શાસ્ત્રોમાં હોળાષ્ટક દરમ્યાન આ કાર્યો પર છે નિષેધ, જાણો વિગતે - Sandesh
  • Home
  • Astrology
  • શાસ્ત્રોમાં હોળાષ્ટક દરમ્યાન આ કાર્યો પર છે નિષેધ, જાણો વિગતે

શાસ્ત્રોમાં હોળાષ્ટક દરમ્યાન આ કાર્યો પર છે નિષેધ, જાણો વિગતે

 | 1:07 pm IST

ભારતીય મુહૂર્ત વિજ્ઞાન અને જ્યોતિષ શાસ્ત્રમાં પ્રત્યેક કાર્ય માટે શુભ મુહૂર્તો શોધી પછી જ કરવામાં સહમતી આપે છે. કોઈપણ કાર્ય શુભ મુહૂર્તમાં કરવામાં આવે છે, તો તે ઉત્તમ ફળ આપે છે. આ ધર્મધુરાથી ભારતીય ભૂમિમાં પ્રત્યેક કાર્યને સુસંસ્કૃત સયમમાં કરવામાં આવે છે. એટલે કે એવો સમય જે તે કાર્યની પૂર્ણતા માટે સુસજ્જ હોય.

આ પ્રકારે દરેક કાર્યની દ્રષ્ટિથી તેમનાં શુભ સમયનો નિર્ધાર કરવામાં આવ્યો છે. જેમ કે, ગર્ભાધાન, વિવાહ, પુંસન, નામકરણ, ચૂડાકરણ, વિદ્યારંભ, ગૃહ પ્રવેશ તેમજ નિર્માણ, ગૃહશાંતિ, ગ્રહશાંતિ, હવનયજ્ઞા કર્મ, સ્નાન, તેલમર્દન વગેરે કાર્યને સુનિશ્ચિત સમય આપવામાં આવ્યો છે. આ પ્રકારથી ‘હોળાષ્ટક’ ને જ્યોતિષની દ્રષ્ટિએ એક દોષ માનવામાં આવે છે, જેમાં વિવાહ, ગર્ભધાન, ગૃહ પ્રવેશ, નિર્માણ વગેરે જેવાં શુભકાર્યો વર્જીત છે.

‘હોળાષ્ટક’નો શાબ્દિક અર્થ છે. હોળા+અષ્ટક અર્થાત્ હોળીનાં પહેલાનાં આઠ દિવસ કહેવાય છે. મુખ્યત્વે હોળી એક દિવસનું પર્વ નહીં પણ પૂરા નવ દિવસનું પર્વ છે. જે ચૈત્ર માસની કૃષ્ણપક્ષની પ્રતિષ્ઠા જેને ‘કુલંકી’ કહેવામાં આવે છે. તે દિવસે રંગ અને ગુલાલ રમવાની સાથે સમાપ્ત થાય છે.

જયોતિષ શાસ્ત્રમાં હોળાષ્ટકનાં દિવસોમાં કરવામાં આવેલા કાર્યોથી કષ્ટ, અનેક પીડાની આશંકા રહે છે તથા વિવાહ સંબંધમાં સંબંધ વિચ્છેદ તથા કલેશના શિકાર થાય છે અથવા અકાળ મૃત્યુ અથવા લાંબી બીમારી થવાની આશંકા વધી જાય છે. માટે હોળાષ્ટક દોષમાં સંક્રાંતિ, ગ્રહણકાળ વગેરેમાં શુભવિવાહ કાર્યોને ર્વિજત કરવામાં આવ્યા છે.

આ સંબંધમાં પૌરાણિક માન્યતા અનુસાર શિવજીની તપસ્યા ભંગ કરવા કામદેવ દ્વારા કરવામાં આવેલા પ્રયાસો માટે અષ્ટમી વિધિ ઉપર ભસ્મ કર્યા હતા. કામદેવ પ્રેમના દેવતા છે. આના ભસ્મ થવાના કારણે સૃષ્ટિમાં શોકની લહેર ફેલાઈ ગઈ. જ્યારે કામદેવની પત્ની રતિ દ્વારા ભગવાન શિવ પાસે ક્ષમાયાચના કરવામાં આવી ત્યારે શિવજીએ કામદેવને પુર્નજીવિત કરવાનું વચન આપ્યું. ત્યારબાદ લોકોમાં ખુશી આવી. તેથી કહેવાય છે કે વાસનાત્મક આકર્ષણનાં પ્રતીકાત્મક રૂપને જલાવીને પોતાનાં સાચા પ્રેમનાં વિજય ઉત્સવને મનાવવાનું પર્વ હોળી છે.

આ ઉપરાંત આ નવ દિવસોમાં નવગ્રહો પણ પોતાની ચરણસીમા ઉપર હોય છે. શાસ્ત્રો અનુસાર આઠમે ચંદ્ર, નવમીએ સૂર્ય, દશમીએ શનિ, એકાદશી એ શુક્ર, દ્વાદશીએ ગુરુ, જેવોદશીએ બુધ, ચર્તુદશીએ મંગલ તથા પૂર્ણિમાએ શુક્ર ઉગ્ર રૂપમાં હોય છે.

માટે પૂર્ણિમાનાં આઠ દિવસ પહેલાં જ મનુષ્યનું હૃદય અને મન અનેક પ્રકારની આશંકાઓથી ઘેરાયેલું રહે છે. જેનું કારણ આ આઠગ્રહોની નકારાત્મક શક્તિ એકમનાં દિવસે ક્ષીણ થવાથી બધા જ લોકો રંગ, ગુલાલ વગેરે રમીને સંતોષ અને પ્રસન્નતા પ્રર્દિશત કરે છે.

આ જ બધા કારણોસર હોળાષ્ટકની અવધિમાં હિંદુ સંસ્કૃતિમાં ઘણાં સંસ્કારો અને શુભકાર્યોમાં રોક લગાવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર જે ક્ષેત્રમાં હોલિકાદહન માટે કુંડો સ્થાપિત થાય છે, તે ક્ષેત્રમાં આઠ દિવસ સુધી શુભકાર્ય થતું નથી. પરંતુ આ સમયમાં જન્મ અને મૃત્યુ પછી કરવામાં આવતાં કાર્ય ઉપર નિષેધ નથી.

આ ૨૦૧૯નાં વર્ષમાં ૧૪ માર્ચથી હોળાષ્ટક શરૂ થઈ ૨૧ માર્ચ સુધી રહેશે. આ વર્ષે એકમનો ક્ષય છે. બુધવારે ૨૦ માર્ચે હોલિકા દહન કરવામાં આવશે.

હોલિકા પૂજન કરવા માટે હોળાષ્ટકના દિવસે ૨ કુંડ સ્થાપિત કરવામાં આવે છે. જેમાં એકને હોલિકા તથા બીજાને પ્રહલાદ માનવામાં આવે છે. આ ડંડા સ્થાપિત કરવા માટે મોહલ્લાનાં ચાર રસ્તા ઉપર ગંગાજળથી શુદ્ધ કરી છાણાં, લાકડાં, ઘાસ નાખી સજાવે છે. વર્ષ ૨૦૧૯માં હોલિકા દહનનું શુભમુહૂર્ત બુધવારે સાંજે ૮:૫૭થી રાત્રે ૧૨:૧૩ સુધી એટલે કે ત્રણ કલાક ૧૫ મિનિટનું છે.

હોલિકા દહન શુભ મુહૂર્તમાં, ભદ્રારહિત, પ્રદોષ ભાવિની પૂર્ણિમાએ કરવામાં ઉત્તમ ફળ પ્રદાન કરે છે. આનાથી તે ક્ષેત્રમાં રહેતાં લોકોને સુખ-સમૃદ્ધિ પરિવારમાં પ્રેમ, યશ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને દેવતાઓનાં શુભ આશીર્વાદ પ્રાપ્ત થાય છે, શાસ્ત્રોનુસાર ક્ષેત્રનાં રહેવાસી ઉન્નતિ કરે છે અને તેમને શ્રેષ્ઠ લાભની પ્રાપ્તિ થાય છે.

બધા તહેવારોની જેમ હોળાષ્ટક દોષ પર્વ બાદ હોલિકા દહન સમયે મનુષ્ય આ પર્વમાં કરેલા ઉપાયો દ્વારા શીઘ્રલાભ મેળવી શકે છે. માન્યતા છે કે, આ દિવસે કરવામાં આવેલા ઉપાયો શીઘ્રફળ આપે છે. અહીં હોળાષ્ટકનાં દોષ બાદ હોલિકા દહનનાં દિવસે કરવામાં આવતા કેટલાક ખાસ ઉપાય આ પ્રમાણે છેઃ જે જીવનમાં લાભદાયી નીવડશે.

– હોલિકા દહનનાં રાત્રે ઘરનાં મુખ્ય વ્યક્તિએ હોલિકામાં ઘીમાં પલાળેલા બે લવિંગ, ૧ પતાસું અને ૧ પાનનું પત્તું જરૂરથી પધરાવવું ત્યારબાદ હોલિકાની ૩ પરિક્રમા કરી ૧ નારિયેળની આહુતિ આપવી. આ કાર્યથી ઘરમાં રહેલી પરેશાનીથી મુક્તિ મળે છે અને રોકાયેલાં કાર્યનાં રસ્તા ખૂલી જાય છે.

– હોલિકા દહનની રાત્રિએ ૧૨ વાગ્યા બાદ પીપળા નીચે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ તથા હાથમાં સફેદ તલ લઈ પીપળાની સાત પરિક્રમા કરી ધીરેધીરે આ તલને નીચે પડતાં જવાં દેવા ત્યારબાદ પીપળાને અડયા વગર પ્રણામ કરીને પાછળ જોયા વગર ઘરે આવી જવું. આ કાર્યથી શીઘ્રાતીશીઘ્ર મનોકામનાઓ પૂર્ણ થાય છે.

– હોળાષ્ટક દરમિયાન જેમ સૂર્ય અને ચંદ્ર ગ્રહણ દરમિયાન ગર્ભવતી સ્ત્રીઓએ ઘરની બહાર નીકળવાની મનાઈ છે તેમ આ દિવસો દરમિયાન પણ નદી-નાળા ઓળંગવા, પાર કરવાની મનાઈ છે. જેટલું સાવધાન રહીએ તેટલું સારું.

હોળાષ્ટકનાં દિવસોમાં દાન અને પુણ્ય અવશ્ય કરવું. જે પોતાની ઈચ્છા શક્તિ અનુસાર કરવું. આ ૮ દિવસોમાં ગ્રહો પોતાની જગ્યા બદલતાં હોવાથી દાન-પુણ્ય કરવાથી મન શાંત અને સ્વસ્થ રહે છે.

  • ડો.મૌલી રાવલ – પ્રાસંગિક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન