શુભ કાર્યોમાં નિષેધ ધનાર્ક કમૂરતા અને આધ્યાત્મિક પ્રગતિનો શુભ અવસર - Sandesh
NIFTY 10,987.15 -31.75  |  SENSEX 36,513.46 +-28.17  |  USD 68.6600 +0.14
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nakshatra
  • શુભ કાર્યોમાં નિષેધ ધનાર્ક કમૂરતા અને આધ્યાત્મિક પ્રગતિનો શુભ અવસર

શુભ કાર્યોમાં નિષેધ ધનાર્ક કમૂરતા અને આધ્યાત્મિક પ્રગતિનો શુભ અવસર

 | 3:27 am IST

‘ધર્મ’નો વિષય ગહન છે તેમજ હિંદુ ધર્મ સહિત સર્વધર્મમાં મુહૂર્તનો ઉપયોગ વધારે થાય છે. લોકો દિનચર્યામાં યાત્રા ઉપર જવા માટે, વિવાહ માટે, ગૃહ નિર્માણ માટે, ગૃહ પ્રવેશ માટે, બધા માટે શુભ ઘડી જોવાય છે. ભલે અંધવિશ્વાસ કહેવાય, પરંતુ વૈજ્ઞાાનિક પ્રયોગો દ્વારા સાબિત થયું છે કે, દિવસના ૨૪ કલાકોમાં કેટલીક ઘડી અને પળ એવી હોય છે. જેમાં સકારાત્મક ઊર્જાનું પ્રમાણ વધારે હોવાથી કામ સફળ થવાની સંભાવના વધી જાય છે.

૧૫ ડિસેમ્બરથી સાંજે સૂર્ય ધનુ રાશિમાં પ્રવેશ કરે છે. જેને ‘ધનારક’ તરીકે ઓળખીએ છીએ. આ ‘ધનારક’માં વિદ્વાનો અને જયોતિષીઓ આ ૧ મહિનામાં એટલે ૧૪ જાન્યુઆરી ‘મકર સંક્રાંતિ’ સુધી ચાલતા યોગમાં શુભ કાર્યોનો નિષેધ કરેલ છે. જેવાં કે, લગ્ન-વિવાહ, વાસ્તુ, સગાઈ, જનોઈ બદલવી જેવાં વગેરે શુભકાર્યો પર રોક લાગે છે અને તે મકરસંક્રાંતિ બાદ સારા મુહૂર્તમાં શરૃ થાય છે. આ સમયમાં ધાર્મિક કાર્યોમાં ભરતી આવે છે.

આ સમયમાં ભક્તિ-ઉપવાસ-કથા પારાયણ કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. સૂર્ય-ધનુ રાશિમાં પ્રવેશે છે ત્યારે આધ્યાત્મિક પ્રગતિની સંભાવના પ્રબળ બની જાય છે. સૂર્ય આત્માનો કારક છે. આત્મા નિરાકાર અને નિર્ગુણ હોવાથી તેની ઉપાસના થઈ ન શકે તેથી લોકો સૂર્યની પૂજા કરે છે.

આગળ વાત કરીએ તો ધનારકમાં ધનુ રાશિ વધારે ભાગ ભજવે છે. તેનો સ્વામી ગુરુ છે. સકારાત્મક ઊર્જા ધરાવતી રાશિ છે. માનવી જયારે પોતાનાં પ્રારબ્ધ અનુસાર અનેક પ્રકારના દુઃખો ભોગવતો હોય છે ત્યારે બળવાન શુભગ્રહ ગુરુ અને તેની શુભ દ્રષ્ટિ તેને રાહત આપે છે. આધિભૌતિક, દૈવીક અને આધ્યાત્મિક એવા ત્રણ પ્રકારના તાપથી માનવી પીડાતો હોય છે ત્યારે ગુરુની અમીદ્રષ્ટિ તેનાં અંતઃકરણનાં અગ્નિને શાંત કરે છે. આવતા એક મહિનામાં સૂર્ય ગુરુની રાશિમાં ભ્રમણ કરે છે. બંને ગ્રહોમાં પરસ્પર મૈત્રીભાવ છે. આ યોગ ધનપ્રાપ્તિ અને કીર્તિ-યશ-પ્રતિષ્ઠા માટે ઉત્તમ છે. આ સમય ધાર્મિક યાત્રાઓ કરવી, જ્ઞાાન પ્રાપ્ત કરવું, સિદ્ધિ માટે અનુષ્ઠાન કરવા, ગુરુજનોના આશીર્વાદ પ્રાપ્ત કરવા, તીર્થસ્થાનોમાં સ્નાન કરવું, વડીલોના પૂર્વજોનાં આત્માને શાંતિ આપવા માટે સૌથી શ્રેષ્ઠ છે.

