સુખી જીવનની ચાવી છે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો આ સિદ્ધાંત, દૂર કરશે નિરાશા - Sandesh
  • Home
  • Astrology
  • સુખી જીવનની ચાવી છે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો આ સિદ્ધાંત, દૂર કરશે નિરાશા

સુખી જીવનની ચાવી છે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો આ સિદ્ધાંત, દૂર કરશે નિરાશા

 | 6:48 pm IST

શ્રીમદ્ ભગવદ્ ગીતા એ હિંદુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે. ગીતા હિંદુ ધર્મ ગણાતો હોવા છતા એ ફક્ત હિંદુ પ્રત્યે સિમીત ન રહેતા પુરા માનવસમાજ માટેનો ગ્રંથ ગણાય છે. મહાભારતના યુદ્ધના પ્રથમ દિવસે પાંડવ જ્યારે યુદ્ધભૂમિ પર પહોંચે છે ત્યારે અર્જુન તેના સારથી બનેલા શ્રીકૃષ્ણ રથને બન્ને સેનાની વચ્ચે લેવાનો કહે છે. બન્ને સેનાનું અવલોકન કરતી વખતે અચાનક અર્જુનને લાખો લોકોના મૃત્યુનો ખ્યાલ આવે છે. યુદ્ધના પરિણામોના વિચારથી તે ગભરાઇ જાય છે અને ભગવાન શ્રીકૃષ્ણને યુદ્ધ કરવાની ના કહી દે છે. તેના હાથમાંથી ધનુષ્ય પડી જાય છે અને તે રથમાં બેસી પડે છે તે શ્રીકૃષ્ણને માર્ગદર્શન પુરુ પાડવા કહે છે. આ તકે અર્જુનના જે પ્રશ્નનોનું સમાધાન શ્રીકૃષ્ણે કર્યું તે સંવાદ એટલે શ્રીમદ્ ભગવત્ ગીતાના અઢાર અધ્યાય. ગીતામાં અર્જુન માનવનું પ્રતિનિધિત્વ કરે છે અને માનવ તરફથી ભગવાન કૃષ્ણને જીવનને લગતા વિવિધ પ્રશ્નો કરે છે. ગીતા મુજબ માનવ-જીવન એક યુદ્ધ છે જેમાં દરેકે લડવું જ પડે છે. આ યુદ્ધમાંથી પીછેહઠ કર્યા વિના આગળ વધવું તે જ ગીતાનો સંદેશ છે.

શ્રીમદ્ ભગવત્ ગીતામાં જ સંયમ અને સહનશીલતાનું મહત્વ પણ વર્ણવવામાં આવ્યું છે. ગીતાજીના બોધ અનુસાર સંસારમાં બધું જ પરિવર્તનશીલ છે. જેમ યોગ્ય સમય આવતાં ઠંડી-ગરમીની મોસમ બદલાય છે, સુખ પછી દુ:ખ આવે છે તેવી જ રીતે જીવનની પ્રતિકુળતા પણ કાયમની નથી. જ્યારે પણ જીવનમાં કપરો સમય આવે ત્યારે સંયમથી કામ લેવું. પરંતુ મોટાભાગે લોકો દુ:ખના સમયમાં નિરાશામાં ગરકાવ થઈ જાય છે. પરંતુ મનની હિંમતને ક્યારેય તુટવા ન દેવી જોઈએ. સમસ્યાઓથી ઘેરાયેલા હોય ત્યારે પણ પ્રભુ પર વિશ્વાસ અચૂક રાખવો કે અંધારામાંથી પણ તે તમને ઉગારશે.

વ્યક્તિએ હંમેશા ઉત્સાહવાદી રહેવું જોઈએ. હંમેશા એક વાતને યાદ રાખવી કે સંસારમાં બધુ જ પરિવર્તનશીલ છે. જો આજે તમારી પાસે ધન નથી અને તમે ધનના અભાવમાં જીવન પસાર કરી રહ્યા છો તો આશા રાખવી કે આ દિવસો પણ પસાર થઈ જશે અને તમે પણ ધનવાન બનશો. જો તમે વારંવાર નિષ્ફળ થતાં હોય તો સહનશક્તિ દાખવવી અને તે સમયને સંયમથી પસાર કરી લેવો. ધીરેધીરે સમસ્યાઓ દૂર થવા લાગશે અને અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનો માર્ગ ખુલી જશે.

શ્રીમદ્ ભગવત્ ગીતાના દરેક અધ્યાયના અંતે ભગવાને પણ આવો જ ઉપદેશ આપ્યો છે કે, સાચો માર્ગ શું છે તે જણાવી દીધું છે હવે કયા માર્ગે ચાલવું, કેવી રીતે વર્તન કરવું તે માણસ માત્રનો નિર્ણય હોય છે. તો તમે પણ આજથી જ બદલો નિરાશાવાદી વિચાર અને સંયમના માર્ગે ચાલતાં ચાલતાં બદલી દો તમારું પણ જીવન.