Video : આ રીતે પ્રગટ થયુ હતુ જડેશ્વર મહાદેવનું શિવલિંગ - Sandesh
  • Home
  • Videos
  • Video : આ રીતે પ્રગટ થયુ હતુ જડેશ્વર મહાદેવનું શિવલિંગ

Video : આ રીતે પ્રગટ થયુ હતુ જડેશ્વર મહાદેવનું શિવલિંગ

 | 2:37 pm IST

સૌરાષ્ટ્ર ભરમાં પ્રસિદ્વ એવા વાંકાનેરની રતન ટેકરી પર બિરાજતા સ્વયંભુ જડેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ વર્ષે જડેશ્વર દાદાના 587 માં પ્રગટ્ય દિવસની ઉજવણીની તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી છે. સૌરાષ્ટ્રભરમાં મેળાની શરૂઆત પણ અહીંથી થાય છે. પ્રાકૃતિક સૌદર્યથી ભરપુર એવી ચમત્કારિક કથા સાથે જોડાયેલ રતન ટેકરી ઉપર હાલ પકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ભારત ભરમાંથી હજારો ભક્તો જડેશ્વર દાદાના દર્શને આવવા થનગની રહ્યાં છે. એવા જડેશ્વર મહાદેવ મંદિરના એક વખત દર્શન માત્રથી જીવનની તમામ ઉપાધિઓમાંથી મુક્ત થઇ જવાની આસ્થા આજે પણ પ્રવર્તી રહી છે અને ભક્તોનો પ્રવાહ વાંકાનેર તરફ ધસમસી રહ્યો છે તો આવો આપણે પણ દાદાના મંદિરની એક સફર કરીને ધન્યતા અનુભવીએ…..

મોરબી જીલ્લાના વાંકાનેરથી 11 કિમીના અંતરે મોરબી તરફ ઉત્તર દિશામાં પ્રકૃતિથી ઘેરાયેલ ડુંગરાળ વિસ્તારો આવેલા છે. જ્યાં રતન ટેકરી ઉપર સૌરાષ્ટ્ર સહિત ભારતભરમાં વિખ્યાત એવું જડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. મંદિરના મુખ્ય પ્રવેશદ્વારમાં પ્રવેશતાની સાથે જ બંને બાજુ હરોળ બદ્ધ ૧૦૦ જેટલા રૂમો આવેલ છે. જેમાં ભારતભર માંથી યજમાનોના ધાર્મિક કાર્યો પૂર્ણ કરવા દાદા પાસે આવેલ ભૂદેવોનો વાસ થાય છે. દક્ષિણ દિશામાં પ્રવેશદ્વાર ધરાવતું સ્વયંભુ જડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જેના ગર્ભગૃહમાં પ્રવેશતા બંને બાજુ પણ પ્રવેશ દ્વારો આવેલા છે. મુખ્ય પવેશદ્વારની સામે જ નંદીનું મંદિર આવેલું છે. જે સુંદર નકશીકામથી ચાર થાંભલીઓથી આવરી લેવાયું છે.

મંદિરના ગર્ભગૃહમાં ઉપરના ગુંબજ પર ફરતી બાજુ સુંદર નકશીકામ જોવા મળે છે. જેમાં દેવી દેવતાઓની કૃતિઓ આવેલી છે. મંદિરમાં વડોદરાના દિવાનની પાઘડી અન સેલુ આજે પણ હયાત છે. જે મંદિર આ દિવાને મંદિરની દૈવી શક્તિથી પ્રભાવિત થઇને બંધાવ્યું હતું અને મુખ્ય મંદિરમાં સામે જ જડેશ્વર દાદા બિરાજે છે. મંદિરમાં ચારેબાજુ શિલ્પ કળાની બેનમુન કારીગરી જોવા મળે છે. મુખ્ય મંદિરની પાસે જ રાવડેશ્વર મંદિર આવેલું છે. જે પણ આ મંદિરના ઈતિહાસ માં અતિ મહત્વ ધરાવે છે. જડેશ્વર મહાદેવ મંદિરના સમગ્ર પ્રાંગણની આસપાસ જ્યાં નજર કરીએ ત્યાં પ્રકૃતિની અદભુત સુંદરતાના દર્શન થાય છે. પગથીયાના રસ્તે મંદિરથી ઉતરતા જ સામે પૌરાણિક વાવ આવેલી છે. તે કોણે અને ક્યારે બનાવી તે અંગેની માહિતી કોઇ પાસે નથી.

પ્રસિદ્વ જડેશ્વર મંદિરે ભારતભર માંથી અનેક ભક્તો આવે છે. પણ ખુબ ઓછા લોકો એવા છે કે જે આ મંદિરના ઈતિહાસથી વાકેફ હોય તો આવો આપણે પણ ડૂબકી લગાવીએ મંદિરના અકલ્પનીય ઈતિહાસમાં ક્હેવાય છે કે જડેશ્વર મહાદેવ મંદિર જ્યાં છે તે રતન ટેકરીથી 5 કિમીના અંતરે આવેલું અરણીટીંબા ગામનો ભગો ભરવાડ નામનો યુવાન ગાયો ચરાવવા માટે અહીં આવતો તેના ગાયોના ઘણમાં એક ગાય ગામના પરષોત્તમ સોનીની હતી. આ ગાય રોજ રતન ટેકરી પર ચારો ચારીને પરત આવતી ત્યારે તેના આંચલ માંથી દૂધનું ટીપું પણ નીકળતું નહોતું. આથી તેને એવી શંકા હતી કે તેની ગાયને ભાગો ભરવાડ દોહી લે છે.

જેથી તે એક દિવસ ભગા ભરવાડની પાછળ ચોકી કરવા નીકળ્યો અને તેણે જોયું તો રતન ટેકરી પર આવીને તેની ગાયના આંચળ માંથી આપોઆપ દૂધનો ફુવારો નીકળતો હતો. આથી તેણે ભાગ ભરવાડ સાથે મળીને ત્યાં તપાસ કરી તો ત્યાં સ્વયંભુ શિવલિંગ મળી આવ્યું અને ત્યારે આ સોનીએ ભગાને કીધું કે અહી મહાદેવની 1600 પ્રકારની પૂજા અને ત્યાર બાદ કમળ પૂજા થાય તો કમળ પૂજા કરનાર આગળના જન્મે રાજા થાય. આ સાંભળીને ભગા ભરવાડે ત્યાં કમળ પૂજા કરીને ત્યાર બાદ તે પછી0ના જન્મે જામરાવળ રૂપે જન્મ્યા અને જામનગરના રાજવી બન્યાં પણ તેમને સતત માથાનો દુખાવો રહેતો જે બાબતે તેમના રાજ જ્યોતિષ પંજુ ભટ્ટે જણાવ્યું કે જામનગરથી આશરે 100 કિમીના અંતરે આવેલ રતન ટેકરી પર અરણીનો છોડ ઉગેલો છે.

જે માથા પર ઉગેલો છે અને એજ કારણ છે માથાના દુખાવાનું ત્યાર બાદ જામરાવળ રતન ટેકરી આવ્યાં જ્યાં ભગા ભરવાડનું ધડ અને માથું મળી આવ્યું જ્યાં માથા ઉપર અરણીનો છોડ ઉગેલો હતો એ છોડને બાજુમાં આવ્યો અને ત્યાં રાવડેશ્વર મંદિર બનાવ્યું અને આજે પણ કહેવાય છે કે આ મંદિરે માત્ર 2 શ્રીફળની માનતા રાખવાથી ગમે તેવો માથાનો દુખાવો મટી જાય છે. આજે જ્યાં જડેશ્વર મંદિર છે તે વડોદરાના દિવાન વિઠોબા જી પેશ્વાએ આશરે 225 વર્ષ પહેલા બાંધવી આપ્યું હતું.

તેઓને રક્તપિત થયો હતો અને તેઓ એક વાર કામ સબબ વાંકાનેર આવ્યા હતા ત્યારે તેમના સાંભળવામાં આવ્યું કે રતન ટેકરી પરના જડેશ્વરની દાદાની પૂજા કરવાથી તેમનો રોગ મટી શકે છે અને તેમ કરવાથી તેમનો રોગ મટી ગયો. ત્યારે તેમણે જડેશ્વર મંદિરનો જીર્ણોધ્ધાર કરી ત્યાં પોતાની પાઘડી અને સેલુ અર્પણ કર્યું હતું. જે આજે પણ મંદિરમાં મોજુદ છે.

જડેશ્વર મહાદેવ મંદિરનું સંચાલન હાલ જડેશ્વર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. આ મંદિરમાં અત્યારે 100 જેટલા રૂમોની વ્યવસ્થા છે. જેમાં શ્રાવણ માસ દરમિયાન ભારતભરમાંથી આવતા ભૂદેવો રહે છે અને આ વર્ષથી ભૂદેવોને જમવા માટે બાજોઠની પણ નવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે તો દેશભરમાંથી આવતા અનેક ભક્તોની આ મંદિર પરની અતુટ શ્રદ્વાને ધ્યાનમાં રાખીને આ મંદિરને પવિત્ર યાત્રાધામ તરીખે વિક્શાવાય તેવીમાંગ પણ ટ્રસ્ટ દ્વારા સરકારને કરવામાં આવી છે.

પસિદ્વ જડેશ્વર મહાદેવ મંદિરમાં 12માસ સવાર બપોર અને સાંજની આરતી કરવામાં આવે છે અનેક દર્શનાર્થીઓ દરરોજ અહી આવતા હોય છે અનેક શાળા માંથી બાળકોને પ્રવાસમાં પણ અહી લાવવામાં આવે છે. આવા મહાદેવના આ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન સવાર બપોર અને સાંજની આરતી તો થાય જ છે. ઉપરાંત દર સોમવારે જડેશ્વર દાદાના મહોર ઈ પાલખી યાત્રા કાઢવામાં આવે છે અને ત્યાર બાદ બપોરની વિશેષ આરતી કરવામાં આવે છે. અહી શ્રાવણ માસમાં દરરોજ ભંડારો હોય છે. જેમાં અને ભુદેઓ સાધુ સંતો અને દેશ ભરમાંથી આવતા ભાવિકો ભગવાનનો પ્રસાદ આરોગી ધન્યતા અનુભવે છે. સમગ્ર માસ દરમિયાન મંદિરમાં લઘુ રુદ્ર, પાઠાત્મક લઘુ રુદ્ર , અતિ રુદ્ર જેવી ધાર્મિક વિધિઓ સતત ચાલુ જોવા મળે છે.

મોરબી અને વાંકાનેરના લોકો જડેશ્વર દાદામાં વિશેષ શ્રદ્વા ધરાવે છે. વાંકાનેરના એક ભરવાડ પરિવારની મહિલાઓ શ્રાવણ માસના પ્રથમ સોમવારની બપોરની આરતીમાં હાજર રહેવા વાંકાનેરથી ખુલ્લા પગે ચાલતા આવે છે. છેલ્લા પાંચ વર્ષથી તેઓ જડેશ્વર દાદાની કૃપા માટે અચૂક આવે છે અને દાદામાં તેઓ અતુટ વિશ્વાસ ધરાવે છે.

મોરબીના વૃદ્વ સવિતાબેન ત્રિપાઠી છેલ્લા 45 વર્ષથી જડેશ્વર મંદિરે એક વાર અચૂક દર્શન કરવા આવે છે. તેમના પરિવારના ડેક સભ્ય શ્રાવણ માસ દરમિયાન એક વાર દર્શન કરવા જરૂર આવે છે. સવિતાબેનના દાદા વર્ષો પહેલા આ મંદિરમાં પૂજા કરી રહ્યા હતા ત્યારે મંદિર ઉપર વીજળી પડી ગુંબજને ખાસ્સું નુકસાન થયું પણ તેમના દાદાને લેશ માત્ર પણ ઇઝા પહોચી નહોતી એ ઘટનાને તેઓ જડેશ્વર દાદાનો પરચો માને છે અને ભૂલ્યા વિના આટલી ઉમરે પણ દાદાના દર્શન અચૂક કરે છે.

મોરબીના રવાપર ગામે રહેતા પ્રભા બેન દાદાને સાક્ષાત સ્વરૂપે નિહાળે છે. તેમનું માનવું છે કે દાદાના દર્શન કરવા ખુબ જરૂરી છે અને દાદાની અવગણના કરી દર્શન કર્યા વિના મંદિર પાસેથી સીધા નીકળી જનારને દાદા તેમનો પરચો પણ આપે જ છે.મૂળ વાંકાનેરના અને હાલ રાજકોટ સ્થાયી થયેલ વ્યવસાયે વકીલ દિનેશભાઈ પટેલ નિયમિત જડેશ્વર દાદાના દર્શન કરવા આવે છે પણ આ પૌરણિક મંદિરનું શ્રાવણ માસમાં વિશેષ મહત્વ છે. તેઓ 45 વર્ષથી દાદાના નિયમિત દર્શન કરે છે અને તેમના મતે આ જગ્યા પર આવવા માત્રથી મનને અપાર શાંતિનો અનુભવ થાય છે.

અહીં પ્રથમ વખત આવનારા ભાવિકો પણ અહીં આવ્યા બાદ આ જગ્યાને અતિ પાવનકારી ગણાવે છે. તેમજ અહી આવીને તેઓને ખુશી થયાનું જણાવે છે. જડેશ્વર દાદાનો મહિમા સાંભળીને અહીં દર વર્ષે અનેક નવા ભાવિકો આવે છે અને પ્રાકૃતિક સૌદર્યના સાનિધ્યમાં બિરાજેલા દાદાના શહેરનામાં શિષ જુકાવી ધન્યતા અનુભવે છે.

વાંકાનેરથી મોરબી તરફ આવતા 11 કિમીના અંતરે આવેલ જડેશ્વર મંદિર ડુંગરાળ વિસ્તાર છે. રતન ટેકરી પર આવેલું આ મંદિરની ચારે બાજુ હરિયાળી નજરે ચડે છે. અલોકિક પ્રાકૃતિક સોંદર્ય વચ્ચે આવેલ જડેશ્વર મહાદેવ મંદિરએ દાદાના પ્રગટ્ય દિવસ એટલે કે શ્રાવણ માસના બીજા સોમવારે લોક મેળો યોજાય છે. જે સૌરાષ્ટ્રનો પ્રથમ લોકમેળો છે. આ મેળા બાદ જ બીજા મેળાઓની શરૂઆત થાય છે. મેળામાં પણ હજારો લોકો ઉમટી પડે છે જેથી મોરબી અને વાંકાનેર પોલીસે પણ વ્યવસ્થા માટે ચુસ્ત બંદોબસ્ત રાખવો પડે છે. જડેશ્વર મંદિરની આસપાસનો વિસ્તાર એટલો સુંદરતાથી ભરપુર છે કે જો સરકાર આ જગ્યાનો વિકાસ કરી તેને પવિત્ર યાત્રાધામ તરીકે વિકસાવે તો દુનિયાભરના પ્રવાશીઓ આ મંદિરની મુલાકાત લેતા થઇ જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.