પાકિસ્તાન સાથે ભારતનું બદલાતું વલણ, ગુપ્ત રીતે બેઠકોનો ધમધમાટ - Sandesh
  • Home
  • India
  • પાકિસ્તાન સાથે ભારતનું બદલાતું વલણ, ગુપ્ત રીતે બેઠકોનો ધમધમાટ

પાકિસ્તાન સાથે ભારતનું બદલાતું વલણ, ગુપ્ત રીતે બેઠકોનો ધમધમાટ

 | 9:43 pm IST

પાકિસ્તાન પ્રત્યે ભારતના વલણમાં મોટું પરિવર્તન આવ્યું છે. અગાઉ આતંકવાદ અને વાતચીત બંને એક સાથે ના ચાલી શકે તે પ્રકારની નીતિ બદલતા હવે જો આતંકવાદ પર વાતચીત થવાની હોય તો નિશ્ચિત રીતે આગળ વધી શકાય તે પ્રકારનું વલણ ભારતે અપનાવ્યું છે. ભારતે બંને દેશોના રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર મળ્યા હોવાની વાતનો પણ સ્વિકાર કર્યો હતો.

ભારત રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને પાકિસ્તાનના રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર નાસીર ખાન ઝંઝુઆ વચ્ચે 26 ડિસેમ્બરે થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં બે કલાકની મુલાકાત થઈ હોવાના અહેવાલોને સમર્થન આપ્યું છે. અગાઉ આ મુલાકાતને લઈને માધ્યમોના અહેવાલો પર ભારતીય વિદેશ મંત્રાલયે કંઈ પણ કહેવાનો ઈનકાર કરી દીધો હતો.

આતંકવાદને પોતાની વિદેશની માનતું પાકિસ્તાન ભારતને સતત કનડતું રહે છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા આતંકવાદી હુમલા બાદ ભારતે કડક વલણ અપનાવ્યું હતું. ભારતે કહ્યું હતું કે આતંકવાદ અને વાતચીત બંને એક સાથે ના થઈ શકે. પહેલા આતંકવાદ બંધ કરો પછી જ વાતચીત શક્ય હોવાનો હવાલો આપીને પાકિસ્તાન સાથે સત્તાવાર વાતચીત બંધ કરી દીધી હતી. હવે ભારતના આ વલનમાં અચાનક પરિવર્તન જોવા મળી રહ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીતની પ્રક્રિયા મુદ્દે અમે કહી શકીએ કે વાતચીત અને આતંકવાદ બંને એક સાથે ન થઈ શકે. પરંતુ એવી અનેક વ્યવસ્થાઓ છે જેના મારફતે ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત યથાવત રહી છે. જેમ કે બંને દેશના સૈન્યના ડીજીએમઓ સંપર્કમાં રહે છે. બીએસએફ અને પાકિસ્તાન રેંજર્સ વચ્ચે પણ વાતચીતને સિલસિલો યથાવત છે. આ પ્રમાણે બંને દેશના રાષ્ટ્રિય સુરક્ષા સલાહકારો વચ્ચે પણ બેઠક થઈ હતી.

રવિશ કુમારે કહ્યું હતું કે, વાતચીત અને આતંકવાદ બંને એકસાથે ન ચાલી શકે પરંતુ આતંકવાદના મુદ્દે નિશ્ચિત રૂપે વાતચીતની દિશામાં આગળ વધી શકાય.

રાષ્ટ્રિય સુરક્ષા સલાહકારોની વાતચીત મુદ્દે વિદેશ મંત્રાલયના પ્રવક્તા કહ્યું હતું કે, મુલાકાતમાં અમે સરહદ પારના આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. સમગ્ર વાતચીત જ આ મુદ્દે કેન્દ્રિત રહી હતી. આતંકવાદ સમગ્ર વિસ્તારને પ્રભાવિત ન કરે તે સુનિશ્ચિત કરવા અમે પ્રતિબદ્ધ છીએ. સુરક્ષા સલાહકારોની આ મુલાકાત કુલભૂષણ જાધવ સાથેની મુલાકાત દરમિયાન પરિજનો સાથે કરવામાં આવેલા દુર્વ્યવહારની ઘટનાના એક દિવસ બાદ જ યોજાઈ હતી. આ મુલાકાતમાં કુલભૂષણના જાધવના પરિજનોનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો કે કેમ? તે બાબતે પુછવામાં આવતા કુમારે જણાવ્યું હતું કે, વાતચીતની તારીખ અગાઉથી જ નિર્ધારીત હતી, જ્યારે જાધવના પરિવાર સાથે જે ઘટના ઘટી તે તત્કાલિન મુદ્દો હતો.

બંને દેશોના રાષ્ટ્રિય સુરક્ષા સલાહકારોની આગામી બેઠક બાબતે તેમણે કહ્યું હતું કે, આ પ્રકારની વાતચીત અગાઉથી નિર્ધારિત નથી હોતી, કારણ કે આ ઓપરેશનલ સ્તરની વાતચીત છે. ઉલ્લેખનીય છે કે બંને દેશોના રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર આ અગાઉ 2015માં મળ્યાં હતાં.