પોષદશમી અને ભગવાન પાર્શ્વનાથ - Sandesh

પોષદશમી અને ભગવાન પાર્શ્વનાથ

 | 1:01 am IST

જિનામૃત :- આર. શેખર

(ગતાંકથી ચાલુ)

શ્રી પાર્શ્વનાથ ભગવાનનો એમના મોટાભાઈ મેઘમાળી સાથેનો સંબંધ દશ ભવ પુરાણો છે. તે  સમયે ભગવાન મરુભૂતિ સ્વરૂપે હતા અને મેઘમાળી કમઠ સ્વરૂપે  હતા. બંને ભાઈઓ હતા. કમઠ મોટો અને મરુભૂતિ નાનો ભાઈ. નાના ભાઈને આધ્યાત્મિક્તા પસંદ હતી અને મોટા ભાઈને ભોગવિલાસ. એમના દસમા ભવના રાજકુમાર પાર્શ્વનાથ અવતારની કથા આપણે કરી રહ્યા છીએ. એક દિવસ ખબર મળ્યા કે મહાતપસ્વી ચાર દિશામાં અગ્નિ પેટાવી માથા પર સૂર્ય હોય એવી પંચાગ્નિ તપસ્યા કરી રહ્યા છે.

પાર્શ્વકુમારે ત્યાં પહોંચીને આખી ઘટનાને તટસ્થતા સાથે નિહાળી. તેને પ્રશ્ન થયો, આવી સાધના યોગ્ય ન કહેવાય. વારાણસી નગરીમાં અશ્વસેન રાજા અને વાયામાતાના પુત્ર પાર્શ્વકુમાર અને ૫ત્ની પ્રભાવતી બંને ગવાક્ષમાં બેઠેલા છે. અનુચર દ્વારા ખબર પડી કે કોઈ કમઠ નામના તાપસ આવ્યા છે. એમના દર્શન કરવા માટે નગરજનો જઈ રહ્યા છે.

ચાલો આપણે પણ એમના દર્શન કરવા જઈએ. યુવરાજે પોતાની ઈચ્છા વ્યક્ત કરી. ઘોડા ઉપર બેસીને ત્યાં ગયા. તપસ્વી પંચાગ્નિ સાધના કરતા હતા. ચાર દિશામાં લાકડા સળગતા હોય અને ઉપર સૂર્ય તપતો હોય એને પંચાગ્નિ તપ કહેવાય. પાર્શ્વકુમારે ત્યાં પહોંચીને આખી ઘટનાને તટસ્થતા સાથે નિહાળી આ શું થઈ રહ્યું છે? કષ્ટ ઘણું છે પણ એના બદલામાં લાભ ઓછો દેખાય છે. એમાં એમના ધ્યાનમાં આવે છે. આ લાકડાના પોલાણમાં એક સર્પ બળી રહ્યો છે. અનુચરને આજ્ઞા કરી આ લાકડું બહાર કાઢ, એમાં બેસી રહેલા સર્પને બહાર કાઢ. બહાર કાઢીને એને નવકાર મંત્ર સંભળાવે છે.

અંતિમ સમયે ઈષ્ટદેવતા સ્વરૂપ પરમાત્માનું સ્મરણ કરવું જોઈએ કે જેના કારણે વેદના ઓછી થાય અને જીવ બહારની ઉપાધિઓને ભૂલે. એની માનસિકતા શુભ તત્ત્વની સાથે જોડાય તો વિચારોમાં મોટો ફરક પડે. એની મતિમાં સાત્વિક્તા આવે અને ગતિ-મરીને જ્યાં જન્મધારણ કરવાનો છે એ સ્થળ આપણને ધર્મમય બનાવે એવું મળે આવો ઉદ્દેશ હોય છે.

સર્પ મરીને ધરણેન્દ્ર નાગરાજ તરીકે ઉત્પન્ન થાય છે. હાજર રહેલા નગરજનોએ આ ઘટના પોતાની નજરે નિહાળી. માણસના મૂલ્યાંકન કરવાની એક સહજ આદત હોય છે. તપસ્વી તપ કરે છે. કષ્ટ છે પણ બીજા જીવોના ભોગે જો આ થતું હોય તો આ કેટલું યોગ્ય છે? આવું તપ કરાય? આ રાજકુમારને લાકડામાં સર્પ કેવી રીતે દેખાયો? આવા આવા ઘણાં બધા પ્રશ્નો સામાન્ય જનતાના મગજમાં ઉદ્ભવ્યા.

જોકે પાર્શ્વકુમારે કમઠને સમજાવવાનો પ્રયત્ન કરી જોયો. ધર્મનો સંબંધ જીવોની દયા સાથે સંબંધિત છે, પણ હિંસા સાથે નહિં, આપ તપ કરો એ સારી વાત છે પણ આ રીતે લાકડાં જલાવવા અને એમાં રહેલા અન્ય જીવોની હિંસા કરવાની આમાં ધર્મ ક્યાં રહે? જો તમારે ધર્મ જ કરવો હોય તો બીજા જીવોને શાતા આપવાનો વિચાર કરવો જોઈએ.

માણસને સલાહ આપવાની ગમે પણ કોઈ આપણને સલાહ આપે એ કેમ ચલાવી લેવાય? કમઠ તાપસ કહી રહ્યા છે તમે રાજકુમાર છો, તમારું કામ ઘોડા રમાડવાનું છે. અમે તપોધન છીએ. તપ કેવી રીતે એ તમારે અમને શિખવવાની જરૂર નથી.

પાર્શ્વકુમાર વિચાર કરે છે. મારું કામ સર્પને બચાવવાનું હતું એ પૂર્ણ થયું છે. આ તાપસને સમજાવવાનો અર્થ નથી. એમની સાથે વાદવિવાદ કરતા સંવાદના બદલે વિસંવાદની સંભાવના વધારે જ ગણાય છે. એટલે આપણે પૂર્ણવિરામ મૂકી દો. આવો વિચાર કરીને એ ત્યાંથી રવાના થઈ ગયા.

આ કમઠ બીજો કોઈ નહીં મરુભૂતિનો મોટો ભાઈ જે હતો તે જ અત્યારે આ સ્વરૂપે મળ્યો છે. તાપસ હતો અને સામે રાજકુમાર હતો એટલે વિદ્વેષ તો ઘણો ના દેખાયો પણ અંતરમાં અસદ્ભાવ તો ઊભો થયો જ. ‘આ માણસે મારા કામમાં વિક્ષેપ પાડયો’ અંતરના ઉકળાટ સાથે એ ત્યાંથી રવાના થયો. ખૂબ તપ કરે છે અને તપના પ્રભાવથી મરીને મેઘમાળી દેવ તરીકે ઉત્પન્ન થાય છે. આ બાજું પાર્શ્વકુમારે એક જિનાલયમાં પહોંચ્યા છે. પ્રભાવતી પણ એમની સાથે જ છે. બેય દંપતી ભગવાનના દર્શન કરે છે. જિનાલયમાં નેમિનાથ ભગવાન અને રાજીમતીની લગ્નની જાન, પશુઓના પોકારને સાંભળીને લગ્ન કર્યા વગર જ પાછા ફરેલા અને એમણે સંયમનો સ્વીકાર કરેલો એ ઘટનાને વ્યક્ત કરતા ચિત્રપટને જોયા. પ્રભાવતીને સમજાવી રહ્યા છે. આવી રીતે બાવીશમ તીર્થકર નેમિનાથ ભગવાને દીક્ષા લીધી હતી.

‘આપની પણ શું દીક્ષા લેવાની ભાવના છે?’ અને પાર્શ્વકુમારે દીક્ષાગ્રહણની હા કહી. એક વરસ સુધી વરસીદાન આપ્યું. રોજનું એક કરોડ આઠ લાખ સોના મહોરોનું દાન પાર્શ્વકુમાર આપે છે. લોકાંતિક દેવો આવીને પાર્શ્વકુમારને વિનંતી કરે છે. આપ દીક્ષાગ્રહણ કરો અને તીર્થનું પ્રચલન કરો કે જેનો આશ્રય લઈને અમારા જેવા જીવો મોક્ષની યાત્રા આગળ વધારે.

માગશર વદ અગિયારસના જ્યારે પાર્શ્વકુમારની ઉંમર ૩૦ વર્ષની થઈ છે ત્યારે એમણે દીક્ષા લીધેલી. ભગવાનનો જન્મ માગશર વદ દશમના દિવસે થયેલો. આજથી બે હજાર સાતસો પંચાણું વરસ પહેલા. આપણે ગુજરાતમાં સુદમાં મહિનાનો પ્રારંભ થાય છે પણ ઘણાં પ્રદેશોમાં પૂનમનાં દિવસે મહિનો પૂર્ણ થાય છે અને વદ એકમથી નવા માસનો પ્રારંભ થતો હોય છે. ગુજરાતી તિથિ પ્રમાણે માગશર વદ હોવા છતાં આ રીતે પોષીદશમ કહેવાય છે.

