વૈશ્વિક વ્યાપાર જંગની ચિંતામાં ઘટાડો થતાં શેરબજારમાં સુધારો   - Sandesh
  • Home
  • Business
  • વૈશ્વિક વ્યાપાર જંગની ચિંતામાં ઘટાડો થતાં શેરબજારમાં સુધારો  

વૈશ્વિક વ્યાપાર જંગની ચિંતામાં ઘટાડો થતાં શેરબજારમાં સુધારો  

 | 1:28 am IST

મુંબઇ, તા.૮

વૈશ્વિક વ્યાપાર જંગની ચિંતામાં ઘટાડો થતાં શેરબજારમાં આજે સુધારો જોવા મળ્યો હતો. સતત છ દિવસના ઘટાડા બાદ સકારાત્મક વલણ જોવા મળ્યું હતું. દિવસના કામકાજના અંતે સેન્સેક્સ ૩૧૮.૪૮ પોઇન્ટ વધી ૩૩૩૫૧.૫૭ અને નિફ્ટી ૮૮.૪૫ પોઇન્ટ વધી ૧૦૨૪૨.૬૫ ઉપર બંધ થયા હતા. કામકાજ બંધ થવાના એક કલાકમાં સેન્સેક્સમાં ૩૦૦ પોઇન્ટનો ઉછાળો જોવાયો હતો.

રિલાયન્સ, એચડીએફસી, એચડીએફસી બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક, ઇન્ફોસીસ અને લાર્સન એન્ડ ટુબ્રોમાં ૧થી૨ ટકા વધ્યા હતા. કરજગ્રસ્ત ટેલિકોમ ક્ષેત્રને સરકારે રાહત આપતા ટેલિકોમ કંપનીઓના શેર્સ વધ્યા હતા. ભારતી એરટેલમાં ૨.૬ ટકા, આઇડિયા સેલ્યુલરમાં ૪ ટકા અને આર કોમમાં ચાર ટકા વધ્યા હતા. બેન્ક અને ઓટો શેર્સ વધ્યા હતા જ્યારે મેટલ અને ફાર્મા શેર્સ ઘટયા હતા. સીસીઆઇએ દંડ કર્યા બાદ જેટ એરવેઝના શેરમાં ૩.૪૮ ટકા ઘટાડો થયો હતો. કંપનીની મિલકત ખરીદવા સૌથી વધુ રકમની ઓફર કરનારી કંપની તરીકે લિબર્ટી હાઉસ (ગ્લોબલ ઇન્ડસ્ટ્રિયલ અને મેટલ્સ ગ્રુપ)ની પસંદગી બાદ એમટેક્સ ઓટોના શેરમાં રૂ.૨૩.૮૦ના ભાવે પાંચ ટકાની ઉપલી સર્કિટ લાગી હતી.

ભૂષણ સ્ટીલ માટે સૌથી વધુ રકમની ઓફર કરનારી કંપની તરીકે તાતા સ્ટીલ ઉદભવી હતી. આથી આ બંને કંપનીના શેર્સના ભાવમાં અનુક્રમે ૧૭ અને ૨ ટકા વધારો થયો હતો. ઇકવીટી શેર્સ બાયબેક કરવા કંપની ૧૨મી માર્ચની બેઠકમાં વિચારણા કરશે એવા અહેવાલે એલેમ્બિકના શેરમાં ૨.૬ ટકા વધ્યા હતા. ઇન્સોલવન્સી એન્ડ બેન્કરપ્સી કોડ હેઠળ રિઝર્વ બેન્ક દ્વારા ઓળખી કઢાયેલા ૧૨ ખાતાઓ પૈકી એક ખાતામાં (વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝ) સૌથી વધુ રકમ ફસાઇ હોવાનું જણાવાતાઆઇડીબીઆઇના શેરમાં પાંચ ટકા ઘટાડો થયો હતો. કોઇપણ તપાસ સંસ્થા દ્વારા કંપનીની ઓફિસો ઉપર દરોડાની અફવામાં કોઇ તથ્ય નથી, એમ વીડિયોકોને બીએસઇને જણાવ્યું હતું. ચેરમેન વેણુગોપાલ ધૂત સંબંધિત અહેવાલો સદંતર જૂઠા અને બદનક્ષીભર્યા છે, એમ કંપનીએ વધુમાં જણાવ્યું હતું. બાયોસીમીલર મોનોક્લોનલ એન્ટિબોડી થેરુપ્યૂટિકની શુદ્ધિકરણની પ્રક્રિયા વિકસાવવાનું સતત ચાલુ રાખવા સીએસઆઇઆર – નેશનલ કેમિકલ લેબોરેટરી, પુણે અને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી – દિલ્હી સાથે સમજૂતી કરી હોવાની જાહેરાત લ્યુપિને કરી હતી.

વિદેશી પોર્ટફોલિયો રોકાણની મર્યાદા ૨૪ ટકા ઉપરથી વધારી ૭૫ ટકા કરવા રિઝર્વ બેંકે મંજૂરી આપતા ટીમ લીઝ ર્સિવસીસના ભાવમાં ૪.૬ ટકા વધારો થયો હતો. ક્લીન્કર અને સિમેન્ટના ઉત્પાદનની ક્ષમતા વિસ્તરણની કામગીરી પૂર્ણ કરી હોવાનું એનસીએલ ઇન્ડસ્ટ્રીઝે બીએસઇને જણાવ્યું હતું. એર ઇન્ડિયામાંથી પોતાના હિસ્સાના વેચાણની પ્રક્રિયા ઝડપી બનાવવા સરકાર વચનબદ્ધ છે અને આગામી થોડા સપ્તાહમાં ટેન્ડર બહાર પાડે એવી શક્યતા છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. એ સાથોસાથ પવનહંસમાંથી પણ હિસ્સો છૂટો કરવાની પ્રક્રિયા હાથ ધરાશે.

;