વૈશ્વિક SME એક્સ્ચેન્જિસ સાથે તાલ મિલાવતા ભારતીય બોર્સ - Sandesh
  • Home
  • Supplements
  • Business @ Sandesh
  • વૈશ્વિક SME એક્સ્ચેન્જિસ સાથે તાલ મિલાવતા ભારતીય બોર્સ

વૈશ્વિક SME એક્સ્ચેન્જિસ સાથે તાલ મિલાવતા ભારતીય બોર્સ

 | 3:24 am IST

SME વોચઃ  મધુ લુણાવત

ભારતીય એસએમઇ કેપિટલ માર્કેટઃ

કોઇપણ વિકાસશીલ અર્થતંત્રની વૃદ્ધિમાં માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (એસએમઇ) મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તથા સાતત્યપૂર્ણ વૃદ્ધિ, રોજગાર સર્જન અને સામાજિક સ્થિરતામાં પણ આ ક્ષેત્રોનું યોગદાન સારું રહ્યું છે. વૈશ્વિક સ્તરે ૪૦થી વધુ એક્સ્ચેન્જીસ એસએમઇને ઇક્વિટી દ્વારા ભંડોળ એકત્ર કરવાની સુવિધા પૂરી પાડે છે. વિકસિત અને વિકાસશીલ દેશોમાં એસએમઇ સૌથી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે તેમ છતાં વિસ્તરણ માટે જરૂરી ભંડોળ એકત્ર કરવું તેમના માટે મોટો પડકાર છે. આથી તેમની વૃદ્ધિને બળ આપવા માટે એસએમઇ એક્સ્ચેન્જીસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભારતમાં વર્ષ ૨૦૧૦માં સેબીની ભલામણોને આધારે એસએમઇ એક્સ્ચેન્જ પ્લેટફોર્મનો પ્રારંભ કરાયો હતો અને ત્યારબાદ વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૩માં અનુક્રમે બીએસઇ એસએમઇ અને એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ અસ્તિત્વમાં આવ્યાં. પ્લેટફોર્મની સ્થાપનાના માત્ર છ જ વર્ષમાં આ એક્સ્ચેન્જીસ ઉપર ૪૩૦થી વધુ એસએમઇ લિસ્ટ થઇ છે અને તેમનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. ૩૪,૦૦૦ કરોડથી પણ વધુ છે. આ દર્શાવે છે કે ભારતીય એસએમઇ કેપિટલ માર્કેટ્સ વિશ્વમાં સૌથી વધુ ઝડપે પ્રગતિ કરી રહ્યાં છે.

ભારતીય એસએમઇ આઇપીઓની સંખ્યાની વૈશ્વિક અસરઃ

વૈશ્વિક સ્તરે એઆઇએમ (યુકે), મધર્સ (જાપાન), જીઇએ (હોંગ કોંગ) અને કેટલિસ્ટ (સિંગાપોર) જેવાં એક્સ્ચેન્જીસ કાર્યરત છે. આ તમામ એક્સચેન્જીસનો ઉદ્દેશ્ય ઉદ્યોગ સાહસિકતાને બળ આપવાનો છે તથા તેઓ એસએમઇને નાણાકીય ભંડોળ એકત્ર કરવામાં મદદરૂપ પણ બન્યાં છે, જેના પરિણામે આ નાની કંપનીઓ આગામી વર્ષોમાં બ્લુ-ચીપ કંપની પણ બની શકે છે. એસએમઇ એક્સ્ચેન્જીસં મૂલ્ય અને લિસ્ટિંગની સંખ્યામાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી છે.

. જોકે, ભારતીય એસએમઇ બોર્સ ઉપર વર્ષ ૨૦૧૮ના પ્રથમ છ મહિનામાં મજબૂત કામગીરી જોવા મળી છે. જાન્યુઆરી ૨૦૧૮થી જૂન ૨૦૧૮ દરમિયાન ૮૮ એસએમઇ લિસ્ટ થઇ છે, પરંતુ માર્કેટ કેપિટલાઇઝેશનની બાબતે જાપાન ૧૨,૧૭૮ યુએસ ડોલર સાથે અગ્રેસર બની રહ્યું છે. સિંગાપુરના કેટલિસ્ટે માત્ર ૫ નવા લિસ્ટિંગ નોંધાવ્યાં છે અને વર્ષ ૨૦૦૭માં તેના પ્રારંભથી અત્યાર સુધીમાં કુલ ૨૦૭ કંપનીઓ લિસ્ટ થઇ છે.

ભારતીય એસએમઇ કેપિટલ માર્કેટમાં ગુજરાત અગ્રેસરઃ

ભારતીય એસએમઇ કેપિટલ માર્કેટમાં ગુજરાતનું પ્રભુત્વ જળવાઇ રહ્યું છે અને મહારાષ્ટ્ર બીજા ક્રમે રહ્યું છે. ગુજરાતની ૨૯ અને મહારાષ્ટ્રની ૨૧ કંપનીઓ એક્સચેન્જ ઉપર લિસ્ટ થઇ છે. ગુજરાતમાં ઉદ્યોગ સાહસિકતા પ્રત્યે વધુ ઝોંક તથા એસએમઇ માર્કેટ ઉપર લિસ્ટિંગથી થતાં લાભો વિશે જાગૃતિને કારણે વધુ કંપનીઓ લિસ્ટિંગ તરફ આકર્ષાઇ રહી છે.

તારણઃ

વૈશ્વિક માર્કેટ્સમાં વોલેટાલિટી તથા તેમના પ્રદર્શન સામે સાધારણ સંશય હોવા છતાં ભારતીય માર્કેટ્સે ખુબજ સારું પ્રદર્શન કર્યું છે. ભારતીય અર્થતંત્ર વૈશ્વિક અસરોને પચાવવા માટે સક્ષમ છે અને દરેક વખતે કટોકટીના સમયે નાની કંપનીઓએ અર્થતંત્રને સપોર્ટ આપ્યો છે. માર્કેટમાં પર્યાપ્ત તરલતા અને ઉદ્યોગ સાહસિકતામાં વધારાને કારણે એસએમઇ બોર્સ પ્રગતિ જાળવી રાખશે. આ ઉપરાંત વધુ કંપનીઓ આઇપીઓ લઇને આવવા માટે સજ્જ છે અને બજાર વૃદ્ધિના નવા તબક્કામાં પ્રવેશશે.