સારા શિક્ષકો પેદા કરવામાં સરકાર નિષ્ક્રિય - Sandesh
NIFTY 10,491.05 +108.35  |  SENSEX 34,142.15 +322.65  |  USD 64.7300 -0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • સારા શિક્ષકો પેદા કરવામાં સરકાર નિષ્ક્રિય

સારા શિક્ષકો પેદા કરવામાં સરકાર નિષ્ક્રિય

 | 5:12 am IST

કેળવણીના કિનારે :-  ડો. અશોક પટેલ

બે માસ પૂર્વે બી.એડ્.ની એક કોલેજમાં તાલીમાર્થીઓના વાયવા લેવા જવાનું થયું. વાયવામાં અમારે માત્ર ઈન્ટર્નશિપ, ટીએલએમ, ક્રિયાત્મક સંશોધન અને યોગા- સ્પોર્ટ્સ ગદ્ય સમીક્ષા, નકશા કે પ્રયોગપોથી વિશે જ મૂલ્યાંકન કરવાનું હતું. આ બાબતે અમે પ્રશ્નો પૂછયા. તો મોટાભાગના વિદ્યાર્થીઓએ ઈન્ટર્નશિપ યોગ્ય રીતે કરી નહોતી, વિદ્યાર્થીઓ શાળામાં બિલકુલ ગયા ન હતા. અરે જે બિલ્ડિંગમાં કોલેજ ચાલે છે તે જ બિલ્ડિંગમાં આવેલી શાળામાં જે વિદ્યાર્થીઓ ગયા હતા તેમણે જણાવેલ કે, અમને અહીંથી ઈન્ટર્નશિપની મંજૂરી મળેલી, અમને જ્યારે ફોન કરે ત્યારે અમુક દિવસે અમને બોલાવતા. આવું અન્ય વિદ્યાર્થીઓએ પણ જણાવેલ. શું કોલેજે આ રીતે ઈન્ટર્નશિપ કરાવાય? શું આ કોલેજ નથી જાણતી કે ઈન્ટર્નશિપ શા માટે કરાવવામાં આવે છે?

મોટાભાગના વિદ્યાર્થીએ જણાવેલ કે, તેઓએ પોતાની અનુકૂળતા મુજબની શાળા પસંદ કરી છે, પછી ભલેને તે તેમના રહેઠાણથી ખૂબ જ દૂર જ કેમ ના હોય. એક વિદ્યાર્થી સુરતનો વતની, અમદાવાદમાં બી.એડ્. કરે અને ઈન્ટર્નશિપ કરી છોટાઉદેપુરથી! એક બહેનનું પિયર સુરત, સાસરી અમદાવાદમાં અને ઈન્ટર્નશિપ વળી બીજા જ શહેરમાં, અમદાવાદમાં સરખેજમાં રહેતો વિદ્યાર્થી બાપુનગરમાં ઇન્ટર્નશિપ કરવા કેમ જાય. શું નજીકમાં શાળા નથી હોતી? સુરત કે સૌરાષ્ટ્રના વિદ્યાર્થી અમદાવાદમાં બી.એડ્. કરવા કેમ આવતા હશે ? એમના જિલ્લામાં ઘણી બી.એડ્. કોલેજ છે.

ઈન્ટર્નશિપ દરમિયાન ક્રિયાત્મક સંશોધન કરવાનું હોય છે. તો ક્રિયાત્મક સંશોધન એટલે શું અને શા માટે તે મોટાભાગના વિદ્યાર્થીને ખ્યાલ નહતો. ઉત્ક્લ્પનાઓ બાંધવી પડે તે પણ ખબર નહતી. સમસ્યા પસંદગીનો ખ્યાલ નહતો. સમસ્યા જે હોય તેના કરતા ઉપાયો જુદા જ સૂચવ્યા હોય. વગેરે. એક વિદ્યાર્થીએ તો ત્યાં સુધી જણાવેલ કે, ક્રિયાત્મક સંશોધન વિષે અમારી પાસે કોઈ માહિતી નથી, અમે એકબીજાને પૂછીને કે બીજામાંથી કોપી કરીને લખ્યું છે.

