GM કોટનસીડ અંગે મોન્સાન્ટો પેટન્ટનો દાવો કરી શકે : SCનો ચુકાદો   - Sandesh
  • Home
  • Business
  • GM કોટનસીડ અંગે મોન્સાન્ટો પેટન્ટનો દાવો કરી શકે : SCનો ચુકાદો  

GM કોટનસીડ અંગે મોન્સાન્ટો પેટન્ટનો દાવો કરી શકે : SCનો ચુકાદો  

 | 12:20 am IST

। નવી દિલ્હી ।

વિશ્વના સૌથી મોટા કપાસ ઉત્પાદક દેશ (ભારત)માં પોતાના જીએમ કોટનસીડ અંગે મોન્સાન્ટો પેટન્ટનો દાવો કરી શકે, એવો ચુકાદો સુપ્રીમ કોર્ટે મંગળવારે આપ્યો હતો અને આમ દિલ્હી હાઇકોર્ટના ચુકાદાને રદબાતલ ઠેરવ્યો હતો. દિલ્હી હાઇકોર્ટે આ પહેલાં જણાવ્યું હતું કે ભારતીય કાયદા હેઠળ સીડ્સ, પ્લાન્ટ્સ જેવી અમુક આઇટમોને પેટન્ટ આપી ન શકાય.

જસ્ટિસ રોહિન્ટન.એફ.નરિમાનના નેતૃત્વ હેઠળ બે સભ્યોની બેંચે જણાવ્યું હતું કે ભારતીય કંપનીઓએ બીટી કોટનસીડ અંગે મોન્સાન્ટોની પેટન્ટનું ઉલ્લંઘન કર્યું છે કે કેમ તે બાબતે નીચલી અદાલત નિર્ણય લેશે.

સુપ્રીમ કોર્ટના ચુકાદાના દૂરગામી સૂચિતાર્થો છે કેમકે આથી કંપનીઓને આપવામાં આવનારી પેટન્ટની કાયદેસરતા અંગે વિદેશી રોકાણકારોનો વિશ્વાસ વધશે. હવે બાયોટેક કંપનીઓ વિસ્તરણની યોજનાઓ ફરીથી હાથ ધરશે. છેલ્લાં થોડાં વર્ષોમાં ભારત સરકાર અને સ્થાનિક કોર્ટ દ્વારા મૂકવામાં આવેલા ઘણાં નિયંત્રણોને કારણે વિસ્તરણની યોજના અભરાઈ ઉપર ચડાવી દેવામાં આવી હતી.

આ ચુકાદાથી મોન્સાન્ટોને ઘણો ફાયદો થશે. પેટન્ટ અંગેના અબાધિત અધિકારના દાવા વિના મસમોટી આવક અને રોયલ્ટીની મોટી રકમ ગુમાવવાનો ખતરો કંપની સમક્ષ હતો.

મ્હાયકો મોન્સાન્ટો બાયોટેક (ઈન્ડિયા), મોન્સાન્ટો અને ભારતની મહારાષ્ટ્ર હાઇબ્રિડ સીડ કંપની વચ્ચેનું સંયુક્ત સાહસ હતું. મ્હાયકો મોન્સાન્ટો દ્વારા લાઇસન્સ હેઠળ જીએમ સીડ્સ ૪૦ ભારતીય સીડ્સ કંપનીઓને વેચવામાં આવતા હતા અને આ કંપનીઓ રિટેલર્સને વેચાણ કરતી હતી.

ન્યૂઝીવેદુ સીડ્સ લિમિટેડે (એનએસએલ) દલીલ કરી હતી કે ભારતીય પેટન્ટ એક્ટ હેઠળ જીએમ કોટન સીડ્સ માટે મોન્સાન્ટોને કોઇ પેટન્ટ છત્ર પૂરું પાડતો નથી. ત્યારબાદ દિલ્હી હાઇકોર્ટે ચુકાદો આપ્યો હતો. રોયલ્ટી પેમેન્ટના વિવાદ બાદ મોન્સાન્ટોના સંયુક્ત ભારતીય સાહસે એનએસએલ સાથેનો કોન્ટ્રાક્ટ ૨૦૧૫માં રદ કર્યો હતો. આથી, સીડ ટેક્નોલોજી અંગે તંગદિલી વધી હતી.

નવી દિલ્હીએ ૨૦૦૩માં મોન્સાન્ટોના જીએમ કોટનસીડને મંજૂરી આપી હતી અને ત્યારબાદ ૨૦૦૬માં અપગ્રેડ વેરાઇટીને પણ મંજૂરી આપી હતી. મોન્સાન્ટોની જીએમ કોટનસીડ્સ  ટેક્નોલોજી ભારતમાં ૯૦ ટકા કોટનના વાવેતર વિસ્તાર ઉપર વર્ચસ્વ ધરાવે છે.

સુપ્રીમ કોર્ટનો ચુકાદો મોન્સાન્ટો, બેયર, ડુપોન્ટ પાયોનિયર અને સિન્જેન્ટા જેવી કંપનીઓ માટે હકારાત્મક બની રહેશે. ભારતમાં જીએમ પાક અંગે પેટન્ટ ગુમાવી દેવા અંગે આ કંપનીઓએ ચિંતા વ્યક્ત કરી હતી.

વધુ રકમ મેળવવા વિદેશી કંપની હકદાર નથી

જીએમ સીડ્સનું વેચાણ કરવા માટે સ્થાનિક સીડ્સ કંપનીઓએ મોન્સાન્ટો પાસેથી લાઇસન્સ મેળવ્યું હતું અને સરકાર દ્વારા નિર્ધારિત ફી ચૂકવી હતી. આ કંપનીઓએ દલીલ કરી હતી કે તેમની પાસેથી વધુ રકમ મેળવવાને વિદેશી કંપની હકદાર નથી.

શેરના ભાવમાં ઉછાળો 

સુપ્રીમ કોર્ટના ચુકાદાને પગલે મોન્સાન્ટોનો શેર વધ્યો હતો. બીએસઇ અને એનએસઇમાં શેરનો ભાવ એક તબક્કે અનુક્રમે રૂ.૨,૬૬૯ અને રૂ.૨,૬૭૨ થયો હતો. શેર રૂ. ૭૨.૦૫ વધી રૂ.૨,૬૪૩.૯૦ ઉપર બંધ થયો હતો. ઊંચામાં શેરનો ભાવ રૂ.૨,૯૧૭ જોવાયો હતો. ૨૦૧૭ના સપ્ટેમ્બર બાદ સૌપ્રથમવાર આ ભાવ જોવાયો છે. અત્યાર સુધીમાં છેલ્લાં ૩૦ દિવસની સરેરાશ જોતા ૧,૮૧૭ શેર્સનું કામકાજ થયું હતું પરંતુ આજે એનએસઇમાં ૮૨,૪૧૨ શેર્સનું કામકાજ થયું હતું.

લાંબા સમયથી કાનૂની જંગ 

મોન્સાન્ટો અને ન્યૂઝીવેદુ સીડ્સ લિમિટેડના નેતૃત્વ હેઠળની કંપનીઓ વચ્ચે ઘણાં વર્ષોથી આ બાબતે કાનૂની જંગ ચાલી રહ્યો હતો. આ ભારતીય કંપની અમેરિકાની એક કંપનીના સીડ્સ માટે ભારતમાં લાઇસન્સ ધરાવે છે અને તેણે મોન્સાન્ટોની પેટન્ટ રદ કરવા કોર્ટમાં અરજી કરી હતી. ભારતીય કંપનીઓ દ્વારા પેટન્ટનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું જણાવી મોન્સાન્ટોએ વળતા કેસ કર્યા હતા.

સરકારે ફી ઘટાડી હતી 

સરકારે ગયા વર્ષે મોન્સાન્ટોના જીએમ કોટન સીડ્સના ૪૫૦ ગ્રામના પેકની ફી રૂ.૪૯ ઉપરથી ઘટાડી રૂ.૩૯ કરી હતી. દેશમાં દર વર્ષે જીએમ કોટનસીડના ૫ કરોડ પેકનું ઉત્પાદન કરવામાં આવે છે, એમ નેશનલ સીડ એસોસિયેશન ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું.

સુપ્રીમ કોર્ટનો ચુકાદો સ્તુત્ય પગલું 

પેટન્ટના નિયમ અંગે અનિશ્ચિતતાને કારણે ભારતીય બજારમાં નવી ટેક્નોલોજી મૂકવાનું ઘણીખરી આંતરરાષ્ટ્રીય કંપનીઓએ બંધ કરી દીધું હોવાથી આ ચુકાદો એક સ્તુત્ય પગલું છે, એમ શેતકરી સંગઠનના નેતા અજિત નાર્ડેએ જણાવ્યું હતું. વિદેશના હરીફો સાથે સ્પર્ધાત્મક બની રહેવામાં ભારતીય ખેડૂતો માટે આધુનિક ટેક્નોલોજી અત્યંત અગત્યની છે, એમ તેમણે જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;