સરકારની શિક્ષણની સંસ્થાઓનાં સંકલનને અભાવે સડતું શિક્ષણ - Sandesh
  • Home
  • Columnist
  • સરકારની શિક્ષણની સંસ્થાઓનાં સંકલનને અભાવે સડતું શિક્ષણ

સરકારની શિક્ષણની સંસ્થાઓનાં સંકલનને અભાવે સડતું શિક્ષણ

 | 2:23 am IST

કેળવણીના કિનારે :- ડો.અશોક પટેલ

આપણા રાજ્યમાં શિક્ષણક્ષેત્રે સુધારા સાથે નિયમન કરતી મુખ્ય ત્રણ સંસ્થાઓ. પ્રાથમિક ક્ષેત્રે જી.સી.ઈ.આર.ટી. , માધ્યમિક ક્ષેત્રે માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ઉચ્ચશિક્ષણ ક્ષેત્રે યુનિવર્સિટીઓ. રાજ્યમાં શૈક્ષણિક ક્ષેત્રે કશું પણ નવું કરવું હોય કે જૂનું દૂર કરવું હોય તો તેના નિર્ણયો ઉપરની એજન્સીઓ પોતાના ક્ષેત્રમાં કરે છે. જેની અસર સમાજના વર્તમાન અને ભવિષ્યના વિકાસ પર થાય છે. આજે આપણે શિક્ષણમાં જ્યાં પણ છીએ તેનો યશ કે અપયશ ઉપરોક્ત એજન્સીઓને જ આપવો પડે. કારણ કે તે સંસ્થાઓએ લીધેલા નિર્ણયને કારણે શિક્ષણ અપાયું છે અને અપાશે. ત્યારે આ સંસ્થાઓ વચ્ચે જેટલું સંકલન હશે તેટલો ફયદો સમાજને વધુ થશે. એક ધારણા કરીએ. રાજ્યને એક કુટુંબ-ઘરની નજરે અને સંસ્થાઓને તેના દીકરા-દીકરી તરીકે જુઓ. ઘરના ત્રણ દીકરા વચ્ચે સંકલન ના હોય, ત્રણે દીકરા પોતપોતાની રીતે વર્તન કરે તો શું થાય? હા, દીકરાઓનો કદાચ વિકાસ થાય, પણ કુટુંબનો વિકાસ ના જ થાય. એના બદલે ત્રણેય વચ્ચે સંકલન હોય, સાથે મળીને એકબીજાના સબળાં કે નબળાં પાસાંને ધ્યાનમાં રાખી, ચર્ચાઓ કરીને નિર્ણય લે તો દીકરાઓ અને ઘર બન્નેનો વધુ વિકાસ થાય. એવું જ રાજ્ય સરકારની ઉપરોક્ત ત્રણ સંસ્થાઓ માટે પણ છે. અત્યારે આ સંસ્થાઓ વચ્ચે સંકલન છે જ નહિ, ત્રણે સંસ્થાઓ પોતાના ક્ષેત્રને ધ્યાનમાં રાખીને જ કામ કરે છે. જેની વિપરીત અસર રાજ્યના સમાજના લોકોના સર્વાંગી વિકાસ પર થાય છે. બીજી રીતે વાત કરીએ તો રાજ્યને આપણા શરીર સાથે સરખાવો અને સંસ્થાઓને શરીરના અંગ સાથે. હવે વિચારો કે, શરીરનાં અંગો પોતપોતાની રીતે માત્ર પોતાનું જ વિચારશે અને કામ કરશે તો ? રસ્તામાં ચાલ્યા જતાં હોઈએ અને કાંટાનું ઝુંડ આવે. તો નીચા નમીને હાથ વડે કાંટા દૂર કરવા પડે. પરંતુ કેડ એમ વિચારે કે હું શા માટે નમું? અને હાથ એમ વિચારે કે મને કાંટા ક્યાં વાગવાના છે, કાંટા તો પગને વાગશે, મારે શું? આવું થાય તો ? આપણા રાજ્યમાં શિક્ષણમાં આવું જ ચાલે છે !

