વૈશ્વિક શેરબજારોની નરમાઈએ રોકાણકારોની નવેસરની વેચવાલી - Sandesh
  • Home
  • Business
  • વૈશ્વિક શેરબજારોની નરમાઈએ રોકાણકારોની નવેસરની વેચવાલી

વૈશ્વિક શેરબજારોની નરમાઈએ રોકાણકારોની નવેસરની વેચવાલી

 | 2:35 am IST

। મુંબઈ ।

શેરબજારમાં આજે સેન્સેક્સ અને નિફ્ટીની તેજીને બ્રેક લાગી હતી. અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ વોરમાં હવે રશિયા પણ ઉમેરાયું છે. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા રશિયાના પ્રમુખ પુતિનને પાઠ ભણાવવા પ્રતિબંધની જાહેરાત કરવામાં આવતા રશિયાએ પણ વળતા પગલાં લેવાની ચેતવણી આપી હતી. આ તંગદિલીભરી પરિસ્થિતિને કારણે વિશ્વના શેરબજારો દબાણ હેઠળ આવ્યા હતા અને સ્થાનિક શેરબજાર પણ તેમાંથી બાકાત રહ્યું ન હતું. દિવસના કામકાજના અંતે સેન્સેક્સ ૧૫૫.૧૪ પોઇન્ટ ઘટી ૩૭,૮૬૯.૨૩ અને નિફ્ટી ૪૧.૨૦ પોઇન્ટ ઘટી ૧૧,૪૨૯.૫૦ ઉપર બંધ થયાં હતાં. જૂનના પ્રોત્સાહક પરિણામે આઇશર મોટરનો શેર ૫.૬૮ ટકા વધ્યો હતો.કંપનીએ રૂ.૫૭૬.૧૮ કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો જે એક વર્ષ પૂર્વે સમાન ગાળામાં રૂ.૪૫૯.૬૨ કરોડ હતો. શેરનો ભાવ રૂ. ૧,૫૫૮.૯૫ વધી રૂ.૨૮,૯૯૭ થયો હતો.

હિંદાલ્કોનો જૂનમાં નફો ૪૩ ટકા વધી રૂ.૪૧૪ કરોડ થયો હતો જે એક વર્ષ પૂર્વે સમાન ગાળામાં રૂ.૨૯૦ કરોડ હતો. જોકે, શેરનો ભાવ રૂ.૪.૭૫ ઘટી રૂ.૨૨૨.૭૦ થયો હતો. ગેઇલનો નફો ૨૩ ટકા વધી રૂ.૧,૨૫૯ કરોડ થયો હતો જે એક વર્ષ પૂર્વે સમાન ગાળામાં રૂ.૧,૦૨૬ કરોડ હતો. જોક, શેરનો ભાવ રૂ.૧૨.૬૦ ઘટી રૂ.૩૬૨.૯૫ થયો હતો. મંગલમ ઓર્ગેનિકનો શેર રૂ.૪૭.૫૫ વધી રૂ.૩૧૩.૭૫ થયો હતો. કંપનીએ જૂનમાં ટેક્સ પૂર્વે રૂ.૧૫.૦૭ કરોડનો નફો નોંધાવ્યો હતો જે એક વર્ષ પૂર્વે સમાન ગાળામાં રૂ.૨.૫૬ કરોડ હતો. ડાયનામેટિક ટેક્નોલોજીએ જૂનમાં રૂ.૭.૭૬ કરોડનો નફો કર્યો હતો જે સામે કંપનીએ ગયા વર્ષે સમાન ગાળામાં રૂ.૯.૪૬ કરોડના ખોટ કરી હતી. શેરનો ભાવ રૂ.૨૫.૨૦ વધી રૂ.૧,૬૭૫.૯૫ થયો હતો. એડીસી ઈન્ડિયા કોમ્યુનિકેશને જૂનમાં રૂ.૧.૪૯ કરોડનો નફો કર્યો હતો જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂ.૭૯ લાખ હતો. શેરનો ભાવ ૯.૩૩ ટકા વધી રૂ.૨૧૧ થયો હતો.

લિસ્ટેડ સબ્સિડિયરી વકરાંગીમાં ૪૫ દિવસમાં શેર હસ્તગત કરવા ઓપન ઓફર આપવા વકરાંગી હોલ્ડિંગ્સને સેબીએ જણાવ્યા બાદ શેરનો ભાવ ૩.૧૬ ટકા ઘટી રૂ.૬૨.૭૫ થયો હતો. દીપ ઇન્ડસ્ટ્રીઝનો ચોખ્ખો નફો રૂ.૧૮.૦૮ કરોડ થયો હતો જે ૨૦૧૭ના સમાન ગાળામાં રૂ.૨૧.૦૪ કરોડ હતો.વિદેશી રોકાણકારોએ ગુરુવારે રૂ.૩૭૦.૬૮ કરોડના શેર્સની ખરીદી કરી હતી જ્યારે સ્થાનિક રોકાણકારોએ રૂ.૮૫.૩૯ કરોડના શેર્સ વેચ્યા હતા.

પરિણામ મુલતવી રખાતા જેટ એરવેઝનો શેર ઘટયો 

સ્ટોક એક્સ્ચેન્જે ૩૦મી જૂનના નાણાકીય પરિણામને કંપનીની ઓડિટ કમિટીએ શા માટે મંજૂરી નથી આપી તેનો ખુલાસો કરવા જેટ એરવેઝને જણાવ્યું છે. નરેશ ગોયલની માલિકીની કંપનીએ ત્રિમાસિક ગાળાનું પરિણામ મુલતવી રાખ્યાના અહેવાલે જેટ એરવેઝનો શેર ૮.૫૦ ટકા ઘટી રૂ.૨૭૬.૧૦ થયો હતો

રૂ.૪૨,૦૦૦ કરોડ મેળવવા ૩૨ કંપનીઓના આઇપીઓ 

આઇપીઓ મારફત નાણાં મેળવવા ૩૨ કંપનીઓને મંજૂરી મળી ગઈ છે. આ કંપનીઓ આઇપીઓ દ્વારા રૂ.૪૧,૦૦૦ કરોડની રકમ એકત્રિત કરશે. ઉદ્યોગના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે નકારાત્મક સેન્ટિમેન્ટ અને મિડ કેપ તથા સ્મોલ કેપ શેર્સમાં કરેક્શનને કારણે આઇપીઓ લાવવા ઇચ્છતી આ કંપનીઓ ઉપર ભાવનું દબાણ વધ્યું છે.

;