માગશર વદ અમાસના દિવસે ભગવાને વારાણસી નગરની બહાર સંયમનો સ્વીકાર કર્યો. ભગવાનની સાથે બીજા ત્રણસો જણાએ પણ દીક્ષાનો સ્વીકાર કરેલો. હવે ભગવાન ઘરમાં નથી, ભગવાને જ્યારે દીક્ષા-સંયમનો સ્વીકાર કરેલો ત્યારે એમના ખભા ઉપર એક વસ્ત્ર સ્થાપન કરેલું જેને ‘દેવદુષ્ય’ કહેવાય છે. એ સિવાય એમના શરીર ઉપર કોઈ વસ્ત્ર હોતું નથી. ઠંડી હોય કે ગરમી ભગવાન સમભાવે સહન કરે છે.

એક વખત ભગવાન ચંપાપુરીની નજીકમાં વિચરી રહેલા છે. કલિ નામના એક પર્વતની નજીકમાં જ ધ્યાનમાં સ્થિર ઊભા છે. એક હાથીએ ભગવાનને આ રીતે ઊભેલા જોયા એ પાસે રહેલા એક કુંડ નામના સરોવરમાં ગયો અને ત્યાંથી એક કમલ પોતાની સૂંઢમાં લઈને આવ્યો. રીતસર એણે એ કમલ ભગવાનના ચરણ ઉપર મૂકી દીધું. નમસ્કાર કરીને જતો રહ્યો.

લોકોએ આ ઘટના જોઈ. આશ્ચર્ય થાય એ સ્વાભાવિક છે. સામાન્ય કરતા અલગ કોઈ પણ વાત બને ત્યારે સામાન્ય જનતાની ચર્ચાનો એ વિષય બનતો હોય છે. ચંપાનગરીમાં બધાના મોંમાં એક જ વાત હતી તમને ખબર પડી? એક યોગીની હાથીએ કમલ દ્વારા પૂજા કરી.

વાત રાજા સુધી પહોંચી, એને પણ આશ્ચર્ય થયું. એ ત્યાં જોવા માટે આવ્યો. ભગવાને વિહાર કરી ગયેલા પણ જમીન ઉપર ભગવાનના ચરણ-પગલાંની છાપ પડેલી હતી અને હાથીએ ત્યાં એક કમલ મૂકેલું હતું.

નજરે જોયેલી ઘટનામાં સંદેહ કરવાની જરૂર નથી. એ રાજાએ એક વિશાળ જિનાલયનું નિર્માણ કરાવ્યું, એનું દ્વાર પણ વિશાળ કરાવ્યું કે જેથી હાથી ત્યાં આવીને ભગવાનની પૂજા કરી શકે. આમ ભગવાનની સંયમ સ્વીકારની ઘટના પછી સૌપ્રથમ કવિકુંડ નામના તીર્થની સ્થાપના થઈ. એણે રોજ ભગવાનની પૂજા કરી.

એ જ રીતે ભગવાન જ્યારે એક જંગલમાં કાઉસગ્ગ ધ્યાનમાં હતા. તે સમયે મેઘમાળીના જોવામાં આવ્યા. દશ ભવોના એના સંસ્કાર કેવા દ્રઢ બન્યા હશે? એણે ભગવાનને જોઈને એમના પ્રત્યે તીવ્ર રોષની લાગણી ઉદ્ભવી. આ માણસને અહીં શાંતિથી ના જ બેસવા દેવાય. ગયા ભવમાં લોકો મારી પૂજા કરતા હતા. આ માણસે આવીને મારી પૂજાના બદલે નિંદા કરાવી. પેલો સાપ બહાર કઢાવ્યો. અરે ભાઈ તારે આ બધી પળોજણ કરવાની જ ક્યાં જરૂર છે, પણ એ સમયે મારાથી કંઈ થઈ શકે એમ ન હતું. હવે અત્યારે ક્યાં જશે. મારી શક્તિનો ઉપયોગ કરું. મેઘમાળી દેવ હતો, એની શક્તિ હતી. એણે આકાશમાં વાદળા ઊભા કરી દીધા. વીજળી ચારેબાજુ ચમકવા લાગી છે. આકાશમાંથી બ્રહ્માંડને ફોડી નાંખે એવા અવાજ થવા લાગ્યા છે અને વરસાદ વરસવાનું ચાલુ કરી દીધું. પાણી વધવા લાગ્યું છે. વધતા વધતા છેક ભગવાનની નાસિકા સુધી પાણી આવી ચૂક્યું છે. મેઘમાળી રાજી થઈ ગયો છે. બસ હવે થોડું વધારે પાણી આવે શ્વાસ લેવાનો બંધ થાય પછી મારું કામ પૂરું.

