બાળકોની 'બોલતી ઢીંગલી' જાસૂસી કરી રહી હોવાની શંકા જતાં જર્મનીમાં પ્રતિબંધ - Sandesh
  • Home
  • Technology
  • બાળકોની ‘બોલતી ઢીંગલી’ જાસૂસી કરી રહી હોવાની શંકા જતાં જર્મનીમાં પ્રતિબંધ

બાળકોની ‘બોલતી ઢીંગલી’ જાસૂસી કરી રહી હોવાની શંકા જતાં જર્મનીમાં પ્રતિબંધ

 | 11:10 pm IST

બાળકોના તમામ પ્રશ્નના ઉત્તર આપતી ઢીંગલી ‘માઇ ફ્રેન્ડ કાઇલા’ જાસૂસી કરી રહી હોવાની શંકા સેવાઈ રહી છે. શંકાને પગલે જર્મનીની તમામ દુકાનો પરથી તે ઢીંગલીને દૂર કરવા આદેશ આપવામાં આવ્યા છે. જર્મનીમાં આવા કેમેરા કે માઇક્રોફોન ધરાવતાં રમકડાં પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

આમ તો આ બોલતી ઢીંગલી બજારમાં આવતાં જ બાળકોનું મન મોહી લીધું હતું. મોટેરાઓને પણ તે પસંદ હતી, કેમ કે તે ઢીંગલી બાળકો દ્વારા પુછાયેલા કોઇપણ પ્રશ્નના ઉત્તર આપતી હતી.

પરંતુ તે ઢીંગલી ઇન્ટરનેટ સાથે સંકળાયેલી હોવાથી દોષિત ઠરી. જર્મનીએ તમામ દુકાનમાંથી તે ઢીંગલી દૂર કરવાના આદેશ કર્યા છે. શંકા સેવાઇ રહી હતી કે હેકર્સ તે ઢીંગલીનો ઉપયોગ કરીને જાસૂસી કરી શકે છે.

કેવી છે ઢીંગલી

‘માઇ ફ્રેન્ડ કાઇલા’ નામે ઓળખાતી આ ઢીંગલી વાયરલેસ ડોલ છે. આ ઢીંગલી વર્ષ ૨૦૧૫થી જ વિશ્વના અનેક દેશોનાં બજારમાં વેચાઈ રહી છે. આ ઢીંગલી સ્પીચ રેકગ્નિશન તકનીકનો ઉપયોગ કરીને બાળકોને પ્રશ્નોના જવાબ આપે છે. ઢીંગલીની ભીતર એક બ્લૂ ટૂથ ડિવાઇસ છે કે જે ઢીંગલીને એપ સાથે જોડે છે.

ઇન્ટરેનેટ સાથે સંકળાયેલી હોવાથી ઢીંગલીનું એપ પ્રશ્નનો જવાબ શોધે છે અને ઢીંગલી તે વાંચીને બાળકોને સંભળાવે છે.
ઢીંગલી બનાવનારી અમેરિકી કંપની ‘જેનેસિસ ટોય્ઝ’ આવી 10 લાખ જેટલી ઢીંગલી વેચી ચૂકી છે.
સુરક્ષા મુદ્દે પ્રશ્ન ઊઠયા

ઘણા મહિનાથી આ ઢીંગલી અસુરક્ષિત હોવાની ફરિયાદ ઊઠી હતી. નવેમ્બરમાં યુરોપીય ગ્રાહક અધિકાર જૂથે તે ઢીંગલી સાથે સંકળાયેલા સુરક્ષા પ્રશ્નોની જાણકારી આપી હતી. જૂથે કહ્યું કે વિદેશનાં લોકો ટેક્નિકલ ઉપાય શોધીને બાળકો સાથે સીધી વાત કરી શકે. તપાસ એજન્સીઓ આ બોલતી ઢીંગલી પછી હવે સંવાદ કરનાં અન્ય રમકડાંની પણ તપાસ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન