મસૂદ અઝહર મામલે વધુ એક શક્તિશાળી દેશ ભારતની પડખે, પાક.-ચીનને લપડાક - Sandesh
  • Home
  • Featured
  • મસૂદ અઝહર મામલે વધુ એક શક્તિશાળી દેશ ભારતની પડખે, પાક.-ચીનને લપડાક

મસૂદ અઝહર મામલે વધુ એક શક્તિશાળી દેશ ભારતની પડખે, પાક.-ચીનને લપડાક

 | 9:12 pm IST

ફ્રાન્સે જૈશ-એ-મોહમ્મદના આતંકી સરગણા મસૂદ અઝહરની તમામ સંપત્તિ જપ્ત કરવાના આદેશ જારી કર્યા પછી હવે જર્મનીએ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા યુરોપિયન સંઘન ખાતે પ્રયાસો શરૃ કર્યાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની દિશામાં મદદ માટે જર્મની યુરોપિયન સંઘના દેશો સાથે સંપર્કમાં છે.

રાજદ્વારી સૂત્રોના જણાવ્યા અનુસાર જર્મનીએ મસૂદ અઝહર પર પ્રતિબંધો લાદવા માટે યુરોપિયન સંઘમાં પ્રસ્તાવ રજૂ કર્યો છે પરંતુ હજુ જર્મનીના પ્રસ્તાવ પર કોઈ ઠરાવ પસાર કરાયો નથી. યુરોપિયન સંઘમાં તમામ 28 સભ્ય દેશો સહમતીથી નિર્ણય લે ત્યારબાદ જ પ્રસ્તાવ પસાર થતા હોય છે. જો 28 દેશો મસૂદ અઝહર પરના જર્મનીના પ્રસ્તાવ પર સર્વસંમતિ સાધી લેશે તો યુરોપિયન સંઘ દ્વારા મસૂદ અઝહર વિરુદ્ધ ઠરાવ પસાર કરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 15મી માર્ચે ફ્રાન્સે મસૂદ અઝહર પર આર્થિક પ્રતિબંધો લાદવાની ઘોષણા કરી હતી. ફ્રાન્સે જણાવ્યું હતું કે, તે જૈશ-એ-મોહમ્મદના આતંકી સરગણાનું નામ યુરોપિયન સંઘની આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી વ્યક્તિઓની યાદીમાં સામેલ કરવા સાથી દેશો સાથે ચર્ચા કરી રહ્યો છે.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવના વિરોધમાં ચીને વીટો વાપર્યા પછી હવે યુરોપિયન દેશો મસૂદ અઝહરને આતંકી જાહેર કરવાની દિશામાં કમર કસી રહ્યાં છે. સુરક્ષા પરિષદના 15માંથી 14 દેશોએ મસૂદ અઝહર સામેના પ્રસ્તાવને મંજૂરી આપી હતી પરંતુ એકલા ચીને વિટોના અધિકારનો ઉપયોગ કરી મસૂદ અઝહર સામેનાં પગલાં અટકાવી દીધાં હતાં.

યુરોપિયન સંઘ મસૂદ સામે ઠરાવ પસાર કરે તો શું?

1. યુરોપિયન સંઘમાં સામેલ 28 દેશોમાં મસૂદ અઝહર સામે આર્થિક પ્રતિબંધો અને સંપત્તિ જપ્ત

2. મસૂદ અઝહર યુરોપિયન સંઘમાં સામેલ 28માંથી કોઈ દેશનો પ્રવાસ કરી શકશે નહીં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન