સરકારને પ્રોફેશનલો જોઈએ છે કે પછી જી હજૂરિયા?  - Sandesh
  • Home
  • Columnist
  • સરકારને પ્રોફેશનલો જોઈએ છે કે પછી જી હજૂરિયા? 

સરકારને પ્રોફેશનલો જોઈએ છે કે પછી જી હજૂરિયા? 

 | 3:52 am IST

પ્રાસંગિક :-  રમેશ દવે

સરકારી અમલદારોની ઇજારાશાહી પર તરાપ પડવામાં છે. મોદી સરકારે ખાનગી ક્ષેત્રના વરિષ્ઠ અધિકારીઓ માટે સરકારનાં વિવિધ ખાતાંમાં નિમણૂક મેળવવા દ્વાર ખોલી દીધા છે. હવે પ્રાઇવેટ સેક્ટરનો અનુભવી ઓફિસર યુપીએસસીની પરીક્ષા આપ્યા વિના વરિષ્ઠ સરકારી અમલદાર બની શકશે. એ દિશામાં પહેલા કદમરૂપે મોદી સરકારે કેન્દ્ર સરકારના ૧૦ વિભાગો માટે જોઈન્ટ સેક્રેટરીપદની અરજીઓ મગાવી છે. કેન્દ્રની ભાજપ સરકારનું આ એક આવકારદાયક પગલું છે, જેનું વિરોધ પક્ષો સહિત સૌએ સ્વાગત કરવંુ જોઈએ. ભારતમાં પ્રતિભાની કમી નથી. દેશની આઈઆઈટી અને આઈઆઈએમ જેવી પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાઓમાંથી દર વરસે સેંકડો ટેલેન્ટેડ યુવાનો બહાર પડે છે. એમાંથી કેટલાક સારી ઓફર મળતાં વિદેશની વાટ પકડે છે. બાકીના ઉમેદવારોમાંથી મોટાભાગના મલ્ટિનેશનલો અને કોર્પોરેટ કંપનીઓમાં તગડા પે પેકેટ સાથે જોડાય છે. કમનસીબે, સરકારની જંગી સબસિડી મેળવતી શિક્ષણ સંસ્થાઓમાં તૈયાર થયેલા આ યુવાનોની પ્રતિભાનો લાભ આજ સુધી સરકારને અને સરકાર મારફત પ્રજાને મળતો નહોતો. હવે આવા પ્રતિભાવંત યુવાનો પ્રાઇવેટ સેક્ટરમાં ૧૫ વર્ષનો અનુભવ લઈને સરકારી ખાતાઓમાં જોડાઈ શકશે. અનુભવી પ્રોફેશનલો હવે એવી ફરિયાદ નહીં કરી શકે કે અમારે તો દેશની સેવા કરવી છે પણ સરકાર અમને તક નથી આપતી. ૧૫ વર્ષનો અનુભવ ધરાવતો ૪૦ વર્ષનો કોઈ પણ વ્યક્તિ સરકારના ૧૦ ડિપાર્ટમેન્ટમાં જોઈન્ટ સેક્રેટરીપદ માટે અરજી કરી શકશે. ખાસ નોંધ લેવા જેવી વાત એ છે કે મોદી સરકારે ફાઇનાન્શિયલ સર્વિસિસ, ઇકોનોમિક અફેયર્સ, મુલ્કી ઉડ્ડયન, કૃષિ અને કોમર્સ જેવાં ૧૦ મહત્ત્વનાં ખાતાં ખાનગી અધિકારીઓની નિમણૂકો માટે ખુલ્લાં મૂક્યાં છે.

અલબત્ત, સરકારે આ નવી પહેલને સફળ બનાવવા થોડુક ગ્રાઉન્ડવર્ક કરવું પડશે. સૌપ્રથમ તો મોદી સરકારે પોતાના મંત્રીઓને પ્રાઇવેટ પ્રોફેશનલો સાથે કામ કરવા માટે માનસિક રીતે તૈયાર કરવા પડશે. સ્વાભાવિક છે કે આ પ્રોફેશનલો પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરવાની પૂરતી મોકળાશ માણીને આવ્યા હશે. એમને પોતાના ઉપરી આઈએએસ અમલદારો અને પ્રધાનોની જોહુકમી માફક નહીં આવે. તેઓ કોઈ પણ વિષયમાં આઈએએસ અમલદારોની જેમ રાજકારણને કેન્દ્રમાં રાખી વિચારવા ટેવાયેલા નથી. એ મંત્રી સાહેબોને જરૂર કઠશે. પ્રશાસનને પ્રગતિ પથ પર અગ્રસર કરવંુ હશે તો મંત્રીઓએ પોતાના ઈગો અને પોલિટિક્સને બાજુ પર રાખવંુ પડશે. બીજું સરકારની મોટાભાગની યોજનાઓ અને વિકાસ કાર્યો ચૂંટણીને કેન્દ્રમાં રાખી ઘડાયાં હોવાથી એ ચોકઠામાં પ્રાઇવેટ પ્રોફેશનલો કેવાક ફિટ થઈ શકશે એ પણ એક સવાલ છે.

સૌ જાણે છે કે ભારતમાં પ્રધાનો, એમના પ્રાઇવેટ સેક્રેટરીઓ અને આઈએએસ ઓફિસરો વચ્ચે એક અમંગળ કડી હોય છે. આ સરકારી ત્રેખડ પોતાના અંગત લાભનો વિચાર કરીને જ પ્રોજેક્ટોને મંજૂરી આપે છે અને પોતાની પસંદગીના કોન્ટ્રાક્ટરો નીમે છે. અહીંથી જ સરકારી ભ્રષ્ટાચારની શરૂઆત થાય છે. પ્રાઇવેટ કંપનીમાં કામ કરી ચૂકેલા અધિકારીઓ આ બધા બે નંબરી કામોથી ટેવાયેલા નહીં હોય. તેમને જો આવા ખોટા કામો કરવાની ફરજ પડાશે તો એમની નિમણૂકોનો કોઈ અર્થ જ નહીં રહે. પછી એમની અને સરકારી અમલદારો વચ્ચે ફરક શું રહેશે? એટલે મોદી સરકારે ગવર્નમેન્ટ ડિપાર્ટમેન્ટસનું વર્ક કલ્ચર બદલવંુ પડશે. એ વિના ગમે એટલો પ્રતિભાશાળી પ્રોફેશનલ પોતાની બુદ્ધિપ્રતિભા અને કૌશલ્યનો લાભ સરકારને આપી નહીં શકે.

એક સવાલ એ પણ છે કે સરકારી બાબુ લોકો નવા પ્રોફેશનલોની નિમણૂકો સાથે આવનારા નવા વર્ક કલ્ચરને કેટલુ સ્વીકારશે? એમનો તો ઉછેર જ લાલ ફિતશાહી (રેડ ટેપિઝમ) અને કમિશન કલ્ચરમાં થયો છે. એમની માનસિકતા બદલવી મુશ્કેલ છે, પણ અશક્ય નથી. સરકાર દંડુકાવાળી કરશે તો જ બાબુ લોકો પોતાના નવા પ્રોફેશનલ બોસને સહકાર આપવા તૈયાર થશે.

સરકાર પોતાના વર્ક કલ્ચરમાં દેખીતો બદલાવ નહીં લાવે તો પ્રામાણિક અને ફરજનિષ્ઠ પ્રોફેશનલો સરકારી ખાતામાં જોડાવાનું પસંદ નહીં કરે. એ સંજોગોમાં સરકારને જી હજૂરિયાઓ અને ચાપલૂસો મળી જશે, જે સરકારમાં જોડાઈને ભ્રષ્ટાચારને વધુ હવા આપશે. એ હવે મોદી સરકારે નક્કી કરવાનું છે કે એને પ્રતિભાવંત અને સ્વચ્છ પ્રોફેશનલો જોઈએ કે પછી ભ્રષ્ટ સરકારી અમલદારોના મસિયાઈ ભાઈ જેવા ચલતાપૂર્જા લોકો. લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી ઢુંકડી છે ત્યારે સરકાર પોતાના અમલદાર વર્ગને નાખુશ કરે એવા સાહસિક પગલાં લેવાનું કેટલુ પસંદ કરશે એ પણ એક પ્રશ્ન રહે છે.

;