godman-rampal-convicted-in-two-murder-casesgodman-rampal-convicted-
  • Home
  • India
  • સતલોક આશ્રમમાં છ હત્યાના બે કેસમાં ગોડમેન રામપાલ દોષિત

સતલોક આશ્રમમાં છ હત્યાના બે કેસમાં ગોડમેન રામપાલ દોષિત

 | 2:28 am IST

2014માં પોલીસે પકડીને આશ્રમની બહાર કાઢયા ત્યારે ભારે હિંસા થઈ હતી

હરિયાણાનાં હિસારની કોર્ટે સંત રામપાલને ચાર વર્ષ જૂના 6 હત્યાના 2 કેસમાં દોષિત જાહેર કર્યા છે. હિસારમાં 18 નવેમ્બર 2014માં બરવાલા ખાતેના સતલોક આશ્રમમાં હત્યાના 2 કેસમાં અને કોર્ટનો અનાદર કરવાના કેસમાં ગુરુવારે એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ ડી. આર. ચાલિયાએ રામપાલ અને અન્ય તમામ 29 આરોપીઓને દોષિત ઠરાવ્યા હતા. કોર્ટ દ્વારા રામપાલ અને અન્ય દોષિતોને 16 કે 17મીએ સજા સંભળાવવામાં આવશે.  કાયદોવ્યવસ્થા જાળવવા જેલમાં જ કોર્ટ કાર્યવાહી કરાઈ હતી. જેલમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેસ ચલાવાયો હતો. હિસાર અને આસપાસના વિસ્તારમાં  અનિચ્છનીય ઘટનાઓ રોકવા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.

શું થયું હતું 18 નવેમ્બર 2014ના રોજ?

હત્યાના બે અલગ અલગ કેસમાં રામપાલ અને અન્યને દોષિત ઠરાવાયા છે, એક કેસમાં રામપાલ અને 15 ટેકેદારો તેમજ બીજા કેસમાં રામપાલ અને 14 ટેકેદારોને દોષિત ઠરાવાયા છે. નવેમ્બર 2014માં રામપાલને ચંડીગઢની કોર્ટમાં હાજર રહેવા ફરમાન કરાયું હતું જેમાં તેઓ હાજર ન રહેતાં પોલીસે પકડીને આશ્રમની બહાર કાઢયા હતા. આશ્રમમાં હજારો અનુયાયીઓ હતા તેથી ભાગદોડ અને હિંસા થઈ હતી જેમાં 5 મહિલા અને 1 બાળક સહિત 6નાં મોત થયાં હતાં. તેથી રામપાલ અને તેમના ટેકેદારો સામે બે કેસ કરાયા હતા. કેસ નંબર 429માં રામપાલ સહિત 14 આરોપી  સામે 4 મહિલા અને 1 બાળકનાં મોતનો ગુનો દાખલ કરાયો હતો. કેસ નંબર 430માં રામપાલ સહિત 13 આરોપી હતા. આ કેસમાં 1 મહિલાનું મોત થયું હતું. બંને કેસમાં રામપાલ અને 6 આરોપીઓ કોમન હતા. 18મી નવેમ્બર 2014ના રોજ આશ્રમમાંથી એક મહિલાનો અને 19 નવેમ્બર 2014ના રોજ 4 મહિલા અને 1 બાળકના મૃતદેહ મળ્યા હતા. અનુયાયીઓને બંધક બનાવવા  તેમજ સરકારી કામમાં અવરોધો સર્જવા માટે રામપાલ અને અન્ય સામે કેસ કરાયો હતો. હરિયાણા સરકારે રામપાલને પકડવા તે વખતે 5,375 પોલીસને કામે લગાડયા હતા અને 10 દિવસ પછી તેમને પકડી શકાયા હતા. સરકારને તેમને પકડવા માટે રૂ. 26 કરોડનો ખર્ચ કરવો પડયો હતો.

હિસારમાં 3 કિ.મી.વિસ્તારમાં ઘેરાબંધી

કોર્ટના ચુકાદા પછી રામપાલના અનુયાયીઓ તોફાન ન મચાવે તે માટે હિસારમાં 2,000 પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવાયો છે અને 144મી કલમ લાગુ કરાઈ છે. આરએએફની પાંચ કંપનીઓ તહેનાત કરાઈ છે. હિસારમાંથી પસાર થતી અનેક ટ્રેનો રદ કરાઈ છે અને રૂટ બદલવામાં આવ્યા છે. હિસારમાં નાકાબંધી કરાઈ છે અને 3 કિ.મી. પહેલાંથી લોકોનો પ્રવેશ બંધ કરાયો છે. બહારની કોઈ વ્યક્તિને આવવા પર પ્રતિબંધ લગાવાયો છે. જેલમાં જામર લગાવાયા છે અને જરૂર પડે તો ઇન્ટરનેટ સેવા બંધ કરવા તૈયારી કરાઈ છે.