આવું કામ જોઈને અમને લાગ્યું કે, તાલીમ કેવી લીધી છે કે અપાય છે તે અંગે પ્રશ્નો પૂછીએ. અમે પ્રશ્નો કર્યા કે, માઈક્રોટીચિંગમાં કેટલા લેસન આપેલ, સિમ્યુલેશનમાં કઈ પદ્ધતિથી પાઠ આપ્યા હતા? સ્ટ્રે લેસન કેટલા આપેલા, બ્લોક ટીચિંગમાં કયાં ગયા હતા? દુઃખ એ બાબતનું થયું કે, એક પણ વિદ્યાર્થીને ખ્યાલ નહતો કે, માઈક્રોટીચિંગ કે સિમ્યુલેશન કે સ્ટ્રે લેસન કે બ્લોક ટીચિંગ એટલે શું ? આ વિદ્યાર્થીઓએ ઇન્ટર્નશિપ એક પણ લેસન આપેલ નથી ! અમારી મજબૂરી એ હતી કે, અમારે તો માત્ર ઉપર જણાવેલ બાબતો જ જોવાની હતી. તે સિવાય નહીં.

ઉપરોક્ત રીતે બી.એડ્.ની તાલીમ અપાતી હોય તેવી આ એક માત્ર કોલેજ નથી. ગુજરાતમાં આ રીતે અનેક કોલેજો કામ કરે છે, કે જ્યાં વિદ્યાર્થી માત્ર ફી ભરવા જાય છે અને યુનિવર્સિટીની પરીક્ષા આપવા જાય છે. કોલેજમાં તાલીમ લેવા જતા જ નથી. આવી કોલેજો સ્ટાફ પણ નથી રાખતી. શા માટે સ્ટાફ રાખે. તાલીમ તો આપવાની નથી. આ કોલેજો દ્વારા પેદા થતાં શિક્ષકોમાં કેવી ગુણવત્તા હશે ? સરકાર અને યુનિવર્સિટી આવા શિક્ષકો શા માટે પેદા કરવા દે છે. એનાથી યુનિવર્સિટી કે સરકારને કોઈ જ ફાયદો નથી. હા. નુકસાન થાય છે તો તે સમાજને થાય છે. ભવિષ્યમાં આવા શિક્ષકો ભારતનું ભાવી વર્ગખંડમાં ઘડશે! દુઃખ એ વાતનું છે કે આ વાત યુનિવર્સિટી અને સરકાર બંને જાણે છે, છતાં યુનિવર્સિટી અને સરકાર આવું ચલાવી લે છે! વધારે તો દુઃખ એ છે કે, આવું રાતોરાત નથી બન્યું. જ્યારથી બી.એડ્.માં સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને મંજૂરી આપવામાં આવી તે દિવસથી આવું ચાલે છે. હા, કેટલીક ખૂબ જ ઓછા પ્રમાણમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજો ખૂબ જ સુંદર કામ કરી રહી છે, પણ મોટાભાગની કોલેજોને માત્ર ફી લઈને પૈસા કમાવામાં જ રસ છે. ત્યારે આવી કોલેજોના સંચાલકોને કહેવાનું મન થાય કે, ભાઈ, પૈસા જ કમાવા હોય તો તેના અનેક રસ્તા અને ક્ષેત્રો છે. મહેરબાની કરીને શિક્ષણના વ્યવસાયને તો અભડાવશો નહીં. એમાં પણ તમે ભલે પૈસા કમાતા હશો પણ તમે સમાજનું કેટલું મોટું નુકસાન કરી રહ્યા છો એ તો વિચારો. હકીકતમાં આવા સંચાલકો સૌથી મોટા ચોર અને ગુનેગાર છે. તમને લાજ શરમ જેવું હોય તો આ ગોરખધંધો બંધ કરે. છતાં ન કરે તો સમજવાનું કે ચોરને લાજશરમ જેવું ના હોય. અને હા, આ સંચાલકો આવું ના વિચારે તો યુનિવર્સિટી અને સરકારે તો વિચારવું જોઈએ ને? પણ આ બાબતે સરકાર નિષ્ક્રિય છે અને યુનિવર્સિટી બેજવાબદાર. માત્ર વિચારવાથી નહીં ચાલે, વિચારો અને સમાજ તેમજ શિક્ષણના હિતમાં આવી કોલેજો શોધી કાઢો, તાત્કાલિક ધોરણે દંડ સાથે બંધ કરવો. દંડ પણ એવો કરો કે જે જોઈને કે સંભાળીને અન્ય વ્યક્તિ પૈસા કમાવા માટે આવું નિમ્ન પ્રકારનું કામ કરીને શિક્ષકો પેદા ના કરે. સરકાર શિક્ષણમાં એક બાજુ ગુણવત્તા વધારવાની વાતો કરે છે અને બીજી બાજુ સમાજમાં આવા શિક્ષકોને પેદા કરવા દે છે. શું આ રીતે ગુણવત્તા આવશે ?

ઉપરોક્ત રીતે કશી જ તાલીમ નહીં આપીને શિક્ષક બનાવવા માટેની કોલેજ કે હાટડી ખોલીને બેઠેલા કેટલું મોટું પાપ કરી રહ્યા છે. ભગવાન તેને ક્યારેય માફ નહીં કરે. વળી આવા સંચાલકો સમાજમાં લુખ્ખા ઊંચો કોલર રાખીને ફરતા હોય છે તેમ ગૌરવથી ફરે છે. યુનિવર્સિટી અને સરકાર જાણતી હોવા છતાં તેઓ ધાર્યું કરે જાય છે અને ફરે પણ જાય છે, આનાથી મોટી કરુણા સમાજ માટે કઈ હોઈ શકે? સરકાર અને યુનિવર્સિટીને ભવિષ્યના સમાજની કોઈ જ ચિંતા નથી? હા..આજથી બે વર્ષ પહેલાં ઉચ્ચ શિક્ષણ કમિશનરે એક પરિપત્ર બહાર પાડેલો, પણ તે પરિપત્ર બહાર પાડીને એ લોકો જ ભૂલી ગયા કે અમે આવો પરિપત્ર બહાર પાડયો છે. બીજી બાજુ આ પરિપત્રનો અમલ કરવાની જવાબદારી યુનિવર્સિટીની હતી, પણ યુનિવર્સિટીએ તો એ પરિપત્ર ફાડીને કદાચ ફેંકી દીધો હશે. માટે તો કોઈ પગલાં તો ના લીધા પણ કોઈ તપાસ પણ ના કરી. તપાસ કરે તો પગલાં લેવા પડે ને?

એક મિત્રએ દલીલ કરી કે, તાલીમાર્થીઓ જાતે ઘેર બેસીને વાંચે તો છે જ ને ? તો પછી શું વાંધો છે. તેમની પાસે જ્ઞાન તો છે ને ? ત્યારે મેં તે ભાઈને જવાબ આપેલો કે, તમને તરતાં- સ્વિમિંગ કરતાં આવડે છે ? પેલા ભાઈએ કહ્યું કે, ના. મેં કહ્યું કે, વાંધો નહીં. તરવા માટેનું જ્ઞાન હું તમને આપું છું. તળાવ કે દરિયામાં પડવાનું. હાથ અને પગ હલાવવાના. બીજું કશું જ કરવાનું નહીં. માત્ર હાથ-પગ હલાવજો. હવે પડશો તળાવ કે દરિયામાં. ત્યારે તે ભાઈનો જવાબ હતો કે, ના, સાહેબ. એ તો ડૂબી જવાય. ત્યારે મેં જણાવેલ કે, ભાઈ. આપણા સમાજમાં કેટલાક સંચાલકો આપણા સમાજને, ભારતના ભાવીને, આવતી પેઢીને ડુબાડવા જ બેઠા છે. તરવા માટે માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન ના ચાલે. તે માટેનું કૌશલ્ય પણ હોવું જોઈએ. તો તે જ રીતે શિક્ષક બનવા માટે – ભણાવવા માટે માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન ના ચાલે. તે માટે એક બે નહીં અનેક કૌશલ્યો વિકસાવવા પડે. આ કૌશલ્યો વિકસાવવા માટે જ બી.એડ્. કોલેજોમાં તાલીમ આપવામાં આવે છે. આવી તાલીમ લેનાર વિદ્યાર્થી નહીં તાલીમાર્થી કહેવાય છે. અંતે સરકાર અને યુનિવર્સિટીને બે હાથ અને ત્રીજું માથું જોડી સમાજ વતી અનેક શિક્ષણપ્રેમીઓ વિનંતી છે કે, સારા શિક્ષકો પેદા કરો. માત્ર પૈસા ખાતર જે બી. એડ્. કોલેજો ચાલે છે, જ્યાં બિલકુલ તાલીમ અપાતી નથી કે તાલીમાર્થીઓ કોલેજમાં આવતા જ નથી. તેવી કોલેજો તાત્કાલિક બંધ કરાવો. જો આ નહીં કરો તો શાળાઓમાં ભૌતિક સુવિધા માટે ગમે તેટલા રૂપિયાનો ખર્ચ કરશો તો પણ તે વ્યર્થ જ નીવડવાનો છે. થોડામાં ઘણું સમજીને ચોક્કસ નિર્ણય સાથે આગળ વધશો તેવી અપેક્ષા.ષ્ઠ