આ દિવસે શુક્ર અને મંગળનો રાશિ યુતિ શ્રેષ્ઠ છે. તુલામાં ચંદ્ર, મંગળ, ગુરુ, સૂર્ય અને વૃશ્ચિકમાં બુધ, શુક્રનું ભ્રમણ છે. તેથી તુલાના શુક્રનું વૃશ્ચિકમાં અને વૃશ્ચિકના મંગળનું તુલામાં રાશિ પરિવર્તન છે. ગુરુ-માંગલ્ય યોગ, ચંદ્ર-મંગળ, લક્ષ્મીયોગ, ગુરુ, ચંદ્ર, ગજકેસરી યોગ થાય છે. સંધ્યા સમયે ચંદ્ર-સૂર્યનું અમાસ યોગ થાય છે. તો ‘બુધાદિત્ય યોગ’ પણ થાય છે. આવા રાજયોગોમાં ‘કમુરતા’ નો પ્રારંભ થઈ રહ્યો છે.

કોઈપણ મંત્રની સિદ્ધિ-અનુષ્ઠાન માટે આ દિવસ ખૂબ જ શ્રેષ્ઠત્તમ સિધ્ધકર સાબિત થશે. કારણ કે ભાગ્ય બદલવા માટે સૂર્યની જરૃર વધારે છે. સમય સૌથી વધારે બળવાન છે જેની આગળ કોઈપણ કંઈ કરી શક્તું નથી. ‘મુહૂર્ત’ શાસ્ત્ર આ માટે મનુષ્યને સાચી દિશા બતાવે છે. જેનાથી મનુષ્યને લાભકારી સમય જાણી સર્વદા સંપન્ન બની છે અને લાભ લઈ શકે છે.

આવો જાણીએ છીએ કે આ ધનુરાશિનાં અંદર સૂર્યનું ભ્રમણ બાર રાશિઓ માટે કેવું રહેશે. કારણ કે, ધનુરાશિ, નવમા ભાગ્ય ભાવને પ્રતિનિધિત્વ કરે છે. જેમાં રાજકીય, આર્થિક, દૂરંદેશી અને સામાજિક પરિબળો કેવા રહેશે તે પણ દર્શાવે છે. અહીં ચંદ્ર રાશિ અનુસાર ‘કમુરતા’માં કેવું રહેશે અને શું ઉપાયો કરવા તે પણ જણાવીશ. સૌ પ્રથમ આપણે જાણીએ કે, પોતાની કુંડળીમાં ધનુરાશિ કયા ભાવમાં બિરાજમાન છે તે જોઈ લેવું અને તે ઉત્તમ હશે તો ફળ ઉત્તમ મળશે અને ધનુરાશિમાં કયા ગ્રહો છે તે પણ જોવું. મનુષ્ય જન્મજન્માંતરનાં પુણ્યપાપ પ્રમાણે ફળ પામે છે. રાશિ અનુસાર સૂર્યનું આ ગોચર વિભિન્ન રાશિઓ પર નીચે પ્રમાણે પ્રભાવ આપશે.

મેષ રાશિ

સૂર્ય આ સમયે આપના નવમા ભાવમાં ભ્રમણ કરશે. જે અત્યંત શુભ રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે. લાંબા સમય સુધી જે કામ રોકાયેલું હશે તેમાં સફળતા મળશે. ધર્મમાં રુચિ વધશે. આ સમયમાં માતા-પિતાનું અને વડીલોનું અપમાન કરવું નહીં. અપશબ્દો બોલવા નહીં. નહીં તો ખરાબ પરિણામ ભોગવવા પડશે.

વૃષભ રાશિ

આ ગોચર દરમિયાન સૂર્ય તમારી રાશિમાં ૮માં ભાવમાં રહેશે. આ સમય આપને સારું ફળ આપનારો રહેશે. પારિવારિક જીવનમાં ઉતાર-ચઢાવ જોવા મળશે. મહેનત જેટલી કરશો તેટલું જ ફળ મળશે. આ સમય દરમિયાન ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું અને વિવાદોથી બચવું. વાહન દુર્ઘટનાનો યોગ બની રહ્યો છે. પોતાનું અને માતા-પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન ખાસ રાખવું.

