Gold card of the first permanent resident of Indian origin in the UAE
  • Home
  • Featured
  • યૂએઇમાં ભારતીયને મળ્યું સૌથી પહેલું પર્મનન્ટ રેસીડન્સીનું ગોલ્ડ કાર્ડ

યૂએઇમાં ભારતીયને મળ્યું સૌથી પહેલું પર્મનન્ટ રેસીડન્સીનું ગોલ્ડ કાર્ડ

 | 2:28 pm IST

શારજાહના પહેલા ગોલ્ડન કાર્ડ વિઝા કિંગસ્ટન હોલ્ડિંગ્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર લાલુ સેમ્યુઅલને સોમવારે એનાયત કરવામાં આવ્યા હતા. સામાન્ય રીતે યુનાઇટેડ આરબ અમિરાત(યુએઇ)માં બિઝનેસમેનો કે ખાસ પ્રતિભા ધરાવતા નાગરિકોને પાંચ કે ૧૦ વર્ષના લોંગ ટર્મ વિઝા આપવામાં આવે છે પણ ગોલ્ડ કાર્ડ કાયમી રેસીડન્સીના વિઝા આપે છે. આ પ્રકારના વિઝા મેળવનારા લાલુ સેમ્યુઅલ પહેલા ભારતીય છે. આ વિઝા હેઠળ સેમ્યુઅલના પરિવારના સભ્યોને પણ શારજાહમાં કાયમી રહેવાની પરવાનગી મળશે. ૨૦૧૮માં દુબઈના શાસક શેખ મોહમ્મદ બીન રાશિદ અલ મખતૂમ દ્વારા ગોલ્ડ કાર્ડ રેસીડન્સી સ્કીમ શરૂ કરવામાં આવી હતી.

શારજાહ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી હેઠળ કાર્યરત શારજાહ ઇન્ડસ્ટ્રી બિઝનેસ ગ્રુપના પણ લાલુ સેમ્યુઅલ ચેરમેન છે. સેમ્યુઅલનું કિંગસ્ટન ગ્રુપ મિડલ ઇસ્ટમાં અનેક મોટી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ ધરાવે છે અને તેઓ પ્લાસ્ટિક અને મેટલ પ્રોસેસિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. સેમ્યુઅલને ગોલ્ડ કાર્ડ બ્રિગેડીયર આરીફ મોહમ્મદ અલ શમ્સીએ એનાયત કર્યું હતું. તેઓ શારજાહના વિદેશી બાબતો અને બંદરો વિભાગના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે.

વિખ્યાત ફોર્બ્સ મેગેઝીને આરબ વર્લ્ડમાં ૧૦૦ ટોચના ભારતીય બિઝનેસ લીડર્સની યાદીમાં તેમને ૨૦૧૩, ૨૦૧૪ અને ૨૦૧૫માં સ્થાન આપ્યું હતું. તેમના ગ્રુપનું આ વિસ્તારમાં રોકાણ આશરે ૨૭ અબજ અમેરિકન ડોલર જેટલું છે. યુએઈએ આશરે ૬,૮૦૦ લોકોને ગોલ્ડ કાર્ડ સ્કીમ માટે પસંદ કર્યા છે તેમાં પહેલા ભારતીય લાલુ સેમ્યુઅલ છે.

જ્વેલરી કંપની મલબાર ગ્રુપ અને પેસ ગ્રુપના ચેરમેન અને કેરળમાં જન્મેલા ડો. પી. એ. ઈબ્રાહિમ હાજીને પણ સોમવારે ગોલ્ડ કાર્ડ એનાયત કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ગોલ્ડ કાર્ડ સ્કીમના લીધે યુએઈમાં રોકાણ કરનારા રોકાણકારોને ઘણો લાભ થાય છે અને બીજા રોકાણકારો પણ આ દેશમાં રોકાણ કરવા માટે આગળ આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન