોસ સાથે સ્ટોકમાં રોકાણ કરી શકાય. કંપનીની મોટા ભાગની આવક નિકાસમાંથી પણ આવે છે અને નબળો રૂપિયો કંપનીના ર્માિજનમાં વધારાનો સુધારો કરી શકે છે.

સ્ટોક વોચ

ક્રિટી ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયા લિમિટેડ (૫૨૬૪૨૩) (૪૫.૭૫) (ફેસ વેલ્યૂ રૂ. ૧)

ઇન્દોર બેઇઝ ક્રિટી ઇન્ડસ્ટ્રીઝ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. ૧.૦૩ની ઈપીએસ હાંસલ કરી છે. નાણાકીય વર્ષ ૨૦૧૮ માટે ૧૫ ટકા ડિવિડન્ડ ચૂકવનાર આ કંપનીનો સ્ટોક તેના બાવન સપ્તાહના હાઈ રૂ. ૬૨.૮થી ઓલમોસ્ટ ૨૭ ટકા નીચે ક્વોટ થઇ રહ્યો છે. જૂન ક્વાર્ટરના બમ્પર પરિણામો બાદ આ સ્ટોક વર્તમાન ભાવે રોકાણ માટે ખૂબ જ આકર્ષક લાગી રહ્યો છે અને જો તમારા નાણાકીય સલાહકાર પરમિશન આપે તો રૂ. ૩૭ના સ્ટોપલોસ સાથે રોકાણ માટે વિચારી શકાય.

માર્કેટમાંથી સાંભળ્યું છેઃ સવેરા ઇન્ડસ્ટ્રીઝ (૫૧૨૬૩૪) (૭૭.૪૫) (ફેસ વેલ્યૂ રૂ. ૧૦) કંપની ચેન્નઈમાં ૨૩૦ રૂમ્સની ફોર સ્ટાર કેટેગરીની હોટલ ધરાવે છે. છેલ્લા ૫ વર્ષોમાં કંપનીએ તેનું દેવું રૂ.૨૧.૩૮ કરોડથી ઘટાડીને રૂ.૩.૧૧ કરોડ કરી દીધું છે. જૂન ક્વાર્ટરમાં કંપનીનો નફો ગત વર્ષના જૂન ક્વાર્ટરની સરખામણીમાં ૧૧૫.૫૪ ટકા અને માર્ચ ક્વાર્ટરની સરખામણીમાં ૮૦૫૦ ટકા વધ્યો છે. માત્ર ૧૨ના નીચા પીઈથી હોટલ ઇન્ડસ્ટ્રીમાં સૌથી નીચા વેલ્યુએશને ક્વોટ થતા આ સ્ટોકમાં મુંબઈના કેટલાક જાણકારો એન્ટર થયા છે.

વિવીમેડ લેબ (૫૩૨૬૬૦ અને એનએસઈ) (૬૫.૭) (ફેસ વેલ્યૂ રૂ. ૨) ફાર્મા સેક્ટરના શેરો સતત નવા બાવન સપ્તાહના હાઈ બનાવી રહ્યા છે. આ સ્ટોક તેના બાવન સપ્તાહના તળિયા નજીક ક્વોટ થઇ રહ્યો છે. દિલ્હીના પન્ટરો આ કાઉન્ટરમાં સક્રિય થયા હોવાની ચર્ચા છે. રૂ. ૬૨ના ચુસ્ત સ્ટોપલોસ સાથે જો તમારા નાણાકીય સલાહકાર પરમિશન આપે તો ધ્યાન રાખી શકાય.