સોના ઉપરનો ટેક્સ ઘટાડવા નીતિ આયોગ કમિટીએ ભલામણ કરી - Sandesh
  • Home
  • Business
  • સોના ઉપરનો ટેક્સ ઘટાડવા નીતિ આયોગ કમિટીએ ભલામણ કરી

સોના ઉપરનો ટેક્સ ઘટાડવા નીતિ આયોગ કમિટીએ ભલામણ કરી

 | 1:50 am IST

નવી દિલ્હી, તા.૩

સોના ઉપરના ટેક્સમાં ધરખમ ઘટાડો કરવા નીતિ આયોગની કમિટીએ ભલામણ કરી છે અને ૨૦૨૨ સુધીમાં જીડીપીમાં ૩ ટકા ફાળો આપી શકે તે માટે સોના અંગે વધુ ઉદાર અભિગમ અપનાવવાનું સૂચન કર્યું છે. નીતિ આયોગના પ્રિન્સિપાલ એડવાઇઝર અને ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાસચિવ રતન.પી.વાટલના નેતૃત્વ હેઠળની કમિટીએ ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયાસ ગોલ્ડ માર્કેટ શીર્ષક ધરાવતો અહેવાલ ૨૬ ફેબ્રુઆરીએ નાણામંત્રાલયને સુપરત કર્યો હતો.

સરકારે આ અહેવાલ જારી નથી કર્યો, પરંતુ આયાત ડયૂટી અને જીએસટી સહિત ગોલ્ડ બિઝનેસ ઉપરના તમામ ટેક્સમાં ધરખમ ઘટાડાની ભલામણ કમિટીએ કરી છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. છેલ્લાં થોડાં વર્ષોમાં દર વર્ષે દેશમાં ૧૦૦થી ૧૫૦ ટન સોનું દાણચોરીથી આવે છે અને તેને અટકાવવા ટેક્સ માળખામાં ધરખમ ઘટાડાની આવશ્યક્તા છે, એમ અહેવાલમાં જણાવાયું હતું. આ કમિટીએ વ્યાપક ચર્ચા વિચારણા કરી હતી અને આખરી અહેવાલ સુપરત કરવા પૂર્વે અનેક નિષ્ણાતોનો સંપર્ક સાધ્યો હતો.

સર્વગ્રાહી ગોલ્ડ પોલિસી અને ગોલ્ડ સ્પોટ એક્સ્ચેન્જ સ્થાપવાની જાહેરાત અગાઉ નાણાપ્રધાન અરુણ જેટલીએ કરી છે. આ કમિટીએ ખાણમાંથી સોનું કાઢવાથી લઇને માર્કેટિંગ કરવા સુધી નીતિ વિષયક પગલાંનું સૂચન કર્યું છે. જ્વેલરી ઉદ્યોગ કોઈપણ અવરોધ કે અંતરાય મુક્ત બની રહે એવો અભિપ્રાય કમિટીએ દર્શાવ્યો છે કેમ કે આ બિઝનેસના ૯૦થી ૯૫ ટકા યુનિટોમાં ૬૧ લાખ લોકો રોજગારી સાથે સંકળાયેલા છે. કમિટીએ ઉપરોક્ત પરિપ્રેક્ષ્યમાં સોના અંગે વિચારવા અને આયાત વિના સોનાના રોકાણ માટે વિકલ્પ સૂચવવા સરકારને જણાવ્યું છે. ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં સુધારા વધારા કરવાનું સૂચન પણ કમિટીએ કર્યું છે. સોવરીન ગોલ્ડ બોન્ડ (એસજીબી) ના સ્થાને ગોલ્ડ સેવિંગ્સ એકાઉન્ટ શરૂ કરવાનું સૂચન પણ કમિટી દ્વારા કરવામાં આવ્યું છે. જોકે, એસજીબીની તમામ શરતો અનો જોગવાઇઓ જાળવી રાખવાની ભલામણ પણ કરવામાં આવી છે. કમિટી દ્વારા સૌથી અગત્યની ભલામણ દેશમાં ગોલ્ડ કાઉન્સિલ સ્થાપવાને લગતી છે. એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલની જેમ જ આ અગાઉ કાઉન્સિલ સ્થાપવામાં આવે અને તેની કામગીરી જોઇન્ટ સેક્રેટરી સ્તરના અધિકારીને સોંપવામાં આવે.

;