મિથુન રાશિ

સૂર્ય આપની રાશિમાં ૭માં ભાવમાં રહેશે. આ પરિસ્થિતિ આપના માટે શુભ કહી શકાય તેવી નથી. પરિવારમાં અશાંતિ અને કંકાસનો સામનો કરવો પડશે. જયાં નોકરી કે ધંધાનું ક્ષેત્ર હોય ત્યાં પણ વિવાદો કે મુશ્કેલીમાં ન ઘેરાવો તેનો સંભવ પ્રયાસ કરશો.

કર્ક રાશિ

સૂર્ય તમારી રાશિમાં ઠંડા ભાવમાં રહેશે. આ સમય આપને મિશ્ર ફળ પ્રદાન કરશે. ભાગ્યમાં રુકાવટ આવશે. મહેનતનું પૂર્ણફળ મળશે. દેવું ન કરવું પડે તેનું ધ્યાન રાખશો.- નુકસાન થશે. પેટ સંબંધી મુશ્કેલી થઈ શકે છે. નોકરી અને વ્યવસાયમાં પોતાનાં કાર્યોની પ્રસંશા થવાથી મન પ્રસન્ન થશે.

સિંહ રાશિ

સૂર્ય તમારી રાશિમાં પાંચમાં ભાવમાં રહેશે જે આપને જીવનસાથી કે પ્રેમ સંબંધી મુશ્કેલી ઊભી કરશે. માનસિક અશાંતિ થઈ શકે છે. ઉતાવળમાંકોઈપણ નિર્ણય લેવો નહીં. કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીમાં સચેત રહેવું.

કન્યા રાશિ

સૂર્ય તમારી રાશિમાં ચોથા ભાવમાં આવશે. વૈવાહિક જીવનમાં પરેશાની આવશે. જીવનસાથી સાથે મતભેદ, વાદ-વિવાદ થશે. માટે સાવધાન રહેવું. નોકરી-વ્યવસાયમાં ઉન્નતિનો સમય છે. લાંબીયાત્રા ઉપર જઈ શકશો.

તુલા રાશિ

આ ગોચરમાં સૂર્ય તમારી રાશિમાં ત્રીજા ભાવમાં ભ્રમણ કરશે. આ સમય આપના માટે અત્યંત શુભ છે તમને બધા ક્ષેત્રમાં સફળતા મળશે. અત્યારે કરેલી મહેનત ઊગી નીકળશે. પ્રતિષ્ઠા-માન વધશે. મહેનતથી પાછળ ન હટવું. નહિ તો પરિણામ ખરાબ આવી શકે છે. વાણી ઉપર કાબૂ રાખવો.

વૃશ્ચિક રાશિ

આ ગોચરમાં સૂર્ય તમારી રાશિમાં બીજા ભાવમાં ભ્રમણ કરશે. આ સમય દરમિયાન આપને આર્થિક ધનલાભના શુભ યોગ બની રહ્યા છે. પારિવારિક જીવન થોડું તનાવપૂર્ણ થઈ શકે છે. પિતા સાથેના સંબંધમાં સુધારો થશે, પરંતુ પ્રોપર્ટી અને શેરમાર્કેટમાં પૈસા રોકવામાં નુકસાન છે. આંખોનું ખાસ ધ્યાન રાખવું.

ધન રાશિ

સૂર્ય આપની રાશિમાં જ ભ્રમણ કરી રહ્યા છે જે પ્રથમ ભાવ છે. આ સમય દરમિયાન આપને નોકરી વ્યવસાયમાં સમ્માન અને લાભ પ્રાપ્ત થશે. પ્રમોશનની સંભાવના વધી જશે. કરેલી મહેનત દેખાશે. આપના અહંકાર ઉપર કાબૂ રાખવો. પારિવારિક સંબંધોમાં સુધાર આવશે, પરંતુ સાથી સાથે ઉચાટ રહેશે.

મકર રાશિ

આપની રાશિમાં સૂર્ય ૧૨મા ભાવમાંથી ભ્રમણ કરશે. આ સમય દરમિયાન આપનાં શત્રુ પરાજિત થશે. અચાનક યાત્રાના યોગ બનશે. ખોટા ખર્ચામાં ધ્યાન રાખવું. આર્થિક બાબતોમાં સમજી- વિચારીને નિર્ણય કરવો અને જીવનસાથી સાથે ખૂબસૂરત પળો પ્રેમથી માણી શકશો.

કુંભ રાશિ

સૂર્ય આપની રાશિમાં ૧૧મા ભાવમાં ભ્રમણ કરશે. જે આપને દરેક પ્રકારે શુભ ફળ આપવાવાળું હશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે અને ધનલાભ થશે. પોતાનાં કાર્યક્ષેત્રમાં અધિકારીઓ સાથે સારા સંબંધો થશે. જેનો આપને લાભ મળશે. પરિવારમાં કોઈ માંગલિક-ધાર્મિક કાર્ય થશે.

મીન રાશિ

સૂર્ય આપની રાશિમાં ૧૦મા ભાવમાં ભ્રમણ કરશે. આ સમય આપને માટે મિશ્રફળ પ્રદાન કરવાવાળો હશે. આપના કાર્યક્ષેત્રમાં આપને સફળતા અને શુભફળદાયક રહેશે. પારિવારિક જીવનમાં વિવાદ માનસિક અશાંતિ પેદા કરી શકે છે. ધ્યાન રાખવું. પ્રમોશનની સંભાવના છે. સ્વાસ્થ્ય માટે સંભાળવું.

આ ચંદ્ર રાશિ ઉપરથી આવેલ ફળકથનમાં આ દરમિયાન શનિ મહારાજ પણ આ રાશિમાં બિરાજમાન છે. તેમાં સૂર્ય + શનિ = વિસ્ફોટક દોષ બનાવે છે, પરંતુ પોતાની કુંડલીમાં જે ભાવમાં ધનુ રાશિ હોય અને તેમાં કયા ગ્રહ બિરાજમાન છે તે ધ્યાનમાં લેવું. મેષ, સિંહ અને ધનુ રાશિવાળા લોકો સૂર્યનું સ્વાગત ખૂબ પ્રસન્નતાથી કરવું.

આપ આ ધનારકમાં સૂર્યની ઉપાસના કરી પોતાનાં કર્મ દ્વારા યશ, પ્રતિષ્ઠા મેળવી શકો છો. આત્મવિશ્વાસથી ભરપૂર, ઊર્જાવાન, ધર્મ, કર્મ, ધન, રાજકીય પ્રસિદ્ધિ સૂર્ય ઉપાસના કરવી. જેમાં-

૧. દરરોજ સ્નાન કર્યા બાદ સૂર્યોદય સમયે તાંબાનાં કળશમાં લાલ ચંદન મેળવી અર્ધ્ય આપવો. તેનાથી અપયશ દૂર થશે અને પ્રસિદ્ધિ મળશે.

૨. “ૐ ધૃણિ સૂર્યાય નમઃ” નો જાપ કરવો.

૩. “આદિત્યહૃદય સ્તોત્ર” નો પાઠ કરવો.

૪.”સૂર્ય કવચ” કરવું.

૫. “ૐ આદિત્યાય નમઃ” નો જાપ કરવો.

આ ધનારક કમુરતામાં મનુષ્યને પોતાની આંતરિક વાસનાઓ પર વિજય મેળવીને આધ્યાત્મિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે. જીવનનું પરિવર્તન થઈ શકે છે. મુશ્કેલીનો સામનો કરવાની તાકાત આ સમયમાં મેળવી શકાય છે. આત્મવિશ્વાસને દૃઢ કરવાનો અવસર એટલે ‘કમૂહૂર્તા.’ આપણી હિંદુ સંસ્કૃતિમાં આ અચરજ છે અને જીવનને સુશોભિત કરવાનો ઉપાય પણ છે, પરંતુ નવા માણસનો જીવનમાં પ્રવેશ, નવું ઘર,નવું વાહન લેવાની સખ્ત મનાઈ છે. જે છે તેને સંભાળી જે ખૂટે છે તેમાં નવીન કરવાની હા છે.

તો વાચકમિત્રો આ એક મહિનાનાં ધનારક-કમુરતામાં આપ પોતાનાં આરાધ્ય દેવી-દેવતા અને ઈષ્ટદેવની આરાધના કરવી.

– ડો.મૌલી રાવલ.