Government Seeks Apology From Congress President Rahul Gandhi On Rafale Issue
  • Home
  • Featured
  • રાફેલ મામલે હવે આખી સ્થિતિ જ પલટાઈ ગઈ, કોંગ્રેસ જ બરાબરની ભેરવાઈ

રાફેલ મામલે હવે આખી સ્થિતિ જ પલટાઈ ગઈ, કોંગ્રેસ જ બરાબરની ભેરવાઈ

 | 1:51 pm IST

5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં લાગેલા આંચકા બાદ હવે રાફેલ ડીલ પર સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ભાજપને નવી ઉર્જા મળી છે. કોંગ્રેસે આ ચૂંટણીમાં રાફેલ ડીલમાં કથિત ભ્રષ્ટાચારને મુદ્દો બનાવ્યો હતો પરંતુ ક્લીન ચીટ મળ્યા બાદ હવે મોદી સરકાર અને ભાજપ સક્રિય બની છે. આ મામલે હવે આખી સ્થિતિ જ પલટાઈ ગઈ છે. રાફેલ મામલે સદનના બંન્ને ગૃહમાં હોબાળો મચી જતા આજની કાર્યવાહી ખોરંભાઈ હતી.

અત્યાર સુધી રાફેલ મામલે બચાવની સ્થિતિમાં રહેલી ભાજપ હવે આક્રમક બની છે. આજે લોકસભામાં રાફેલ પર જોરદાર હોબાળો મચી જવા પામ્યો અને કોંગ્રેસ વિરૂદ્ધ ગૃહમંત્રી રાજનાથ સિંહે પોતે જ મોરચો સંભાળ્યો. તેમણે કહ્યું છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ મામલે સદનમાં આવીને માફી માંગવી જોઈએ. રસસ્પદ વાત એ છે કે, હજી ગઈ કાલ સુધી રાફેલ મુદ્દાને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરી રહેલી કોંગ્રેસ આજે મૌન છે.

રાફેલ ડીલ પર સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેંચના નિર્ણયનો હવાલો અપાતા ગૃહમંત્રી રાજનાથ સિંહે લોકસભામાં કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, રાજકીય લાભ માટે સરકારને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. કોંગ્રેસની મંશા હતી કે, હમ તો ડૂબે સનમ, તુમકો ભી લે ડૂબેંગે. દરમિયાન આ મામલે હોબાળો થતા સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.

રાજનાથ સિંહે સંસદમાં ગરજતા કહ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશ અને સદનની માફી માંગવી જોઈએ. તેમણે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતની છબી ખરડવાનો પ્રયાસ કર્યો છે. સુપ્રીમ કોર્ટનો આજે જે નિર્ણય આવ્યો છે, જેમાં કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, આ ડીલ દેશ માટે ફાઈનાંશિયલ એડવાંટેજ છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે, રાફેલની ટેક્નિકલ ક્ષમતા પર કોઈ જ સવાલ ઉભા ના કરી શકાય. ગુણવત્તાના મામલે પણ આંગળી ચિંધી ના શકાય. રાફેલની ખરીદ પ્રક્રિયામાં કંઈ વાંધજનક નથી. આ વાત સુપ્રીમ કોર્ટના ત્રણ જજોની બેંચે કરી છે.

આ અગાઉ લોકસભામાં જેવો પ્રશ્નકાળ શરૂ થયો, વિરોધ પક્ષના સભ્યો સહિત રાફેલ મુદ્દે વેલમાં આવીને નારેબાજી કરવા લાગ્યા. ભારે હોબાળાના કારણે લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજને 11:10 વાગ્યે સદનની કાર્યવાહી બપોર સુધી સ્થગિત કરી દીધી હતી. બીજી બાજુ ભારે હોબાળાના કારણે રાજ્યસભાની કાર્યવાહી પણ શરૂ થયાના થોડા જ સમયમાં સ્થગિત કરી દેવી પડી હતી.