વૈશ્વિક મજબૂતાઈ છતાં પ્રોફિટ બુકિંગથી શેરબજારમાં નરમાઈ - Sandesh
  • Home
  • Business
  • વૈશ્વિક મજબૂતાઈ છતાં પ્રોફિટ બુકિંગથી શેરબજારમાં નરમાઈ

વૈશ્વિક મજબૂતાઈ છતાં પ્રોફિટ બુકિંગથી શેરબજારમાં નરમાઈ

 | 12:36 am IST

। મુંબઈ ।

વિશ્વના શેરબજાર વધ્યા હોવા છતાં સ્થાનિક રોકાણકારોએ પ્રોફિટ બુક કરવાનું યોગ્ય માનતા શેરબજારમાં શુક્રવારે શરૂઆતમાં જોવા મળેલો લાભ પાછળથી ધોવાઈ ગયો હતો. શેરબજાર નકારાત્મક ઝોનમાં પ્રવેશ્યું હતું અને સેન્સેક્સ તથા નિફ્ટી ઘટાડા સાથે બંધ થયા હતા.  દિવસના કામકાજના અંતે સેન્સેક્સ ૯૬.૬૬ પોઇન્ટ ઘટી ૩૬,૦૦૯.૮૪,  નિફ્ટી ૨૬.૬૫ પોઇન્ટ ઘટી ૧૦,૭૯૪.૯૫ ઉપર બંધ થયા હતા.

બીએસઇમાં આઇટીસી, વેદાંત, ઓએનજીસી, એશિયન પેઇન્ટ્સ અને એચડીએફસી બેન્ક વધ્યા હતા જ્યારે ઇન્ડસઇન્ડ બેન્ક, ટીસીએસ, તાતા મોટર્સ, લાર્સન અને ભારતી એરટેલ ઘટયા હતા. નિફ્ટીમાં આઇટીસી, યુપીએલ, વિપ્રો, ઈન્ડિયન ઓઇલ અને હિંદાલ્કો વધ્યા હતા જ્યારે ટીસીએસ અને યસ બેન્ક ઘટયા હતા.

ડિસેમ્બર મહિનાના ત્રીજા ત્રિમાસિક ગાળામાં કર્ણાટક બેન્કનો ચોખ્ખો નફો રૂ.૧૪૦.૪ કરોડ થયો હતો જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂ.૮૭.૪ કરોડ હતો. કોમ્પ્રેસ્ડ બાયોગેસ ટેક્નોલોજીના ઉમેરા દ્વારા બાયો એનર્જી સુવિધાનું કંપનીએ વિસ્તરણ કર્યાના અહેવાલે પ્રાજ ઇન્ડસ્ટ્રીઝનો શેર એક તબક્કે ૯ ટકા વધી રૂ.૧૫૦ ઉપર પહોંચ્યો હતો.

આંધ્ર પ્રદેશના ડીંડીમાં રિસોર્ટ પ્રોપર્ટી માટે લાઇસન્સ એગ્રીમેન્ટ કર્યું હોવાના અહેવાલે શેર રૂ.૧.૪૦ વધી રૂ.૭૧.૭૦ થયો હતો. મહારાષ્ટ્ર સરકારના પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટ સાથે કંપનીની સબ્સિડિયરીએ કન્સેશન એગ્રીમેન્ટ કયુંર્ હોવાના અહેવાલે વેલસ્પન એન્ટરપ્રાઇઝનો શેર રૂ.૧.૬૦ વધી રૂ.૧૧૦.૭૫ થયો હતો. કંપનીને રૂ.૫૦૨ કરોડનો ઓર્ડર મળ્યો હોવાનં હિમાચલ ફ્યુચ્યુરિસ્ટીકે જણાવ્યું હતું. શેરનો ભાવ રૂ.૧.૩૫ વધી રૂ.૨૪.૫૦ થયો હતો.

ટેક્સની માગના આવકવેરા ડિપાર્ટમેન્ટના ઓર્ડર સામે કંપનીની સબ્સિડિયરીએ અપીલ કરી હોવાનું એસ.એચ.કેળકરે જણાવ્યું હતું. આથી, એક તબક્કે શેરનો ભાવ ૪ ટકા વધ્યો હતો. તાતા ગ્રૂપનું વૈશ્વિક વાહનોનું કુલ વેચાણ ૧૩.૯ ટકા ઘટયું હતું. જેએલઆરનું વેચાણ ૪૫,૪૭૪ યુનિટ થયું હતું.  ડો.રેડ્ડીઝ લેબ ૨૦૧૯ના નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળાનું પરિણામ ૧ ફેબ્રુઆરીએ જાહેર કરશે.

ક્રૂડ તેલનો ભાવ ઘટયો

અમેરિકા અને ચીન વચ્ચેના વ્યાપાર વિવાદનો ઉકેલ લાવવામાં નક્કર પગલાંનો અભાવ વર્તાયા બાદ આર્થિક ગતિવિધિ મંદ પડવાની ચિંતા નવેસરથી જાગ્રત થતા ક્રૂડ તેલના ભાવ ઘટયાં હતા. બ્રેન્ટ ક્રૂડ વાયદો એક બેરલે ૪૬ સેન્ટ ઘટી ૬૧.૨૬ ડોલર અને ડબ્લ્યૂટીઆઇ ક્રૂડ વાયદો એક બેરલે ૩૪ સેન્ટ ઘટી ૫૨.૨૫ ડોલર થયો હતો.

સોના – ચાંદીના ભાવમાં ઘટાડો  

સોના – ચાંદીના ભાવમાં સતત ચાર દિવસ સુધી તેજી જોવા મળી હતી પરંતુ આજે આ બંને ધાતુના ભાવમાં ઘટાડો જોવાયો હતો. દિલ્હીમાં સોનાના ૧૦ ગ્રામનો ભાવ રૂ.૪૦ ઘટી રૂ.૩૩,૦૩૦ થયો હતો. કમજોર માગને કારણે ચાંદીનો ભાવ એક કિલોએ રૂ.૬૦ ઘટી રૂ.૪૦,૪૫૦ થયો હતો. વેપારીઓએ જણાવ્યું હતું કે સ્થાનિક જ્વેલર્સની ઓછી માગ અને કમજોર વૈશ્વિક પ્રવાહોને કારણે સોનાના ભાવ ઉપર દબાણ વધ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;