આ માણસે મને ઘણો હેરાન કરેલો છે. ઘણાં ભવોમાં મને પરેશાન કરેલો. (હકીકતમાં ભગવાને એને કોઈ ભવમાં પરેશાન કર્યો નથી પણ એની વિચારવાની પદ્ધતિ જ આ છે. સાચી વાતનો સ્વીકાર કરવાની આવા માણસોની તૈયારી જ ના હોય.) નાસિકા સુધી પાણી આવેલું તે સમયે નાગરાજ ધરણેન્દ્ર પોતાની પત્ની સાથે ત્યાં આવે છે. ભગવાનને પોતાના હાથથી અધ્ધર લઈ લે છે અને નાગની ફેણથી પાણીથી બચાવવા કોશિશ કરે છે. નાગની ફેણ છત્ર જેવી દેખાય છે અને અહીં છત્રા નામના તીર્થનું નિર્માણ થાય છે.  ધરણેન્દ્રે મેઘમાળીને સમજાવ્યો અરે! તું આ શું કરે છે? કોના માટે આટલા પાણીનો વરસાદ? કોની સાથે આવી દુશ્મનાવટ? આ બધું જોઈ મહારાજ જાણશે તો દેવલોકમાં રહેવા પણ નહિં દે…! ભગવાનની આવી સમતા જોઈને એ પણ શાંત બન્યો. એક બાજુ ધરણેન્દ્ર અને એક તરફ મેઘમાળી જમીન પર ઊભા રહીને ભગવાનને વંદન કરે છે. ભગવાન બેમાંથી એક પણ ઉપર રાગદ્વેષના ભાવ જાગતા નથી. કેવો ભગવાનનો સમભાવ હશે?

ત્યાંથી ભગવાન આશ્રમપદ નામના ઉદ્યાનમાં જાય છે. દીક્ષા પછી બરાબર ચોરાશીમા દિવસે સંસારની નાશવંતના ભાવોને વિચારતા કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. દેવો આવીને સમવસરણની રચના કરે છે. ભગવાન ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે.

ભગવાનના માતા-પિતા સાસુ-સસરા અને પત્ની પ્રભાવતીને દીક્ષા આપે છે. આવા પરમાત્મા શ્રી પાર્શ્વનાથ ભગવાનના જન્મ અને દીક્ષા કલ્યાણકના દિવસે ભગવાનને ભાવથી નમન કરીએ છીએ, જેથી આપણા અંતરમાંથી કોઈનાય પ્રત્યે દ્વેષ કે રોષ કે રાગનો ભાવ ના જાગે. સમભાવ આવે અને આપણો જન્મ સફળ થાય.

[email protected]

પાર્શ્વનાથ ભગવાનના અનેક તીર્થો છે એમાં સૌ પ્રથમ શંખેશ્વર તીર્થ. સમેત શિખર પહાડ તો પારસનાથ પહાડના નામે જ ઓળખાય છે. ગોડીજી પાર્શ્વનાથ ચિંતામણી પાર્શ્વનાથ કલિકુંડ પાર્શ્વનાથ મનમોહન પાર્શ્વનાથ અમીઝરા પાર્શ્વનાથ હમણાં બે વર્ષ અગાઉ જ જેમની પ્રતિષ્ઠા થયેલી છે. સિદ્ધપુરામાં સુલતાન પાર્શ્વનાથ એવા જીરાવલા પાર્શ્વનાથ આવા ઘણા બધા તીર્થો છે. ભગવાનના ૧૦૮ નામો છે કે જે એમના પ્રભાવ અથવા ગામના નામથી પ્રસિદ્ધ છે. ભગવાનના ચમત્કારો પણ ઘણાં છે. આપણે આવા પાર્શ્વનાથ ભગવાનની દર્શન, પૂજા અને સેવા કરીને આપણાં જીવનને ધન્ય બનાવીએ એવી આશા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન