મોદી સરકારનો અભૂતપૂર્વ નિર્ણય, હવે UPSC પરીક્ષા આપ્યા વગર બની શકાશે અધિકારી - Sandesh
  • Home
  • Featured
  • મોદી સરકારનો અભૂતપૂર્વ નિર્ણય, હવે UPSC પરીક્ષા આપ્યા વગર બની શકાશે અધિકારી

મોદી સરકારનો અભૂતપૂર્વ નિર્ણય, હવે UPSC પરીક્ષા આપ્યા વગર બની શકાશે અધિકારી

 | 3:49 pm IST

મોદી સરકારે નોકરશાહીમાં પ્રવેશને લઈને અત્યાર સુધીનો સૌથી મોટો ફેરફાર કર્યો છે. હવે અધિકારી બનવા માટે યૂપીએસસીની સિવિલ સર્વિસિ પરીક્ષા પાસ કરવી અનિવાર્ય નહીં રહે. પ્રાઈવેટ કંપનીમાં કામ કરનારા સિનિયર અધિકારીઓ પણ સરકારનો ભાગ બની શકશે. સરકાર તરફથી લાંબા સમયથી પડતર એવા લેટરલ એંટ્રીની ઔપચારીક અધિસૂચના બહાર પાડવામાં આવી છે.

રવિવારે આ પદોની નિમણૂંક માટે ડિપાર્ટમેંટ ઓફ પર્સોનેલ એંડ ટ્રેનિંગ (DoPT) માટે વિસ્તારપૂર્વકની એક ગાઈડલાઈંસ સાથે એક અધિસૂચના બહાર પાડવામાં આવી છે. સરકાર હવે સર્વિસના નિયમોમાં પણ ફેરફાર કરશે. પીએમ મોદી બ્યૂરોક્રેસીમાં લેટરલ એંટ્રીના શરૂઆતથી હિમાયતી રહ્યાં છે.

3 વર્ષનો કાર્યકાળ, પ્રાઈવેટ કંપનીઓમાં કામ કરનારાઓને પણ તક

DoPT તરફથી જાહેર કરવામાં આવેલી અધિસૂચના પ્રમાણે લેટરલ એંટ્રીના ઉમેદવારોની મંત્રાલયોમાં જોઈંટ સેક્રેટરી પદ પર નિમણૂંક પામશે. તેમનો કાર્યકાળ 3 વર્ષનો રહેશે અને જો પ્રદર્શન સારૂ રહ્યું તો તેને વધારીને 5 વર્ષ કરવામાં આવશે. આ પદો માટે મહત્તમ ઉંમર નક્કી કરવામાં આવી નથી જ્યારે ઓછામાં ઓછી ઉંમર 40 વર્ષ રહેશે. તેમનું વેતન કેન્દ્ર સરકારને અંતર્ગત જોઈંટ સેક્રેટરી હોદ્દા અનુંસાર રહેશે. તમામ સુવિધાઓ પણ તે અનુંરૂપ જ મળશે. તેમને સિવિલ સર્વિસના નિયમો અનુંસાર કામ કરવાનું રહેશે.

ઉલ્લેખનીય છે કે, કોઈ મંત્રાલય કે વિભાગમાં જોઈંટ સેક્રેટરીનું પદ ખુબ જ મહત્વનું હોય છે. તમામ મોટી નીતિઓને અંતિમ રૂપ આપવામાં કે તેનો અમલ કરાવવામાં તેમનું યોગદાન ખુબ જ મહત્વપૂર્ણ હોય છે. લેટરલ એંટ્રી પામનારા ઉમેદવારો માટે માત્ર ઈન્ટરવ્યુની પ્રકિયા રહેશે અને કેબિનેટ સેક્રેટરીના નેતૃત્વમાં બનતી કમિટી તેમનું ઈન્ટરવ્યું લેશે. યોગ્યતા અનુંસાર સામાન્ય ગ્રેજ્યુએટ અને કોઈ સરકારી, પબ્લિક સેક્ટર યૂનિટ, યૂનિવર્સિટી ઉપરાંત કોઈ પ્રાઈવેટ કંપનીમા 15 વર્ષનો અનુંભવ ધરાવનાર કોઈ પણ વ્યક્તિ આ પદ માટે અરજી કરી શકશે. આવેદન આપવાની અંતિમ તારીખ 30 જુલાઈની છે.

10 મંત્રાલયોમાં થશે ‘વિશેષજ્ઞ’ની નિમણૂંક

શરૂઆતની પહેલ અનુંસાર હાલ સરકાર 10 મંત્રાલયોમાં એક્સપર્ટ જોઈંટ સેક્રેટરીની નિમણૂંક કરશે. આ 10 મંત્રાલય અને વિભાગમાં ફાઈનાંસ સર્વિસ, ઈકોનોમિક અફેર્સ, એગ્રિકલ્ચર, રોડ ટ્રાંસપોર્ટ્સ, શિપિંગ, પર્યાવરણ, રિન્યુએબલ એનર્જી, સિવિલ એવિએશન અને કોમર્સ મંત્રાલયનો સમાવેશ થાય છે. આ મંત્રાલયો અને વિભાગોમાં નિમણૂંક કરીને સ્પેશિયલાઈઝેશનના આધારે પોસ્ટિંગ આપવામાં આવશે.

અનેક વર્ષોથી પડતર હતો આ પ્રસ્તાવ

બ્યૂરોક્રેસીમાં લેટરલ એંટ્રીનો સૌપ્રથમ પ્રસ્તાવ 2005માં ત્યારે લાવવામાં આવ્યો હતો, જ્યારે પ્રશાસનિક સુધારા પર પહેલો અહેવાલ આવ્યો હતો. પરંતુ તે દરમિયાન તેને ફગાવી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ 2010માં બીજા પ્રશાસનિક સુધાર રિપોર્ટમાં તેને શામેલ કરવામાં આવ્યો. પરંતુ આ બાબતે ગંભીર પહેલ 2014માં મોદી સરકારે સત્તામાં આવ્યા બાદ કરી. પીએમ મોદીએ 2016માં તેની સંભાવનાઓ શોધી કાઢવા માટે એક કમિટી બનાવીએ, જેને પોતાના અહેવાલમાં આ પ્રસ્તાવ આગળ વધારવાની ઈરાદા દેખાડ્યાં.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે બ્યૂરોક્રેસીમાં આ પ્રસ્તાવનો વિરોધ થવાની આશંકા હતી જેના કારણે તેને લાગુ કરવામાં આટલું મોડું થયું હતું. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તક્ષેપ બાદ મૂળ પ્રસ્તાવમાં આંસિક ફેરફાર બાદ તેને લાગુ કરવામાં આવ્યો. જોકે પ્રસ્તાવ અનુંસાર સેક્રેટરી સ્તરના પદ પર પણ લેટરલ એંટ્રીની ભલામણ કરવામાં આવી હતી પરંતુ સીનિયર બ્યૂરોક્રેસીના વિરોધના કારણે હજી જોઈંટ સેક્રેટરીના પદ પર પહેલ કરવામાં આવી છે. સરકારનું માનવું છે કે, લૈટરલ એંટ્રી આઈએએસ અધિકારીઓની ઉણપ પુરી કરવામાં પણ મદદરૂપ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન