મેળે મેળે મેળવો...સુખ - Sandesh

મેળે મેળે મેળવો…સુખ

 | 2:36 am IST

મંથન । તૃપ્તિ જી. દવે

સુખ શું છે? સુખ સાપેક્ષ છે. સુખની સૌની પોતપોતાની આગવી વ્યાખ્યા છે. કોઇ સંતાન સુખમાં તો કોઇ પ્રેમ પામવામાં, કોઇ બિઝનેસના મોટા કોન્ટ્રાક્ટ મેળવવામાં તો કોઇ પ્રમોશનમાં તો, કોઇ સારો જીવનસાથી મળવામાં, તો કોઇ માથેથી દેવું ઉતારવામાં, કોઇ સારી લાઇનમાં એડમિશન મળી જવામાં તો કોઇ પોતાનું મિશન પાર પાડવામાં… સુખ મળ્યાનો આનંદ માને છે.

આવા જ કોઇ સુખની શોધમાં તમે પણ હશો જ, રાઇટ? પણ, હા ભાવિમાંથી કંઇક મળશે ને સુખ પ્રાપ્તિ થશે એની પ્રતીક્ષામાં આજની ઘડીનું સુખ અટકાવી તો નથી રાખ્યું ને? તમારા સુખનો આધાર અન્ય પર છે? આ પ્રશ્નના ઉત્તર ‘હા’માં હોય તો સુખ માટે તમારે ચાતકની જેમ રાહ જોવી પડશે… ને કદાચ તમે ક્યારેય સુખનામક તત્ત્વ પામી ન પણ શકો.

અરે…માનવીઓ…સુખ કંઇ એવું નથી જેને અગમ-નિગમમાં ખોળવું પડે… એ તો આપણી અંદર જ અચળ છે. આપણી અંદર રહેલાં સુખને આપણે જાતે જ બહાર લાવવાનું છે. જો કે આસપાસનું વાતાવરણ, ફ્રેન્ડસર્કલ કે પોતીકું તેમાં મદદરૂપ થઇ શકે, પરંતુ તમારી જાતને સુખી કરવા માટેની ક્ષમતા માત્રને માત્ર તમારા હાથમાં જ છે, એ ભૂલશો નહીં.

અમિતાભ બચ્ચનની ‘અંધા કાનૂન’ ફિલ્મનું સોંગ તમને યાદ હશે જ કે… ‘બડી-બડી ખુશિર્યાં હૈ, છોટી છોટી બાતો મે…’ એંસીના દાયકાની આ ફિલ્મમાં અમિતાભે એક ગીત દ્વારા સુખી થવા માટે નાની નાની વાતો કેવીને કેટલી મહત્ત્વની છે તેનો ખ્યાલ આપી જ દીધો હતો!

ખરેખર સુખ શેમાંથી મળી શકે તેના સંશોધન માટે બ્રિટનમાં જુદી-જુદી વિદ્યાશાળાના છ જેટલાં નિષ્ણાતો અને અન્યોએ મળીને એક સરવે કર્યો. આ સરવેના તારણરૂપે લોકોના સુખનું ધોરણ ઊંચુ લાવવા માટે દસ મુદ્દા રજૂ કરવામાં આવ્યા.

(૧) તમે કોઇ છોડને રોપીને તેને ઉછેરો. આ વાત કાંઇ નવી નથી, પણ જૂની રીતે જીવવાનું આપણે ભૂલી જગમાં છીએ એટલે હું અહીં યાદ અપાવું છું. એક વૃદ્ધ આંબો રોપી રહ્યા હતા, ત્યારે એક રાહદારીએ તેમને પૂછયું : ‘વડીલ, આ આંબો કેરી આવશે, ત્યારે તો તમે જીવતા પણ નહીં હોવ, તો પછી આંબો રોપવાની મહેનત શા માટે કરો છો?’ વડીલે કહ્યું કે, ‘આ આંબો મોટો થશે ત્યારે અહીંથી પસાર થતા વટેમાર્ગુઓ અહીં છાંયડે બેસી આરામ કરશે અને આશીર્વાદ આપશે તો મને જ મળશે ને? વળી, કેરી ખાનારાઓનું સુખ પણ મારે ફાળે જ જશેને… !’ વાતનો સાર એ જ કે પ્રકૃતિના ખોળે જવાથી સર્જનનો આનંદ મળે, જે માનવીને તણાવમુક્ત કરી સુખ આપે છે.

(૨) પ્રિયજન સાથે અઠવાડિયામાં ઓછામાં ઓછી એક કલાક વાત કરો. કામધંધામાં કે કરિયર બનાવવામાં એટલા બધા રમમાણ ન રહો કે પ્રિયજનો અને સ્વજનો સાથેનો સંપર્ક સેતુ જ કપાઇ જાય. વાતચીત ઓછી થતાં ગેરસમજનું પ્રમાણ વધે છે. જાણે વાત કરવાનો કંટાળો આવતો હોય અને ધીરજ ખોઇ બેઠા હોઇએ તેમ આપણે નાની- નાની વાતમાં એમ અકળાઇ ઊઠીએ. આવી પરિસ્થિતિ દુઃખ ન આપે તો બીજું શું આપે?

(૩) ટી.વી. જોવાનો તમારો સમય ઘટાડીને અડધો કરી દો. આજના યુગમાં ટીવી અને મોબાઇલમાં લોકો એટલા મશગૂલ થઇ ગયા છે કે વાતચીતનો તંતુ તૂટી રહ્યો છે. ખાવા-પીવાનું ટીવી સામે, ટીવી જ બોલે ને ઘરના સભ્યો ચૂપ રહે. જાણે ટીવી પાત્રો જ અગત્યના છે, ને ઘરના સભ્યો અળખામણાં થઇ ગયા છે. ઘરને જીવંત બનાવો સુખ પામશો.

(૪) સમય વીતતાં ખાસ સંપર્ક રહ્યો ન હોય તેવા જૂના મિત્રો કે સખીઓને ફોન કરો અને તેમને મળવાનું ગોઠવો. ઘણી સ્કૂલ- કોલેજોમાં ભૂતપૂર્વ સ્ટુડન્ટસના મંડળ ચાલતાં હોય છે. આવા મંડળના ફંક્શનમાં જૂના મિત્રો- સખીઓને મળી વિદ્યાર્થી કાળની ધિંગામસ્તી યાદ કરીએ એટલે ઘણાં હળવાં થઇ જવાય. એ હળવાં થવાની વાત જ મહત્ત્વની છે. ભૂતકાળના આનંદમાં ગરકાવ કરી દે તેવા પ્રસંગોને વાગોળવાથી પણ ફાયદો જ છે ને?

(૫) રોજ કોઇ એક અજાણી (પણ કંઇક અંશે જાણીતી) વ્યક્તિની સામે સ્મિત કરો કે તેને હૃદયપૂર્વક ‘કેમ છો?’ કહી બોલાવો. આજે પોતાના કહી શકાય એવા માણસોને બોલાવવાનો વ્યવહાર પણ ઘટતો જાય છે ત્યારે આ પ્રકારના સ્નેહ સંબંધ વધારવાની જરૂર છે.

(૬) અઠવાડિયે ઓછામાં ઓછી ત્રણ વાર કસરત કરો. આપણા જીવનમાંથી મહત્ત્વ ઘટી ગયું છે. બધા માટે ટાઇમ કાઢીએ છીએ, પણ કસરત માટે ટાઇમ કાઢતા નથી. કસરતથી સ્વાસ્થ્ય સારું રહેશે. ‘પહેલું સુખ તે જાતે નર્યા.’ એ ન ભૂલાય.

(૭) અઠવાડિયામાં ઓછામાં ઓછા પાંચ આશીર્વાદ મળે એવાં કામ કરો. માત્ર સાધુ-સ્વામીઓ જ નહીં. પણ વૈજ્ઞાનિકો પણ સૂચવે છે કે સારાં કામ કરો, બીજાને સુખ મળે તેવાં કામ કરો. સંઘર્ષ થાય એવાં કામોથી દૂર જજો. સંઘર્ષ ઓછો થાય એટલે તમે તમારી જાતને સૌથી સુખી ગણવા માંડશો.

(૮) દિવસ દરમિયાન એકવાર તો મન મૂકીને ખડખડાટ હસો જ. લાફ્ટર થેરપીનો જમાનો છે. બાય ધ વે, લાફિંગ કલબમાં તો લોકો જાણે પરાણે હસતાં હોય તેવું ચિત્ર જોવા મળે છે. એના કરતાં તો તમારી જીવનશૈલીમાંના કોઇ પ્રસંગ કે રમૂજ પર ખડખડાટ હસો એ વધુ લાભપ્રદ છે. આ હાસ્ય તમને હળવા ફૂલ બનાવી દેશે, એમાં બે મત નથી.

(૯) ટીપટોપ રહો- લઘરવધર રહો એ બિલકુલ ન ચાલે !વળી, લઘર-વઘર શાને માટે રહેવાનું? પોતાના શરીર અને દેખાવ તરફ પૂરતું ધ્યાન આપો. બીજાઓ માટે નહીં સૌથી પહેલાં તો ખુદનાં માટે ચુસ્ત- દુરસ્ત અને પ્રેઝન્ટેબલ રહો. સુંદર દેખાવામાં કશુંય છીછરાપણું નથી, બલ્કે સુખ મહેસૂસ કરી શકશો. એ યાદ રાખો.

(૧૦) છેલ્લે દરરોજ કોઇ પ્રત્યે દયાળુ બનતાં શીખો કોઇ પણ વ્યક્તિ જોડે તોછડાઇભર્યું વર્તન ન કરો. યાચક હોય કે જરૂરિયાતમંદ હોય, તેની સાથે વિનમ્રતાથી વર્તી કંઇક યથાશક્તિ દયા-ભાવ દર્શાવો, જે તમને ચોક્કસ માનસિક સુખ આપશે જ. જો કે, જે પણ કંઇ કરો એ સામેની વ્યક્તિને જોઇ તપાસીને કરો, એમાં છેતરાઇ ન જાવ તે પણ જુઓ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન