વૈશ્વિક શેરબજારો નરમ છતાં શેરોમાં ચાલુ રહેલી મજબૂતાઈ - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • વૈશ્વિક શેરબજારો નરમ છતાં શેરોમાં ચાલુ રહેલી મજબૂતાઈ

વૈશ્વિક શેરબજારો નરમ છતાં શેરોમાં ચાલુ રહેલી મજબૂતાઈ

 | 4:49 am IST

મુંબઈ :

ચીની પ્રોડક્ટ્સ ઉપર વધારાની ટેરિફ લાદવાની અમેરિકાની ધમકી બાદ આજે વ્યાપાર તંગદિલી વધી હતી. ચીની પ્રોડક્ટ્સ ઉપર ટેરિફ લાદવા નવી યાદી ટ્રમ્પ વહીવટીતંત્રે જારી કર્યા બાદ ચીનના શેરબજાર સહિત એશિયાના શેરબજાર ઘટયાં હતાં. સેન્સેક્સ એક તબક્કે ૧૦૦ પોઇન્ટ વધ્યો હતો અને નિફ્ટીએ ૧૦,૯૫૦ની સપાટી વટાવી હતી. દિવસના કામકાજના અંતે સેન્સેક્સ ૨૬.૩૧ પોઇન્ટ વધી ૩૬,૨૬૫.૯૩ અને નિફ્ટી ૧.૦૫ પોઇન્ટ વધી ૧,૦૯૪૮.૩૦ ઉપર બંધ થયાં હતાં. ટીસીએસ, બજાજ ઓટો, ભારતી ઇન્ફ્રાટેલ વધ્યા હતા જ્યારે કોલ ઇન્ડિયા, વેદાંત અને યુપીએલ ઘટયા હતા.

જૂનના ત્રિમાસિક ગાળામાં કંપનીએ બહેતર પરિણામ રજૂ કર્યા બાદ ટીસીએસના શેરમાં ૬ ટકાનો વધારો થયો હતો. એક તબક્કે શેરનો ભાવ રૂ.૧,૯૯૦ થયો હતો. કંપનીના માર્કેટ કેપમાં પાંચ અબજ ડોલરનો ઉમેરો થયો હતો. શેરનો ભાવ રૂ.૧૦૪.૮૦ વધી રૂ.૧,૯૭૯.૯૦ ઉપર બંધ થયો હતો. આઇડીબીઆઇ બેંકના લઘુમતી શેરધારકોને એલઆઇસી ઓપન ઓફર કરશે એવા અહેવાલે આઇડીબીઆઇનો શેર ૬.૮૪ ટકા વધી રૂ.૫૭ થયો હતો. પીએનબી અને અમેરિકાના ખાનગી રોકાણકાર ગ્રૂપ કાર્લાઇલ દ્વારા પીએનબી હાઉસિંગમાં ૫૧ ટકા હિસ્સો વેચવાના અહેવાલોએ તેનો શેર ૩.૫૫ ટકા વધી રૂ.૧,૨૩૫.૨૫ થયો હતો. આ હિસ્સાના વેચાણથી પીએનબીને રૂ.૬,૫૦૦ કરોડ મળશે. મોટા રોકાણકાર આશિષ કચોલિયા દ્વારા કંપનીમાં એક ટકા શેર હિસ્સો ખરીદવાના અહેવાલે વી ટુ રિટેલના શેરમાં પાંચ ટકાનો વધારો થયો હતો. શુગર ગ્રૂપની કંપની લલિતપુર પાવર જનરેશનમાં ૧૭.૫૧ ટકા હિસ્સો વેચવાની બજાજ હિંદુસ્તાનની યોજના છે. આને પરિણામે કંપનીને રૂ.૧૧૦૦ કરોડ મળશે.

અમેરિકી એફડીએ દ્વારા કંપનીના યુનિટ માટે બે નિરીક્ષણ દર્શાવાતા કેડીલા હેલ્થકેરનો શેર ૨ ટકા ઘટયો હતો. રોકાણકારોએ સાવચેતીભર્યો અભિગમ અપનાવ્યો હતો. રૂ.૨૪૦ કરોડના રાઇટ્સ ઇશ્યૂને કંપનીએ મંજૂરીઓ આપતા શાલીમાર પેઇન્ટ્સનો શેર ૧૦.૫ ટકા વધ્યો હતો. બેંક સાથે રૂ.૧૩૬ કરોડની છેતરપિંડીના અહેવાલે એસબીઆઇનો શેર ઘટયો હતો. કંપનીને રૂ.૭૪.૨ કરોડનો ઓર્ડર મળતા ક્રિધાન ઇન્ફ્રાનો શેર ૭ ટકા વધ્યો હતો. આર વી ફોર્મ્સમાં રોકાણ માટે કંપનીએ સમજૂતી કરતા એએસએમ ટેક્નોલોજીનો શેર ૩.૩ ટકા વધ્યો હતો. ૫૨ શહેરો માટે ગેસ રિટેલિંગ લાઇસન્સના ટોચના બિડર તરીકે અદાણી ગ્રૂપ બહાર આવતા શેર્સના ભાવ વધ્યા હતા. અદાણી એન્ટરપ્રાઇઝમાં ૮, અદાણી પાવરમાં ૬ અને અદાણી ગ્રીન એનર્જીમાં ૧.૫ ટકા વધ્યા હતા.

ક્રૂડતેલના ભાવમાં ઘટાડો

ચીન ઉપર વધુ ટેરિફ લાદવાની અમેરિકાની ધમકી બાદ ક્રૂડતેલના ભાવમાં ઘટાડો થયો હતો. ઈરાન ઉપર નવેમ્બરથી પ્રતિબંધમાંથી માફી આપવાની અમુક દેશોની દરખાસ્ત ઉપર પોતે વિચારણા કરશે એમ અમેરિકાએ જણાવ્યું હોવાને કારણે પણ ક્રૂડતેલના ભાવમાં ઘટાડો થયો હતો. બ્રેન્ટ ક્રૂડ વાયદો ૬૫ સેન્ટ ઘટી એક બેરલના ૭૮.૨૧ ડોલર થયો હતો. અમેરિકી ક્રૂડનો ભાવ ૪૩ સેન્ટ ઘટી એક બેરલે ૭૩.૮૬ ડોલર થયો હતો.

નરમ ધાતુના કારણે મેટલ શેર્સ ઘટયાં

ધાતુના ભાવમાં નરમાઇને કારણે મેટલ શેર્સ ઘટયાં હતાં. તાંબુ, જસત અને એલ્યુમિનિયમ કંપનીઓના શેર્સમાં ઘટાડો થયો હતો જે એક વર્ષમાં નીચલી સપાટીને સ્પર્શ્યો હતો. હિંદુસ્તાન ઝિંકમાં ૪.૩૪, હિંદાલ્કોમાં ૩.૩, વેદાંત અને નેશનલ એલ્યુમિનિયમમાં ૩.૫ ટકા ઘટયા હતા.