હકીકતમાં પ્રાથમિક ક્ષેત્રે જ્યારે પણ કોઈ નિર્ણય લેવાના હોય ત્યારે માધ્યમિક શિક્ષણને સાથે રાખવું જોઈએ. કારણ કે તમે જેવો ફલ આપશો તેવું લણવાનું કામ માધ્યમિક શિક્ષણે કરવાનું છે અથવા તો માધ્યમિક શિક્ષણને ખબર તો હોવી જોઈએ ને કે અમારી પાસે કેવું પ્રોડક્શન આવશે? જેના આધારે માધ્યમિક ક્ષેત્રે નિર્ણયો લેવાય. સામાન્ય ઉદાહરણ લઈએ તો વિદ્યાર્થીઓ શાળામાં ભણે છે. તેમને શા માટે ભણાવીએ છીએ તે માટેના ચોક્કસ હેતુઓ છે. તે હેતુઓ પૂર્ણ કરવા વિવિધ પ્રવૃત્તિઓ અને સાધનોનો ઉપયોગ કરીએ છીએ. જેમાંનું એક સાધન એટલે પાઠયપુસ્તક. આ પાઠયપુસ્તક પ્રાથમિક વિભાગ એની રીતે તૈયાર કરે છે, તો માધ્યમિક વિભાગ પણ એની રીતે તૈયાર કરે છે. હકીકતમાં બંનેએ સાથે બેસી નક્કી કરવું જોઈએ. જેથી વચ્ચે કોઈ ખાઈ કે તિરાડ ના રહે. અત્યારે આવી ખાઈ કે તિરાડ સ્પષ્ટપણે જોવા મળે છે. અન્ય ઉદાહરણ લઈએ તો જી.સી..ઈ.આર.ટી. દ્વારા પ્રાથમિક ક્ષેત્રે થતા ફેરફરોની જાણ પી.ટી.સી. કોલેજમાં અને માધ્યમિક ક્ષેત્રે થતાં ફેરફરની જાણ બી.એડ. કોલેજમાં તરત જ થવી જોઈએ અને તેનો સમાવેશ પી.ટી.સી. કે બી.એડ. કોલેજોએ પોતાના અભ્યાસક્રમમાં કરીને તાલીમ આપવી જોઈએ. પણ આ બાબતે ખૂબ જ મોટી ખાઈ જોવા મળે છે. અરે વધુ ના કરી શકીએ તો એટલું તો કરી જ શકાય કે જી.સી.આર.ટી. અને માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફ્થી બહાર પડતાં સામયિકો જો કોલેજો સુધી પહોંચે તો પણ પાંચ-પંદર ટકાનો ફેર પડે. હસમુખ અઢિયા જ્યારે માધ્યમિક બોર્ડમાં ચેરમેન હતા ત્યારે તેમણે ગુજરાતની ગ્રાન્ટેડ દરેક બી.એડ. કોલેજોને વિના મૂલ્યે સામયિકો પહોંચાડવાનું શરૂ કરેલું પરંતુ તેઓ ગયા પછી એ બંધ થયું, જે અત્યારે પણ બંધ જ છે. અહીં એવી દલીલ ના કરી શકાય કે કોલેજો ગ્રાહક બનીને મગાવે. સરકારની સંસ્થાઓએ મોટા ભાઈ બનીને નાના ભાઈમાં સુધારો લાવવાની ભૂમિકા ભજવવાની છે.   તેવી જ રીતે માધ્યમિક ક્ષેત્ર અને ઉચ્ચ ક્ષેત્ર વચ્ચે પણ બિલકુલ સંકલન નથી. યુનિવર્સિટીને એ પણ ખબર નથી હોતી કે અમારી પાસે ક્યા વિભાગમાં કેટલા વિદ્યાર્થી આવશે ? જો સંકલન હોય તો યુનિવર્સિટીને તેની જાણ હોય અને તે પ્રમાણેની વ્યવસ્થા અગાઉથી કરવાનો પ્રયત્ન કરે. આપણે ત્યાં તો એવું બને છે કે, બોર્ડના પરિણામ આવે પછી પ્રવેશ માટે ધસારો થાય ત્યારે યુનિવર્સિટીને ખ્યાલ આવે કે આટલા વિદ્યાર્થી આ ક્ષેત્રમાં આવ્યા છે! જેથી દર વર્ષે વર્ગમાં વધારો કે ઘટાડો કરવાના વહીવટમાં ગુણવત્તા બાજુમાં રહી જાય છે. ઉપરાંત યુનિવર્સિટીએ પણ મા.શિ. બોર્ડ સાથે રહીને જાણ કરવી જોઈએ કે અમારી પાસે આવા પ્રકારના આવા કોર્સ છે. જેમાં આટલા વિદ્યાર્થીઓનો સમાવેશ કરી શકાય. તો તે મુજબ મા.શિ. બોર્ડ પણ કેટલાક ફેરફર કરી શકે.

જો સૌથી મોટા સંકલનનો અભાવ દેખાતો હોય તો તે છે યુનિવર્સિટી અને સમાજ વચ્ચે. શું યુનિવર્સિટી એ જાણે છે કે સમાજમાં કયા ક્ષેત્રમાં કેવા માનવબળની જરૂર છે? આપણે ત્યાં તો યુનિવર્સિટી પાસે પહેલેથી જ જે કોર્સ છે એ જ ચલાવે જઈએ છીએ. સમાજને કે વિદ્યાર્થીને જે જોઈએ છે તેને આધારે કોર્સ નથી ચાલતા, પણ યુનિવર્સિટી પાસે પહેલેથી જે સગવડ છે તે પ્રમાણે ચાલે છે. ખરેખર તો સમાજને જેટલાં પ્રમાણમાં જે જરૂરી હોય તેવા કોર્સ ઊભા કરવા જોઈએ અને બિનજરૂરી બંધ કે ઓછા કરવા જોઈએ. પરંતુ આપણે તો સ્ટાફ ફજલ ના પડે, બિલ્ડિંગો ખાલી ના રહે તે માટે જે ચાલે છે તેને ચલાવીએ છીએ. તેમનામાં ફેરફર લાવીને અત્યારની અને ભવિષ્યની જરૂરિયાત પૂર્ણ કરવાના સાચી દિશાના પ્રયત્નો થવા જોઈએ.

યુનિવર્સિટી દ્વારા એક સરવે થવો જોઈએ કે તેમણે બહાર પાડેલા વિદ્યાર્થીઓમાંથી કેટલા વિદ્યાર્થીઓ પોતે જે ભણ્યાં છે તેની નોકરી કે વ્યવસાય કરે છે? અત્યારે મોટાભાગે એવુ જોવા મળે છે કે, વિદ્યાર્થી જે ભણ્યો છે તેના કરતાં જુદા જ ક્ષેત્રમાં નોકરી કે વ્યવસાય કરે છે. જે નોકરી કે વ્યવસાયનું જ્ઞા।ન કે તાલીમની સગવડ યુનિવર્સિટી પાસે છે જ નહિ. તો યુનિવર્સિટી એ આવી નોકરી કે વ્યવસાય શોધવા જોઈએ અને તે પ્રમાણેના કોર્સ શરૂ કરવા પડે. આ માટે સમાજ કે વ્યવસાયિકો સાથે સંકલન કરવું પડે. આજે સમાજને જે ક્ષેત્રમાં જેટલાં માનવબળની જરૂર છે તેના કરતાં યુનિવર્સિટી વધુ કે ઓછા પ્રમાણમાં વિદ્યાર્થીઓને બહાર પડે છે. હકીકતમાં સરકાર અને યુનિવર્સિટી પાસે એ આંકડા હોવા જોઈએ કે સમાજમાં કયા કયા વ્યવસાયમાં કેટલા માનવબળની જરૂર છે અને પડશે ? જેમકે, એન્જિનિયરિંગ, આરોગ્ય, શિક્ષણ, બેન્ક, ખેતીવાડી, ટ્રાવેલ્સ, કંડકટર, ડ્રાઇવર, મિકેનિકલ, રસોયા, ડ્રાફ્ટમેન, સોફ્ટવેર, હાર્ડવેર, લુહારી-સુથારી, રિટેઈલ સ્ટોર, ફેશન, વીજળી, કેમિકલ્સ, સિરામિક, ડેરી પ્રોડક્ટ, કન્ઝયુમર્સ, પોસ્ટ, લેખક-સંગીત, ચિત્રકાર, ફ્લ્મિ, અવકાશ, કમ્પ્યૂટર, મોબાઇલ, હીરાઘસુ આવા તો અનેકાનેક વ્યવસાય છે. બધા જ વ્યવસાય માટે યુનિવર્સિટી કે સરકાર તાલીમની કોઈ વ્યવસ્થા કરે છે ? ના. આપણે ત્યાં તો ગ્રેજ્યુએટ થયા, પછી જે વ્યવસાયમાં જગ્યા ખાલી હોય તે અપનાવવાનું, પછી શીખવાનું. ના ફવે તો બદલતા રહેવાનું અને જિંદગી પૂરી કરવાની. વિચારો કે યુનિવર્સિટીમાંથી જે ભણીને બહાર પડયા એને જ લગતો વ્યવસાય કે નોકરી કેટલા લોકો કરતા હશે? જેને બદલ્યું તેમની તો ફી અને સમય સરકારે અને યુનિવર્સિટીએ બગાડયાને?

અરે ભવિષ્યના પ્લાનિંગની વાત તો દૂર રહી, પણ આપણી સરકાર કે સમાજ પાસે અત્યારના પૂરતા આંકડા નહિ હોય એની ગેરંટી. હકીકતમાં દરેક બાબતના દરેક આંકડા કે માહિતી આપણી પાસે હોવી જ જોઈએ. જેના આધારે ભવિષ્યના નિર્ણયો લેવાવા જોઈએ. આપણી પાસે આવતા વીસ-પચ્ચીસ વર્ષ પૂર્વેનું આયોજન હોવું જોઈએ. નહિ કે, આગ લાગે ત્યારે કૂવો ખોદવાનો. છેલ્લે શિક્ષણને લગતા કેટલાક પ્રશ્નો જેના આંકડા આપણી સરકાર એક કલાકમાં કે એક દિવસમાં આપી શકશે? ૧. રાજ્યમાં સરકારી, ખાનગી અને ગ્રાન્ટેડ તમામ બોર્ડની પ્રાથમિક, માધ્યમિક અને કોલેજો વિભાગ પ્રમાણે કેટલી છે? રાજ્યની તમામ પછી એ ગમે તે બોર્ડની હોય પ્રાથમિક, માધ્યમિક અને કોલેજોમાં કેટલા છોકરા-છોકરીઓ વિભાગ મુજબ અભ્યાસ કરે છે? કેટલા વિકલાંગ છે? આ વિકલાંગ કયા ક્ષેત્રની શાળા-કોલેજમાં ભણે છે? રાજ્યમાં ક્ષેત્ર મુજબ કયા બોર્ડની કેટલી શાળા-કોલેજો અંગ્રેજી-ગુજરાતી માધ્યમની છે? તેમાં છોકરા-છોકરીઓ કેટલા? એસ.સી.,એસ.ટી. ઓ.બી.સી.એ.ડબ્લ્યુ.એસ. દરેક ક્ષેત્રમાં ક્યા વિભાગમાં કેટલા? દર વર્ષે દરેક ક્ષેત્રમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓ કેટલા? તેઓ ત્યારપછીના વર્ષમાં શું કરે છે? કેટલા છોકરા-છોકરીઓ, કોર્સ મુજબ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે? તેમનો અભ્યાસનો કુલ ખર્ચ કેટલો આવે છે? ખેડૂતો, અગરિયા, સુથાર, કડિયા કે મજૂરી કામ કરતા વાલીના કેટલા છોકરાઓ કયા કોર્સમાં અભ્યાસ કરે છે? યુનિવર્સિટીમાંથી દર વર્ષે કયા કોર્સમાંથી કેટલા વિદ્યાર્થી બહાર પડે છે? વગેરે. કયા પ્રકારની કઈ સંસ્થાઓ ગ્રામ્યમાં કે શહેરમાં છે. તેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું વિવિધ કેટેગરી પ્રમાણે પ્રમાણ કેટલું? ઉપરોક્ત દરેક બાબતમાં છેલ્લા પાંચ વર્ષમાં શું તફવત આવ્યો? સામે કેટલી સગવડતાઓ વધી. માધ્યમિક અને કોલેજ કક્ષાએ છેલ્લા દસ વર્ષમાં કયા કોર્સ નાબૂદ થયા, કેટલા કોર્સ નવા આવ્યા? હજુ સમાવેશ ના કરી શકાય હોય એ તેવા કોર્સ કેટલા? સરકાર શિક્ષણ પાછળ કેટલો ખર્ચ કરે છે? ખાનગી સંસ્થાઓ કેટલો ખર્ચ કરે છે અને તેમની કેટલી આવક છે? વગેરે આવા તો એક હાજર પ્રશ્નો હોઈ શકે અને તેના તમામ જવાબ સરકાર અને સમાજ પાસે હશે તો જ આપણે આયોજન સારી રીતે કરી શકીશું. બાકી હૈ…સૌ…..હૈ…સૌ… ચાલે છે ને ચાલશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન