રાજ્યના ખેડૂતો માટે ખુશખબર, ખેતરમાં તારની વાડ કરવા હવે 5 હેક્ટરના ક્લસ્ટરમાં સહાય મળશે

ભૂંડ, રોઝ જેવા પ્રાણીઓથી પાકને બચાવવા ખેતરમાં ફરતે કાંટાળી તારની વાડ ઉભી કરવાની યોજનામાં સરકારે ૧૦ હેક્ટરના ક્લસ્ટરની મર્યાદા ઘટાડીને પાંચ હેક્ટરના ક્લસ્ટર કરી છે. આ ફેરફારથી ખેડૂતોની અરજીઓનો ઝડપથી નિકાલ આવશે. શનિવારે સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના હેઠળ એક કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ વર્ષે પણ ટેકાના ભાવે ખરીદી ખેડૂતના છેલ્લા દાણા સુધી થશે એમ કહ્યું હતુ.
જે કહ્યુ તે કરવુના સિધ્ધાંતે બજેટમાં કરેલી યોજનાઓની જાહેરાતોનો ત્વરિત અમલ કર્યાનું કહેતા મુખ્યમંત્રી રૂપાણીએ સાત પગલાં ખેડૂત કલ્યાણનામાં વધુ ત્રણ યોજનાઓનો આરંભ કરાવ્યો હતો. નાયબ મુખ્યમંત્રી, મંત્રી મંડળના સભ્યો અને પદાધિકારીઓ સાથે જિલ્લા- તાલુકા સ્તરે યોજાયેલા કાર્યક્રમને વિડીયો કોન્ફરન્સથી સંબોધતા મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યુ કે, અગાઉ ખેડૂતોને ગોડાઉન બાંધવા અને જણસીઓ બજારમાં પહોંચાડવા વાહન ખરીદી માટે સહાય આપી છે. ત્યાર બાદ ગાય આધારિત ખેતી માટે ગાયદીઠ મહિને રૂ.૯૦૦ સહાય એમ ત્રણ કૂલ ત્રણ પગલા બાદ વધુ ત્રણ પગલાનો શનિવારથી આરંભ થઈ રહ્યો છે. જેમાં નાના વેપારીઓ કે જેઓ છુટક શાકભાજી, ફળફળાજી વેચીને કમાણી કરે છે તેમને શાક-ફળ બગડે નહી તેના માટે વિનામૂલ્યે છત્રી આપવાના છીએ. શાક-ફળને તડકો કે વરસાદ ન નડે તે માટે ૭૦ હજાર ફેરિયાઓને રૂપિયા ૧૦ કરોડની છત્રીઓ વિનામૂલ્યે વિતરણ કરાશે.
ખેતરોમાં ઉભા પાકને બચાવવા કાંટાળી તારની વાડની યોજનામાં ક્લસ્ટરનું પ્રમાણ ઘટાડવા ઉપરાંત સરકારે સબસીડીની રકમમાં પણ રૂ.૧૫૦થી વધારીને રૂ.૨૦૦ કર્યો છે. જ્યારે નાના સિમાંત ખેડૂતોને ઓછી મહેનતે વધુ પાક મળે તે માટે સ્માર્ટ હેન્ડ ટૂલ કિટમાં અદ્યતન સાધનોનું પણ વિતરણ કરવામાં આવનાર છે. જેનો લાભ ૨૦ હજાર જેટલા ખેડૂતોને મળશે. તેના માટે બજેટમાં રૂ.૨૨ કરોડની જોગવાઈ છે.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ વિધાનસભામાં જાહેર કરેલુ રૂ.૩૭૦૦ કરોડનું પાક નુકશાની સહાયના પેકેજ અને APMC એક્ટમાં કરેલા સુધાર સંદર્ભે ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન