સોનાના ભાવોમાં તેજી-પણ ધીરજ રાખવી પડશે - Sandesh

સોનાના ભાવોમાં તેજી-પણ ધીરજ રાખવી પડશે

 | 1:10 am IST

બુલિયન વોચઃ નલિની પારેખ

છેલ્લા ૩ વર્ષથી અમેરિકન ડોલર સૌથી ઊંચી સપાટી પર પહોંચ્યા બાદ સોમવારે ડોલરમાં થોડીક મજબૂતાઈ આવતા સોનાના ભાવ પર તેની અસર પડી અને સોનું ૧,૩૩૫ ડોલર પ્રતિ ઔંસનો ભાવ ક્વોટ કરવા લાગ્યું.

માત્ર એક જ દિવસમાં ૯/૯ ડોલર પ્રતિ ઔંસના ઘટાડાએ વેપારીઓ, સટોડિયાઓ તથા રોકાણકારોને આૃર્યચકિત કર્યા. ટેક્નિકલ ચાર્ટ બનાવનાર જણાવે છે કે, હાજર સોનું કદાચ એક વાર ૧,૩૧૬ ડોલર પ્રતિ ઔંસની સપાટી આંબે. હાલ તુરત આ અઠવાડિયામાં ઈન્વેસ્ટરોને ફેડની મિટિંગમાં વ્યાજના દરનો કેટલો વધારો થાય છે અને ક્યારે થશે તેના પર તેઓની મીટ મંડાયેલ છે.

મંગળવારે ડોલરની ફરી નરમાઈ તરફની દિશા પકડવી તથા બોન્ડના વળતરમાં ફેરફાર થતાં સોનાના ભાવમાં સુધારો આવ્યો. સોનાના નીચા થયેલા ભાવે વેપારીઓએ ટૂંકા ગાળાના સોનાના સોદાઓ ખરીદ્યા અને તેઓ સોનાના ભાવની વધઘટનું જોખમ લઈ રહ્યા હતા, પણ તેઓની મીટ ફેડના વ્યાજના દર ના વધવા તથા અમેરિકન રોજગારના ડાટા પર મીટ મંડાયેલ હતી.

અમેરિકન ટ્રેઝરી બિલનું વળતર છેલ્લા ૩-૧/૨ વર્ષ બાદ ૨.૭ ટકા થતાં તે ડોલરને નરમાઈ તરફ ધકેલતા સોનાએ ફરી તેજીની દિશા પકડી અને તેજી તરફી રુખને અપનાવ્યું. ફેડની બે દિવસીય મિટિંગમાં અમેરિકાની નાણાકીય સ્થિતિ સુધરી રહી છે તેવું જાણવા મળશે તેવા સંકેત પણ સોનામાં ફરી તેજી સળવળી ઊઠી.

રોકાણકારો અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના પોતાના વક્તવ્યમાં ડોલર પ્રત્યે કેવું વલણ દાખવે છે તેના પર મીટ માંડીને પોતાના વેપારની ભવિષ્યની ચાલ કેમ ચાલવી તે નક્કી કરશે. ત્યારે અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્ટીવન મ્નુચીને ગયે અઠવાડિયે મજબૂત થયેલો ડોલર ફરી નરમ થશે તેવું જણાવ્યું હતું છતાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ડોલર મજબૂત રહેશે તેના પોતાના વક્તવ્યને રદિયો આપેલ. આમ બંને વચ્ચેના તફાવતના અંતે સોનું પોતાની દિશા નક્કી કરવા અસમંજસમાં પડયું છે. એનાલિસ્ટોનું માનવું છે કે, સોનાના ભાવો કદાચ એક વાર ૧,૩૩૫ ડોલર પ્રતિ ઔંસની નીચી સપાટી દાખવે ત્યારે વિશ્વની સૌથી વધુ સોનાનો ટેકો મેળવનાર ગોલ્ડ એક્સ્ચેન્જ ટ્રેડેડ ફંડ એપીડીઆરના ફંડમાં ૦.૧૭ ટકા સોનાનો ઘટાડો થયો અને તેમના સોનાનું હોલ્ડિંગ ૮૪૬.૬૭ ટનનું નોંધાયું.

લાંબા ગાળાના સોનાની લેણના સોદા-કોન્ટ્રાક્ટ તો ઊભા રહ્યા છે પણ તેની સામે લાંબા ગાળાના હાજર સોનાનો વેપાર ૧,૩૦૦ ડોલર પ્રતિ ઔંસે થતાં સૌ કોઈ જરા પણ ખચકાટ નથી અનુભવતા, પણ વિન્સ લાન્સીને પ્રશ્ન પુછાય છે કે, સોનાના ૧,૩૦૦ ડોલર પ્રતિ ઔંસના ભાવને તમે ક્યાં સુધી ખેંચશો ?

ઉત્તરમાં વિન્સ લાન્સી જણાવે છે કે, ૧,૭૦૦ ડોલર પ્રતિ ઔંસનો મારો ટાર્ગેટ છે. લોકોની યાદશક્તિ ખૂબ જ નબળી હોય છે અને તેઓ પોતાની યાદશક્તિ પર ખૂબ જ ખીજવાય છે કે જ્યારે તેઓ પોતાન આગાહીમાં ખોટા ઠરે છે. મારે કોઈ ઉત્તેજના નથી ફેલાવવી, પણ આવતા ૯ મહિનામાં મને લાગે છે કે સોનું ૧,૭૦૦ ડોલર પ્રતિ ઔંસને આંબી જશે. જ્યારે લોકો વેપાર કરે છે ત્યારે સોના માટે તેઓનો કોઈ સિદ્ધાંત આવશ્યક નથી હોતો. એ સમયે લોકો સોનાની ખરીદીમાં આવેગ અને નાણાકીય મેનેજમેન્ટની નિપુણતા પર આધાર રાખે છે. તેમાં ન્યૂયોર્કના વાયદા બજારે ડયૂકા બેન્ક તથા એચએસબીસીને સોના-ચાંદીના ભાવમાં કરેલી ગરબડને ધ્યાનમાં લઈને ખોટી પેનલ્ટી કરી છે તે પુરવાર કરે છે કે, અમુક સિન્ડિકેટ સોના તથા ચાંદીના ભાવને દબાણ હેઠળ રાખીને તેમનું નિયંત્રણ કરે છે, પણ આ પેનલ્ટી સોનાના ભાવને છૂટો દોર આપશે અને બજારને મુક્ત વાતાવરણમાં નવો ભાવ ક્વોટ કરવા પ્રેરણા આપશે તેવું જણાય છે. એકંદરે સોનું ૨૦૧૮ના વર્ષમાં સોનાનો નવો ભાવ દાખવશે. શું ભાવો ૧,૪૦૦-૧,૫૦૦- ૧,૬૦૦ કે ૧,૭૦૦ ડોલર પ્રતિ ઔંસના ભાવની સપાટી તોડશે ?

વાટ જોઈએ વર્ષના છેલ્લા દિવસોમાં ! અને ધીરજ ધરીએ !