ગોટબાયા શાસન : લંકામાં બહુમતીવાદ ખીલવાની ભીતિ - Sandesh
  • Home
  • Columnist
  • ગોટબાયા શાસન : લંકામાં બહુમતીવાદ ખીલવાની ભીતિ

ગોટબાયા શાસન : લંકામાં બહુમતીવાદ ખીલવાની ભીતિ

 | 1:31 am IST

ઓવર વ્યૂ

૧૬ નવેમ્બરે શ્રીલંકાની પ્રમુખકીય ચૂંટણી સંપન્ન થયાના ૧૫ દિવસ પછી દેશ બે વાસ્તવિકતાનો સામનો કરી રહ્યો છે. નવી સરકાર તેને મળેલા જંગી સમર્થન બાદ રાજકીય પકડને સંગીન કરવા પ્રયાસશીલ છે. તો બીજી તરફ રાજકીય વિરોધપક્ષનો અવાજ ક્યાંય સાંભળવા મળતો નથી. કેટલાક નાગરિકો પણ આ બાબતે ચિંતા જાહેર કરી રહ્યા છે.

ગોટબાયા રાજપક્ષેએ પ્રમુખપદ સંભાળતાં જ તેમના સમર્થકો કહેવા લાગ્યા કે દેશે આખરે સુરક્ષા, વિકાસ અને સમૃદ્ધિની દિશામાં ડગ માંડયા છે. બીજી તરફ યુએનપી પક્ષ વેરવિખેર છે. આ જ પક્ષના પ્રમુખપદના ઉમેદવાર સાજીથ પ્રેમાદાસા ચૂંટણીમાં ગોટબાયા સામે પરાજિત થયા છે. સબળ વિરોધપક્ષ બની રહ્યો હોવા છતાં આ પક્ષ નેતૃત્વના મુદ્દે અંદરોઅંદરની લડાઈમાં જ ઊતરી પડયો.

દેશના મુખ્ય બે રાજકીય પક્ષો પૈકી એકપક્ષમાં ચાલી રેલા સત્તાનાં કેન્દ્રીકરણ અને બીજા રાજકીય પક્ષની વેરવિખેર સ્થિતિએ મતદારોમાં એ વાતે ભીતિ જન્માવી છે કે વીતેલા પાંચ વર્ષમાં લોકશાહીમાં તેમણે હાંસલ કરેલું સ્થાન પણ ઝૂંટવાઈ જશે.

આ સ્થિતિમાં રાજપક્ષેના આલોચકો, ખાસ કરીને ગોટબાયા વિરુદ્ધ મતદાન કરી ચૂકેલો શ્રીલંકાનો મુસ્લિમ સમુદાય અને તામિલ લઘુમતી દેશમાં બહુમતીવાદનાં શાસનનો ભય સેવી રહ્યા છે. પ્રમુખકીય ચૂંટણી સંપન્ન થયાને પગલે દેશના પ્રમુખના જ ભાઈ મહિન્દા રાજપક્ષેના વડા પ્રધાનપદે નવા કેબિનેટપ્રધાનો સાથે વચગાળાની સરકાર શાસન ધુરા સંભાળી રહી છે, પરંતુ હકીકતે આવી રહેલી સંસદીય ચૂંટણીઓ આગામી પાંચ વર્ષ સુધી શાસન સંભાળવા માટેનું સત્તા સંતુલન નક્કી કરશે. હાલમાં જે શાસનમાં છે તે ઇચ્છશે કે મોટા બંધારણીય સુધારા કરવા તેને સંસદમાં બે તૃતીયાંશ બહુમતી મળે.  સંસદીય ચૂંટણી સંપન્ન થયા પછીનું જોખમ તે બંધારણનો ૧૩મો અને ૧૯મો સુધારો છે. તે સુધારા સત્તા ભાગીદારી અને શાસન સંભાળતી સરકાર પરના બંધારણીય નિયમન સંબંધી છે. રાજકીય જરૂરિયાતો આધારે તે બંને સુધારા ઉતાવળે અમલી બન્યા હતા અને રાજપક્ષે હવે તેમાં કોઈપણ સુધારા કરશે તો તેને દમનકારી માનવામાં આવશે.  આ બધા વચ્ચે દેશના આંતરિક યુદ્ધ પછીના દાયકાઓમાં જે તકો જતી કરાઈ તેની વિચારણા વિના જ શ્રીલંકાના રાજકીય આર્થિક તાણાવાણા ગિયર બદલી રહ્યા છે. તેમાંય વૈશ્વિક મંદી વચ્ચે દેશની વધી રહેલી આર્થિક સંકડામણો વચ્ચે નવી સરકાર જૂની નિષ્ફળતાઓમાંથી પદાર્થપાઠ લેશે? મળેલી સત્તાની મદદથી તે લાંબા સમયથી દેશ જે રાજકીય અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે તેના સમાધાન શોધવા પ્રયાસ કરશે?

આ સંદર્ભમાં માત્ર સંસદીય વિરોધપક્ષને મજબૂત કરવાના મુદ્દે જ નહીં પણ નાગરિકોનાં જીવનમાં સૈન્યની ભૂમિકા પર લગામ લગાવવા અને ન્યાયતંત્ર અને મીડિયાની સ્વાધીનતાને જાળવવા આવનારા મહિના ખૂબ જ મહત્ત્વના બની રહેશે. સત્તાના કેન્દ્રીકરણ સામેની તાકાત ઊભી કરવામાં પણ આ સમય મહત્ત્વની ભૂમિકા નિભાવશે. ચૂંટણીમાં મળેલો નિર્ણાયક વિજય નેતામાં કદાચ અજેય હોવાનો ભાવ સર્જી શકે પરંતુ તેની નવી સરકારની સ્થિરતા મહદંશે તે આર્થિક કટોકટીનો સામનો કઈ રીતે કરશે તેના પર જ રહેલો છે. આમેય ઇસ્ટર ત્રાસવાદી હુમલા પછી દેશની મહેસૂલી આવકમાં ખૂબ ઘટાડો થતાં સરકારને કરકસરનાં પગલાં લેવાની ફરજ પડતાં રાજ્ય દ્વારા થતા રોકાણો પણ ઘટી ગયા છે. શ્રીલંકાનો નીચે જઈ રહેલો આર્થિક વિકાસ દર, વધી રહેલું વિદેશી દેવું તેમજ ગ્રામીણ વિસ્તારના અર્થતંત્રની થઈ રહેલી અવગણના સરકાર માટે મોટા પડકારરૂપ બની રહેશે. પ્રમુખના અનુભવી ટેકનોક્રેટ્સ અને વડા પ્રધાન દ્વારા લેવાતા લોકપ્રિય પગલાં પણ આ સમસ્યાનો ઉકેલ નહીં આપી શકે. તો પછી નવી સરકાર સત્તાનું ધ્રુવીકરણ કઈ રીતે કરી શકશે? ટેકનોક્રેટિક કાર્યદક્ષતાના વચનના અંચળા હેઠળ પ્રમુખની સત્તા સાથેની પહેલ અને વડા પ્રધાન દ્વારા લોકપ્રિય પગલાં સાથે ચોક્કસ ઇરાદા સાથે સંસદમાં થનારી રાજકીય હિલચાલો સત્તાનું ધ્રુવીકરણ કરશે. આ બેવડી સત્તા ન્યાયતંત્ર, મીડિયા અને લોકચળવળોને શિસ્તબદ્ધ અને અક્ષમ બનાવવા પ્રયાસ કરી શકે છે. પોતાના લાંબાગાળાના રાષ્ટ્રવાદી સામાજિક બેઝ પાસે તેઓ પુનઃસ્વીકૃતિ મેળવીને સર્વેલન્સ અને દમન માટે સુરક્ષા એજન્સીઓને પુનઃ સક્રિય કરી શકે છે અને નાણાકીય ટેકા માટે ભારત, ચીન, અમેરિકા કે પછી કેપિટલ માર્કેટ જેવા કોઈક વિદેશી માધ્યમનો સહારો લઈ શકે છે. આ સંજોગોમાં શ્રીલંકામાં સંસદ, જાહેરજીવન અને સમુદાયોમાં પ્રબળ વિરોધપક્ષ ઊભો થાય તે સમયની માગ છે. જો સત્તાનાં કેન્દ્રીકરણનાં માધ્યમથી ધ્રુવીકરણ અને ભાગલા પાડી શકાય છે તો પડેલી ચિરાડોને સાંધીને વિવિધ વંશ અને ધર્મના સમુદાયોને એક તાંતણે સાંધીને તેનો પ્રતિકાર પણ થઈ શકે છે. વૈચારિક રક્ષા માટેની એક દીવાલ ઇસ્લામનો ફોબિયા ઊભો કરી રહેલાઓ સામે પણ પણ ઊભી કરવાની જરૂર છે. બહુમતી સમુદાયોમાં ઇસ્લામનો ફોબિયા ઘર કરવા લાગ્યો છે. રાજકીય રીતે વિચારવામાં આવે તો વર્તમાન સરકારના વિરોધમાં ઊભેલા સાંસદોએ ખૂબ જ જહેમતથી હાથ લાગેલી સ્વતંત્રતાને બચાવવાનો ઉપાય શોધવો પડે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન