આરેમાં કારશેડ માટે પ્રશાસન અને પર્યાવરણપ્રેમીઓ આમને સામને - Sandesh
  • Home
  • Mumbai
  • આરેમાં કારશેડ માટે પ્રશાસન અને પર્યાવરણપ્રેમીઓ આમને સામને

આરેમાં કારશેડ માટે પ્રશાસન અને પર્યાવરણપ્રેમીઓ આમને સામને

 | 3:08 am IST

। મુંબઈ ।

મેટ્રો ૩ના કારશેડ માટે વૃક્ષો કાપવાનો પ્રસ્તાવ વૃક્ષ પ્રાધિકરણની બેઠકમાં મંજૂર થયા પછી એના વિરોધમાં પ્રદર્શનો અને આંદોલનો ચાલી રહેલા છે ત્યારે મહાપાલિકાના ઉદ્યાન સુપરિન્ટેન્ડેન્ટે વૃક્ષો કાપવાની મંજૂરી આપતો પત્ર મુંબઈ મેટ્રો રેલવે કોર્પોરેશનને મોકલી આપ્યો છે. આ પરવાનગીને કારણે કારશેડ માટે વૃક્ષો કાપવાના વિરોધમાં આંદોલનો વધુ તીવ્ર બનશે. હાઈ કોર્ટમાં ચાલી રહેલા આ પ્રકરણના સંબંધમાં મંગળવારની સુનાવણી પર હવે પર્યાવરણ પ્રેમીઓની મીટ છે.

વૃક્ષ પ્રાધિકરણની ૨૯ ઓગસ્ટની બેઠકમાં મેટ્રો કારશેડ માટે ૨૧૮૫ વૃક્ષો કાપવાનો અને ૪૬૧ વૃક્ષો ફરી રોપવાનો પ્રસ્તાવ પસાર થયો હતો. ત્યાર પછી ઝોરુ બથેનાએ આ નિર્ણય પર વચગાળાની સ્થગતિ માગતી અરજી મુંબઈ હાઈ કોર્ટમાં દાખલ કરી હતી. અરજીની સુનાવણી દરમ્યાન પાલિકાએ વૃક્ષો કાપવાની પરવાનગી આપતો પત્ર મેટ્રો રેલવેને નથી આપ્યો એમ જણાવ્યું હતું. પરવાનગી આપતો પત્ર આપ્યા પછી જ આંદોલન થઈ શકે એમ પણ પાલિકાએ જણાવ્યું હતું. પાલિકાએ ઔપચારિક પરવાનગી આપેલી ન હોવાથી સ્થગતિનો આદેશ આપવાની જરૂર ન હોવાનું કોર્ટે જણાવ્યું હતું. કોર્ટે પાલિકાને બીજી સુનાવણી દરમ્યાન આ સંદર્ભમાં એફિડેવિટ દાખલ કરવાનો આદેશ પણ આપ્યો હતો.  કારશેડ માટે વૃક્ષો કાપવાનો પ્રસ્તાવ પસાર થયા પછી વૃક્ષ પ્રાધિકરણની બીજી બેઠક નથી યોજાઈ. આ બેઠકની મિનિટ્સ મંજૂર ન થઈ હોવા છતાં ઉદ્યાન સુપરિન્ટેન્ડેન્ટે પરવાનગી પત્ર કેવી રીતે આપ્યો એવો પ્રશ્ન પણ પર્યાવરણ પ્રેમીઓએ ઉપસ્થિત કર્યો છે. વૃક્ષ પ્રાધિકરણની બેઠકમાં થયેલી ગડબડ પછી પ્રાધિકરણના બે વિશેષજ્ઞા સભ્યો ડો. ચંદ્રકાંત સાળુંખે અને ડો. શશિરેખા કુમારે પોતાના રાજીનામાં સોંપી દીધા હતા.  પાલિકાએ મેટ્રો રેલવેને આપેલા પરવાનગી પત્રમાં પત્રની તારીખ પછી ૧૫ દિવસે વૃક્ષ કાપવાની અને પુનઃ રોપણીની પ્રક્રિયા શરૂ કરવા જણાવ્યું છે. તેમજ કારશેડની જગ્યાએ ૧૦૪૫ વૃક્ષો જેમ છે એવી જ સ્થિતિમાં રાખવામાં આવશે એમ જણાવ્યું છે. કારશેડની જગ્યાએ કાપવામાં આવનાર ૨૧૮૫ વૃક્ષોની બદલીમાં ૧૩ હજાર ૧૧૦ સ્થાનિક પ્રજાતિના વૃક્ષો રોપવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે.

આરેમાં વૃક્ષો કાપવાનું મને પણ મંજૂર નથીઃ CM 

મેટ્રો કારશેડ માટે થનાર વૃક્ષ કાપણી મુદ્દે યુવા સેના પ્રમુખ આદિત્ય ઠાકરેએ દર્શાવેલી નારાજગી વિશે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે આરેના વૃક્ષો કાપવાનું મને પણ માન્ય નથી. પણ વૃક્ષ કાપણી પાછળનો ઉદ્દેશ સમજી લેવો જોઈએ. વૃક્ષોની કતલ અમને મંજૂર નથી. એના પર અમે વિરોધો અને સૂચનો મંગાવ્યા હતા. એને સારો પ્રતિસાદ પણ મળ્યો હતો. ૧૩ હજાર વિરોધો આવ્યા હતા. વૃક્ષોની બાબતમાં આદિત્યના વિચાર સારા છે. આ બાબતમાં અમે આદિત્ય સાથે ચર્ચા કરીશું અને તેમને સવિસ્તર માહિતી આપીશું. આરેની જગ્યા વનખાતાની નથી. આ બાબતનો અહેવાલ સુપ્રીમ કોર્ટને આપવામાં આવ્યો છે. મેટ્રો કારશેડ માટે જપાન પાસેથી ફંડ મળ્યું છે. એના માટે એક વર્ષથી તેઓ અભ્યાસ કરી રહ્યા છે. અહીં અમે કામ શરૂ કરવા અગાઉ જ ૨૩ હજાર વૃક્ષો રોપી દીધા છે. હજી બીજા ૧૩ હજાર વૃક્ષો રોપવામાં આવશે. આરેનો પ્રોજેકટ કાર્બન અલ્ટ્રા પોઝિટિવ પ્રોજેકટ છે એમ પણ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;