ધીમેધીમે વજન ઘટાડવાનો સરળ ઉપચાર - Sandesh

ધીમેધીમે વજન ઘટાડવાનો સરળ ઉપચાર

 | 12:18 am IST

આરોગ્ય :- વૈદ્ય પ્રશાંતભાઈ ગૌદાની

એક પ્રૌઢ બહેનની તકલીફ હતી વધારે પડતું વજન અને તેનાથી ઉત્પન્ન થતી દૈનિક જીવનની તકલીફો. એમનાં કહેવા પ્રમાણે શરૂઆતમાં તેઓ પાતળા હતાં. કોલેજ લાઈફ વખતે એમનું શરીર એકદમ સપ્રમાણ હતું. ગ્રેજ્યુએટ થયા પછી લગ્ન થયા અને એક બાળક પછી તો તેમનું શરીર ખૂબ જ વધવા લાગ્યું. બીજી પ્રસૂતિ પછી તો વજન એટલું વધી ગયું કે શરીર બેડોળ બની ગયું. પેટ, કમર અને છાતીનો ભાગ વધી ગયો. તેઓ વજન ઘટાડવા માટે અવારનવાર પ્રયત્નો કરતાં, પણ ખાસ પરિણામ મળતું નહીં. મારા નિમ્ન ઉપચારથી તેમને ઉત્તમ પરિણામ મળેલું. આ પ્રૌઢ બહેનની જેમ ઘણી વ્યક્તિઓને આ અતિમેદ અથવા સ્થુળતા નામની વિકૃતિ શારીરિક અને માનસિક સંતાપ આપે છે. એમને ઉપયોગી થાય એવું સંક્ષિપ્ત નિરૂપણ અહીં કરું છું.

વજન ઘટાડવા માટે મેદસ્વી વ્યક્તિઓને ઉપયોગી થાય એવું સાદું, સરળ નિરૂપણ અહીં કરું છું. થોડા દૃઢ નિર્ણય સાથે આ પ્રમાણે ઉપચાર કરવાથી તમે તમારી ઈચ્છા મુજબ ઘટાડીને તેને કાબૂમાં રાખી શકશો.

આ યોજના-ઉપચાર પ્રમાણે તમે પંદર દિવસમાં વધારે નહીં, માત્ર એકાદ કિલોગ્રામ વજન ઘટાડી શકો. એકદમ ઘટાડવા કરતાં ધીમેધીમે ઘટાડવાથી તેની આડઅસરો કે ઉપદ્રવો ઉત્પન્ન થશે નહીં તથા હાથ, ગરદન, પેટ, નિતંબ વગેરે અવયવોની ત્વચા શિથિલ-ઢીલી થશે નહીં, તેમાં કરચલીઓ પડશે નહીં.

વજન અથવા મેદ ઘટાડવાનો કાર્યક્રમ પ્રાતઃકાળે ઊઠવાથી જ ચાલુ કરો. શૌચાદિ ક્રિયાઓ પતાવી પ્રાતઃકાળે એકથી બે ગ્લાસ જેટલું તાજું પાણી પીવું. તેમાં અડધું લીંબુ નીચોવી એકાદ ચમચી મધ નાંખવું, સવારે ચાની ટેવ હોય તો મલાઈ કાઢેલા ખૂબ જ પાતળા દૂધની ઓછી ખાંડવાળી અડધો કપ ચા પી શકો. પછી સવારે બે ત્રણ કિલોમીટર ચાલવાનું રાખો, પરસેવો વળે એ રીતે થોડું ઝડપથી ચાલવું અથવા ઘરમાં થઈ શકે એવી દંડ, બેઠક, કૂદવું વગેરે કસરતો કરવી.

બપોરનાં આહારમાં પાતળી દાળ, માખણ વગરની પાતળી છાશ, બાફેલું નમક વગરનું શાક, કાચુ કચુંબર અને ત્રણેક કોરી રોટલી લેવી, સંતોષથી જમવું નહીં. ચાર-પાંચ રોટલીની ઈચ્છા હોય તો ત્રણ જ ખાવી, બપોરે જમ્યાં પછી ઊંઘવું નહીં, કારણકે આયુર્વેદમાં ‘દિવાસ્વાપ’ એટલે કે બપોરની ઊંઘને વજન વધારનારી કહેવાય છે. એટલે કે વજન ઘટાડવા ઈચ્છતી વ્યક્તિઓને બપોરે ઊંઘવાની સખત મનાઈ છે, માત્ર ઉનાળામાં તમે બપોરે થોડો આરામ કરી શકો, પણ ઊંઘ તો નહીં જ.

બપોર પછી, સવારની જેવી જ પાતળી, ઓછી ખાંડની અડધો કપ ચા લઈ શકો, બપોર પછી જો નાસ્તાની ટેવ હોય તો બંધ કરો. રાત્રિ આહારમાં પણ કોરી રોટલી કે ભાખરી, પાંદડાવાળા માત્ર બાફેલા-ઘી, તેલ અને નમક વગરનાં શાકભાજી લઈ શકો. કંદશાક નહીં. મલાઈ વગરનું એક કપ દૂધ સૂતી વખતે પીવું, તેમાં ખાંડ નાંખવી નહીં. સામાન્ય રીતે મીઠાનો ઉપયોગ વજન વધારવામાં સહાયક બને છે, એટલે વજન ઘટાડનાર વ્યક્તિએ મીઠાનો ઉપયોગ બંધ કરવો અથવા ખૂબ જ અલ્પ માત્રામાં ઉપયોગ કરવો, વજન ઘટાડવા ઈચ્છતી વ્યક્તિએ આહાર લોલુપતા છોડવી જોઈએ જ.

આયુર્વેદમાં ‘ગુગળ’ને વજન ઘટાડનાર કહેવાયો છે, એટલે સવારે અને રાત્રે બે-બે ગોળી મેદોહર ગુગળ, ભૂક્કો કરીને સહેજ નવશેકા પાણી સાથે લેવી.

તમારી ઈચ્છાશક્તિ દૃઢ કરો, ઉચિત શ્રમ, કસરત, આહાર નિયંત્રણ અને ઔષધ દ્વારા તમે ધીમેધીમે વજન ઘટાડીને જરૂર સ્લિમ-પાતળા બની ઔશકો છો.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન