સરકારનાં રાહત પેકેજને પગલે શેરબજારમાં જબરદસ્ત ઉછાળો - Sandesh
  • Home
  • India
  • સરકારનાં રાહત પેકેજને પગલે શેરબજારમાં જબરદસ્ત ઉછાળો

સરકારનાં રાહત પેકેજને પગલે શેરબજારમાં જબરદસ્ત ઉછાળો

 | 2:23 am IST

। મુંબઈ ।

ગુરુવારે દેશનાં બંને શેરબજારોમાં તેજીનો તોખાર જોવા મળ્યો હતો. સરકાર દ્વારા કોરોનાગ્રસ્ત વેપાર ઉદ્યોગો અને પબ્લિક માટે રૂ. ૧.૭૦ લાખ કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવતા બજારમાં તોફાની તેજી જોવા મળી હતી. સેન્સેક્સ ૧,૪૧૧ પોઇન્ટ એટલે કે ૪.૯૪ ટકા વધીને ૨૯,૯૪૬.૭૭ પોઇન્ટ વધ્યો હતો જ્યારે નિફ્ટી ૩.૮૯ ટકા કે ૩૨૩ પોઇન્ટ વધીને ૮,૬૪૧.૪૫ પોઇન્ટ રહી હતી. સેન્સેક્સે દિવસ દરમિયાન ૩૦૦૯૯.૯૧ પોઈન્ટની ઊપલી સપાટી અને ૨૮૫૬૬.૩૪ પોઈન્ટની નીચી સપાટી સ્પર્શી હતી જ્યારે નિફ્ટીએ ૮૭૪૯.૦૫નું ઊંચું સ્તર અને ૮૩૦૪.૯૦ પોઈન્ટનું નીચલું સ્તર સ્પર્શ્યું હતું. બજાર ખૂલતાવેંત જ ઊંચા ગેપમાં ખૂલ્યું હતું. ટ્રેડિંગ દરમિયાન બજારમાં ૧,૫૦૦ પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો. મિડકેપ શેરોમાં ૩.૪૯ ટકાનો અને સ્મોલકેપમાં ૩.૭૩ ટકાનો વધારો થયો હતો. આઈટી, પાવર, એનર્જી, ઓટો અને બેન્કિંગ સેક્ટરમાં તેજી જોવા મળી હતી. માર્ચ એફ એન્ડ ઓનાં છેલ્લા દિવસે રોકાણકારોએ શોર્ટ કવરિંગ કર્યું હતું.

યુરોપનાં બજારોમાં ઘટાડો, એશિયાનાં બજારોમાં નરમાઈ

એશિયાનાં બજારોમાં નજીવો ઘટાડો થયો હતો. નિક્કી ૪.૫૧ ટકા ઘટયો હતો. જ્યારે હેંગસેગ ૦.૭૪ ટકા અને તાઇવાન ૦. ૯૫ ટકા વધ્યો હતો. કોસ્પી ૧,૦૯ ટકા ઘટયો હતો શાંઘાઈ ૦.૬૦ ટકા ઘટયો હતો.

ક્રૂડ ૨૯.૪૩ ડોલર

બ્રેન્ટ ક્રૂડના ભાવ ૦. ૫૬ ટકા ઘટીને બેરલદીઠ ૨૯.૪૩ ડોલર રહ્યા હતા જ્યારે ન્યૂયોર્ક ક્રૂડ ૦.૭૨% ઘટીને બેરલદીઠ ૨૩.૭૭ ડોલર હતું.

બીએસઈ માર્કેટકેપ રૂ. ૧૧૩ લાખ કરોડ રહ્યું

બીએસઈમાં માર્કેટ કેપમાં આશરે રૂ. ૪.૪૫ લાખ કરોડનો વધારો થયો હતો અને તે રૂ. ૧૧૩ લાખ કરોડ રહ્યું હતું. ૨,૪૪૯ શેરમાં ટ્રેડિંગ થયું હતું જ્યારે ૧,૫૦૮ કંપનીઓનાં શેર વધ્યા હતા અને ૭૬૯ કંપનીઓનાં શેર ઘટયા હતા. ૧૨ કંપનીઓનાં શેર બાવન સપ્તાહની ટોચે હતા જ્યારે ૩૬૮ કંપનીઓનાં શેર બાવન અઠવાડિયાની નીચી સપાટીએ હતા. ૨૭૦ કંપનીઓમાં અપર સર્કિટ રહી હતી જ્યારે ૩૦૮ કંપનીઓમાં લોઅર સર્કિટ રહી હતી.

બેન્કિંગ શેરોમાં ૪૫.૦૭% અને ઓટો સેક્ટરમાં ૨૫.૨૫% સુધીનો વધારો

બેન્કિંગ શેરોમાં ૪૫.૦૭ ટકાનો વધારો થયો હતો. બજારમાં ઉછાળા માટે બેન્કિંગ સેક્ટર કારણભૂત હતું. ઇન્ડસઇન્ડ બેન્કમાં ૪૫.૦૭ ટકા, એક્સિસ બેન્કમાં ૪.૮૨ ટકા, સિટી યુનિયન બેન્કમાં ૦.૩૭ ટકા, કોટક બેન્કમાં ૭.૬૬ ટકા, RBL બેન્કમાં ૨.૨૯ ટકા, એચડીએફસી બેન્કમાં ૬.૭૬ ટકા, આઈસીઆઈસીઆઈ બેન્કમાં ૪.૬૮ ટકા અને ફેડરલ બેન્કમાં ૯.૧૩ ટકા તથા એસબીઆઈમાં ૧.૫૩ ટકાનો વધારો થયો હતો.

ઓટો સેક્ટરમાં ૨૫.૨૫ ટકાનો વધારો થયો હતો. અશોક લેલેન્ડમાં ૨૫.૨૫ ટકા, હીરો મોટો કોર્પમાં ૬.૫૮ ટકા, અમર રાજા બેટરીમાં ૪.૪૧ ટકા, બજાજ ઓટોમાં ૬. ૯૮ ટકા અને મધરસનમાં ૭.૩૪ ટકાનો ઉછાળો હતો. ઇન્ડસઇન્ડ બેન્ક, એલ એન્ડ ટી, બજાજ ફાઇનાન્સ, ભારતી એરટેલ, બજાજ ઓટો, એચડીએફસીમાં ૪૬.૦૮ ટકા જેટલો ઉછાળો હતો. બીએસઈમાં મારુતિમાં ૩.૦૫ ટકાનો, ટેક મહિન્દ્રામાં ૨.૬૦ ટકાનો, સન ફાર્મામાં ૨.૪૫ ટકાનો અને રિલાયન્સમાં ૦.૬૦ ટકાનો ઘટાડો થયો હતો.

ડોલર સામે રૂપિયામાં મજબૂતાઈ

ડોલર સામે રૂપિયામાં ૧૦૦ પૈસાની મજબૂતાઈ જોવા મળી હતી. રૂપિયો સવારે અગાઉનાં ૭૬.૧૦નાં બંધ ભાવથી ૭૫.૮૮ના મથાળે ખૂલ્યો હતો અને પછી ૭૫.૧૭ સુધી ગયો હતો આમ તેમાં ૧૦૦ પૈસા જેટલી મજબૂતાઈ રહી હતી. દિવસ દરમિયાન તે ૭૫.૧૭થી ૭૫. ૯૬ની રેન્જમાં રહ્યો હતો. આ લખાઈ રહ્યું છે ત્યારે તે ૭૩ પૈસા વધીને ૭૫.૧૫ પર ટ્રેડ થતો હતો.

સોના-ચાંદીમાં વધારો

મુંબઈ સોના-ચાંદી બજારમાં સોનું ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૧૭૭ વધીને રૂ. ૪૩૪૨૪ થયું હતું. મુંબઈમાં ૨૨ કેરેટ ૧૦ ગ્રામ સોનું ૩ ટકા જીએસટી સાથે રૂ. ૩૯૭૭૬ બોલાયું હતું જ્યારે ૨૪ કેરેટ ૧૦ ગ્રામદીઠરૂ. ૪૩૪૨૪ થયું હતું. નિષ્ણાતોનાં મતે કોમેક્સમાં સોનું ૧૫૮૦થી ૧૬૪૦ ડોલરની રેન્જમાં રહેશે જ્યારે દેશમાં રૂ. ૪૦૬૦૦થી ૪૨,૦૦૦ની રેન્જમાં રહેશે. એમસીએક્સમાંએપ્રિલ સોનું વાયદો નીચામાં ૩૭૫૩૦ અને ઊંચામાં ૪૪૯૬૧ બોલાયું હતું.

બજારમાં તેજીનાં કારણો…

  • સરકારનું રૂ. ૧.૭૦ લાખ કરોડનું રાહત પેકેજ
  • બેન્કિંગ અને ઓટો સેક્ટરમાં તેજીનો ટેકો.
  • અમેરિકા દ્વારા ૨ લાખ કરોડ ડોલરનું પેકેજ મંજૂર કરાતા વૈશ્વિક આશાવાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન