ગેસચેમ્બર દિલ્હીની હવામાં ૧૨ ગણું પ્રદૂષણ, શાળાઓ ૩ દિવસ બંધ - Sandesh
  • Home
  • India
  • ગેસચેમ્બર દિલ્હીની હવામાં ૧૨ ગણું પ્રદૂષણ, શાળાઓ ૩ દિવસ બંધ

ગેસચેમ્બર દિલ્હીની હવામાં ૧૨ ગણું પ્રદૂષણ, શાળાઓ ૩ દિવસ બંધ

 | 4:42 am IST

નવી દિલ્હી, તા. ૬

હવાનાં પ્રદૂષણને કારણે ગેસચેમ્બર બની ચૂકેલી દેશની રાજધાની દિલ્હીને ઉગારવા સફાળી જાગેલી આમ આદમી પાર્ટીની સરકારે સંખ્યાબંધ પગલાંની જાહેરાત કરી થાગડથીગડ કરવાનો પ્રયાસ કર્યો છે. દિલ્હીવાસીઓ માટે બ્લેક સન્ડે પુરવાર થયેલા રવિવારે સવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સ્મોગ સામે લડવા તાકીદનાં પગલાંની જાહેરાત કરી હતી. કેજરીવાલે જણાવ્યું હતું કે આગામી ૩ દિવસ સુધી દિલ્હીની તમામ શાળાઓ બંધ રહેશે અને ઓડઇવન યોજના ફરી લાગુ કરવા વિચારણા કરાશે. કેજરીવાલે દિલ્હી શહેરમાં પાંચ દિવસ સુધી તમામ પ્રકારનાં નિર્માણકાર્ય પર રોક લગાવી દીધી હતી.   દિલ્હીમાં સતત છઠ્ઠા દિવસે સ્મોગ ભયજનક સપાટી પર રહેતાં કેજરીવાલે તાકીદે કેબિનેટની બેઠક બોલાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, હવાનું પ્રદૂષણ આટલું ભયજનક બનશે તેવું અમે ક્યારેય વિચાર્યું નહોતું. અમે ફક્ત પાકનાં પરાળને બાળવાને દોષ દેતા નથી. કેજરીવાલે જણાવ્યું હતું કે, ઘેરથી કામ થઈ શકે તેમ હોય ત્યાં સુધી જનતાને ઘરમાં રહેવા અમે અપીલ કરીએ છીએ. કચરાના ઢગલામાં લાગેલી આગ બુઝાવવા સરકાર બુલડોઝરોનો ઉપયોગ કરશે. બદલાપુર ખાતે આવેલા કોલસા આધારિત વિદ્યુતમથકને ૧૦ દિવસ માટે બંધ કરી દેવાયું છે. પ્લાન્ટમાંથી ફાઇનડસ્ટ અને ફ્લાયએશ બહાર લઈ જવાની  પરવાનગી નહીં અપાય.

કેજરીવાલે જણાવ્યું હતું કે સોમવારથી દિલ્હીની સડકો પર પાણીનો છંટકાવ કરાશે અને ૧૦મી નવેમ્બરથી શહેરમાં વેક્યૂમ ક્લિનિંગ કરાશે, તે ઉપરાંત હોસ્પિટલો અને ઇમર્જન્સી સિવાય તમામ પ્રકારનાં ડીઝલ જનરેટર પર ૧૦ દિવસનો પ્રતિબંધ લાદી દેવાયો છે.   કેજરીવાલે જણાવ્યું છે કે સરકાર ઓડ ઇવન યોજનાનો વધુ એક રાઉન્ડ શરૂ કરવા તૈયારી કરી રહી છે. શહેર પર છવાયેલાં ધૂળનાં વાદળને વિખેરવા દિલ્હી સરકારે કૃત્રિમ વરસાદ વરસાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે અને તે માટે કેન્દ્ર સરકારની મદદ માગી છે.

પ્રદૂષણની કેજરીવાલબ્રાન્ડ ટ્રીટમેન્ટ

બુધવાર સુધી દિલ્હીની તમામ શાળા બંધ રહેશે.

પાંચ દિવસ સુધી તમામ નિર્માણકાર્ય પર પ્રતિબંધ.

ડીઝલ જનરેટરસેટ પર ૧૦ દિવસ સુધી પ્રતિબંધ.

બદરપુર વિદ્યુત મથક ૧૦ દિવસ માટે બંધ કરાયું.

સોમવારથી દિલ્હીની સડકો પર પાણીનો જોરદાર છંટકાવ.

૧૦ નવેમ્બરથી સડકોનું વેક્યુમ ક્લિનિંગ.

લોકોને બને ત્યાં સુધી ઘરમાં જ રહેવા સૂચના.

ઓડ ઇવન ફોર્મ્યુલા ફરી લાગુ કરવા વિચારણા.

કૃત્રિમ વરસાદ કરાવવાનો પ્રસ્તાવ.

કચરાના ઢગમાં લાગેલી આગ બુલડોઝરો દ્વારા બુઝાવાશે, કચરો સળગાવવા પર પ્રતિબંધ.

જંતરમંતર ખાતે સેંકડો દિલ્હીવાસીઓના દેખાવો

દેશની રાજધાની દિલ્હીમાં હવાનાં પ્રદૂષણે ભયજનક સ્વરૂપ ધારણ કરતાં જંતરમંતર ખાતે બાળકો સહિત સેંકડો લોકોએ દેખાવો કરી સરકાર સમક્ષ અસરકારક પગલાંની માગ કરી હતી. દિલ્હીનાં વિવિધ સંગઠનો દ્વારા આયોજિત આ દેખાવોમાં નફીસાઅલી સહિતના સેલિબ્રિટીઓ જોડાયા હતા. નફીસાઅલીએ જણાવ્યું હતું કે, ઓડ ઇવન ફોર્મ્યુલા ઘણી સફળ રહી હતી. સરકારે ફરી તેનો અમલ કરવો જોઇએ. દેખાવકારોએ જણાવ્યું હતું કે દિલ્હી ગેસચેમ્બર બની ગઈ છે. અહીં કોઈ શ્વાસ પણ કેવી રીતે લઈ શકે?

CISFના ૭,૦૦૦ જવાનોને માસ્ક અપાયાં, માસ્કનાં વેચાણમાં ૧૦ ગણો વધારો, અસ્થમાના દર્દી ૪૦ ટકા વધ્યા

દિલ્હીનાં વ્યૂહાત્મક સ્થળોની સુરક્ષા માટે તૈનાત સીઆઈએસએફના ૭,૦૦૦ જવાનોને પ્રદૂષણ સામે રક્ષણ મેળવવા માસ્ક અપાયાં છે. અસ્થમા, એલર્જી અને પ્રદૂષણને કારણે થતા રોગોના દર્દીઓમાં ૪૦ ટકાનો વધારો નોંધાયો છે. પ્રદૂષણને કારણે દિલ્હીમાં માસ્કનાં વેચાણમાં ૧૦ ગણો ઉછાળો નોંધાયો છે, તે ઉપરાંત દિલ્હી શહેરમાં એર પ્યુરિફાયરનાં વેચાણમાં પણ મોટો વધારો નોંધાયો છે.

પ્રદૂષણ મુદ્દે પણ રાજકીય આરોપ પ્રત્યારોપ

દિલ્હીનાં પ્રદૂષણ માટે સીએમ કેજરીવાલે રાજધાનીની આસપાસનાં રાજ્યોમાં પાકનાં પરાળ સળગાવવાની પ્રવૃત્તિને જવાબદાર ગણાવી છે, તો હરિયાણા સરકારે આરોપ મૂક્યો હતો કે કેજરીવાલને બીજા પર દોષારોપણ કરવાની આદત છે. પંજાબ સરકારે દિલ્હી સરકારના આરોપો ફગાવી દીધા છે. કેન્દ્રીય પર્યાવરણમંત્રી અનિલ માધવે એકબીજા પર દોષ મૂકવાને બદલે પ્રદૂષણના ઉપાય વિચારવા રાજ્યોને સલાહ આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન