સરકારે મગફળીની સેસની રકમ ન ચૂકવતા APMCમાં પગારના ફાંફાં - Sandesh
NIFTY 10,500.90 -38.85  |  SENSEX 34,155.95 +-144.52  |  USD 64.0875 -0.22
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • સરકારે મગફળીની સેસની રકમ ન ચૂકવતા APMCમાં પગારના ફાંફાં

સરકારે મગફળીની સેસની રકમ ન ચૂકવતા APMCમાં પગારના ફાંફાં

 | 1:48 am IST

ગાંધીનગર, તા.૧૪

ગુજરાતભરમાં મગફળીની ખરીદીમાં ખેડૂતોના પૈસા તો સલાવાયા જ છે પરંતુ, તેમના માર્કેટયાર્ડનુ વેતન પણ ફસાઈ પડયુ છે. તેના કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના અનેક માર્કેટયાર્ડમાં કર્મચારીઓને પગાર ચૂકવવાના પણ ફાંફા પડી રહ્યા હોવાનું બહાર આવ્યુ છે. માર્કેટયાર્ડ કર્મચારીઓનો પગાર ન થતા તેઓ પણ રોષની લાગણી વ્યક્ત કરી ચૂક્યા છે.

રાજ્યમાં કેટલાંક સ્થળોએ એવી માહિતી સપાટી ઉપર આવી રહી છે કે, સહકારી મંડળીના કેન્દ્રોમાં મગફળીની ખરીદીમાં ભારે પોલંપાલ ચાલી રહી છે કેટલીક સહકારી મંડળીઓના કેન્દ્રોમાં મગફળી ખરીદીના કૌભાંડો પકડાતા સરકારે હવે માત્ર ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ- એપીએમસીમાં જ ખરીદી કરવાનો નિર્ણય લીધો છે. જો કે, આવી એપીએમસીઓને ગતવર્ષે ટેકાના ભાવે કરેલી મગફળીની ખરીદી માટેની વ્યવસ્થાઓમાં સેસ પેટે રૂ.૧૧ કરોડ હજુ સુધી મળ્યા નથી. આ વર્ષે આ બાકી રકમમાં વધુ રૂ.૧૮ કરોડનો ઉમેરો થયો છે. આથી, અનેક એપીએમસીને આ વ્યવસ્થા માટે રાખેલા કર્મચારીઓના પગાર ચુકવવા પણ ફાંફા પડી રહ્યા છે. આ નાણાં જલ્દીથી મળે તેવી માંગણી સાથે ગુજરાત નિયંત્રિત બજાર સંઘનું એક ડેલિગેશન બુધવારે સહકાર મંત્રી અને ત્યારબાદ કૃષિમંત્રીને મળ્યુ હતુ. જો કે, આ બંને મંત્રીઓએ એકબીજાને ખો આપી છેવટે નાણામંત્રી પાસે રજૂઆત કરવા કહ્યુ હતુ.

ડેલિગેશનમાં આવેલા સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડના ચેરમેનના કહેવા મુજબ રાજકોટ, જૂનાગઢ, જામનગર જેવા જિલ્લાઓમાં તો એક જ જણસી આધારિત બજારો છે. ત્યાં સેસના પૈસા ન મળે તો શી હાલત થાય ? અમે પગાર પણ કરી શક્યા નથી. હવે અમારી ધિરજ ખુટી પડી છે એટલે ગાંધીનગર આવ્યા છીએ. આશા છે કે બે-ત્રણ દિવસમાં સરકાર અમારા પૈસા છુટા કરે.

અહીં, એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, ગત વર્ષે સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદવાનો નિર્ણય કર્યો હતો ત્યારે માર્કેટયાર્ડમાં તેની વ્યવસ્થાઓ માટે સમિતિઓને કુલ ખરીદીની કિંમત ઉપર ૦.૫ ટકા સેસ પેટે ચુકવવાનો ઠરાવ કર્યો હતો. જેનો અમલ હજુ સુધી થયો નથી. તેની સામે ૭૦થી વધુ માર્કેટયાર્ડોના ગુજરાત નિયંત્રિત બજાર સંઘમાં ભારે રોષ છે.

;