વૈશ્વિક બજારોની પાછળ સ્થાનિક શેરોમાં જંગી વેચવાલી - Sandesh
  • Home
  • Business
  • વૈશ્વિક બજારોની પાછળ સ્થાનિક શેરોમાં જંગી વેચવાલી

વૈશ્વિક બજારોની પાછળ સ્થાનિક શેરોમાં જંગી વેચવાલી

 | 12:35 am IST

। મુંબઈ ।

ચોથા ત્રિમાસિક ગાળામાં દેશની રાજકોષીય ખાધ વ્યાપક બન્યા બાદ અમેરિકી ડોલર સામે રૂપિયો વધુ કમજોર થયો હતો. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરની ચિંતા અને વર્તમાન મહિનાને અંતે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધારો કરવામાં આવે એવી ધારણાએ ૨૦૧૬માં શરૂઆતના તબક્કા બાદ વિશ્વના શેરબજારોમાં આજે ખાસ્સો ઘટાડો નોંઘાયો હતો અને સ્થાનિક શેરબજાર પણ તેમાંથી બાકાત રહ્યું ન હતું. ચીનના શેરબજારમાં વેચવાલીને કારણે એશિયન અને ઊભરતા દેશોના શેરબજારમાં ભાવ ૧૪ મહિનાને તળિયે પહોંચ્યા હતા. રિલાયન્સ અને એચડીએફસી શેરબજારને નીચે લઇ જવામાં કારણરૂપ રહ્યા હતા. દિવસના કામકાજના અંતે સેન્સેક્સ ૪૬૭.૬૫ પોઇન્ટ ઘટી ૩૭,૯૨૨.૧૭ અને નિફ્ટી ૧૫૧ પોઇન્ટ ઘટી ૧૧,૪૩૮.૧૦ ઉપર બંધ થયાં હતાં.  તાતા મોટર્સે જણાવ્યું હતું કે ઓગસ્ટમાં જેગુઆર લેન્ડ રોવર સહિત કુલ કાર્સનું વેચાણ ૧,૦૭,૦૩૦ યુનિટ થયું હતું. જોકે, શેરનો ભાવ રૂ.૧.૭૦ ઘટી રૂ.૨૫૭.૭૦ થયો હતો.  સ્થાનિક રોકાણકારોએ શુક્રવારે રૂ. ૯૪૨.૪૫ કરોડના અને વિદેશી રોકાણકારોએ રૂ. ૩૭.૫૬ કરોડના શેર્સની ખરીદી કરી હતી.

રેટિંગ એજન્સી ઇકરાએ રેટિંગ ઘટાડતા આઇએલએફએસ ગ્રૂપ કંપનીના શેર્સમાં ૧૩ ટકા ઘટાડો થયો હતો. આઈએલએફ એન્ડ એસ ઇન્વેસ્ટમેન્ટનો શેર ૧૫.૭ ટકા ઘટી રૂ. ૯.૭૦ થયો હતો. એલેમ્બિક ફાર્માના બોર્ડે રૂ.૩૦૦ કરોડના એનસીડી (નોન કનેર્વિટબલ ડિબેન્ચર્સ) જારી કરવા મંજૂરી આપી છે. જોકે, શેરનો ભાવ રૂ. ૮.૯૦ ઘટી રૂ. ૬૩૦.૨૦ થયો હતો. પાવર મેક પ્રોજેક્ટ્સને રૂ. ૨૪૭ કરોડનો ઓર્ડર મળ્યો હતો. જોકે, શેરનો ભાવ રૂ. ૩૮.૨૦ ઘટી રૂ. ૯૭૬.૯૦ થયો હતો.

અમેરિકી ડોલર સામે રૂપિયો ઘટતા આઈટી શેર્સમાં ચમકારો જોવાયો હતો. જેએસડબલ્યૂ સ્ટીલનું ઓગસ્ટમાં ઉત્પાદન ૮ ટકા વધીને ૧૪.૪૮ લાખ ટન થયું હતું. જોકે, શેરનો ભાવ રૂ. ૫.૪૦ ઘટી રૂ. ૪૦૧.૨૦ થયો હતો. ગેબ્સ ઇન્વેસ્ટમેન્ટ સાથે અજન્ટા ફાર્માની વ્યવસ્થા અને સૂચિત યોજનાને એનસીએલટીએ મંજૂરી આપી નતી. આથી, શેરનો ભાવ રૂ. ૪૧.૯૫ ઘટી રૂ . ૧,૨૩૦.૪૫ થયો હતો. કંપનીએ આંતરિક કામગીરીનું પુનઃગઠન કર્યું હોવાના અહેવાલે તાતા ગ્લોબલ બેવરેજિસનો શેર એક તબક્કે ૫.૫ ટકા વધ્યો હતો. જોકે, શેરનો ભાવ રૂ. ૦.૯૫ ઘટી રૂ. ૨૨૨ થયો હતો. ટંગસ્ટન શોધવા લાઇસન્સ ઇચ્છી વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની સરકારને કંપનીએ સંપર્ક સાધ્યો હોવાનું એનએમડીસીએ જણાવતા શેરનો ભાવ રૂ. ૧.૧૦ વધી રૂ. ૧૨૦.૧૦ થયો હતો.   ગ્લેનમાર્ક ફાર્માની જર્મનીની સબસિડીઅરી કંપનીને જર્મનીમાં સાલમેટેરોલ ડ્રાય પાઉડર ઇન્હેલરના માર્કેટિંગની મંજૂરી મળી હોવાના અહેવાલે શેરનો ભાવ રૂ. ૧.૬૫ વધી રૂ. ૬૮૬.૮૦ થયો હતો. ઓસ્ટ્રેલિયન ઓપન સાથે ત્રણ વર્ષ માટે ટેક્નોલોજી પાર્ટનરશિપ કંપનીએ કરી છે, એમ ઇન્ફોસિસે જણાવ્યું હતું. જોકે, શેરનો ભાવ રૂ. ૧.૯૫ ઘટી રૂ. ૭૩૦.૮૫ થયો હતો.

ડોલર સામે રૂપિયો વધુ ગગડયો 

અમેરિકી ડોલર સામે રૂપિયો આજે વધુ ગગડીને રૂ. ૭૨.૬૭ની નવી નીચલી સપાટીએ પહોંચ્યો હતો. બપોરમાં ડોલર સામે રૂ. ૭૨.૧૯ના ભાવે કામકાજ થયા હતા. ડોલરનો ભાવ રૂ. ૭૨.૧૧ ખુલ્યો હતો. રૂપિયાના ઘટાડાથી સરકાર ચિંતિત છે અને રાજકોષીય ખાધ ધટાડવા સત્વરે પગલાં લઇ રહી છે. જરૂરી જણાશે તો સરકાર વિદેશી રોકાણને આકર્ષવા પગલાં લેશે, એમ એક સરકારી અધિકારીએ જમાવ્યું હતું.

સ્થાનિક માગને કારણે સોનું વધ્યું 

નવી દિલ્હીમાં સોનું ૧૦ ગ્રામે રૂ. ૨૦૦ વધી રૂ. ૩૧,૫૫૦ થયુ હતું. ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ઘટતા સોનાની આયાત મોંધી બની રહેશે. આથી સ્થાનિક જ્વેલર્સ દ્વારા વધતી જતી માગને કારણે સોનાના ભાવ ૧૦ ગ્રામે રૂ.૨૦૦ વધી રૂ. ૩૧,૫૫૦ થયા હતા.

વિનિમય દરની કટોકટી ઘેરી બની 

આર્જેન્ટિના અને તુર્કીના ચલણ ઉપર માઠી અસરે રોકાણકારોએ તેમનાં રોકાણનું પુનઃમૂલ્યાંકન કરતા શ્રીલંકા, પાકિસ્તાન અને તુર્કી સહિત સાત દેશોમાં વિનિમય દરની કટોકટી ઘેરી બની હતી.

ક્રૂડ તેલના ભાવ વધ્યાં 

અમેરિકામાં ક્રૂડતેલનું શારકામ થંભી જતા અને નવેમ્બરથી ઇરાનના ક્રૂડતેલની નિકાસ ઉપર અમેરિકાનો પ્રતિબંધ અમલી બને એ પછી ક્રૂડતેલનો પુરવઠો ઓછો રહેવાની ધારણા રોકાણકારોએ દર્શાવી હોવાથી ક્રૂડતેલના ભાવ વધ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ તેલનો ભાવ એક બેરલના ૯૦ સેન્ટ વધી ૭૭.૭૩ થયો હતો. અમેરિકી લાઇટ ક્રૂડનો ભાવ ૬૫ સેન્ટ વધી એક બેરલના ૬૮.૪૦ ડોલર મુકાયો હતો. અમેરિકામાં મે મહિનાથી અનેક રિંગ દ્વારા શારકામ થંભાવી દેવાયું છે.