એર ઇન્ડિયાને બચાવવા સરકારે લીધો મોટો નિર્ણય, 10 હજાર કરોડ આ રીતે કરશે ભેગા

સરકાર એર ઇન્ડિયાના એકમો અને અન્ય પ્રોપર્ટી વેચીને 10 હજાર કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. સરકારે એર ઇન્ડિયા પાસેથી 29 હજાર કરોડનું દેવું પોતાના માથે લીધું છે. જેથી સરકારે એર ઇન્ડિયાનું દેવું ચુકવવા આ યોજના બનાવી છે. એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, સરકારને સંપત્તિ અને ડિસઇન્વેસ્ટમેન્ટ વેચીને રૂપિયા 10 હજાર કરોડ મળશે તેવી આશા છે. આ નાણાંનો ઉપયોગ 29 હજાર કરોડના દેવાને ઘટાડવા માટે કરવામાં આવશે.
અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે આ માહિતી આપી હતી. સરકાર ગ્રાઉન્ડ હેન્ડલિંગ, એન્જિનિયરિંગ અને પ્રાદેશિક એરલાઇન પેટાકંપની એલાયન્સ એરને વેચીને નાણાં એકત્ર કરવાની આશા રાખે છે. મુંબઈમાં એર ઇન્ડિયાની ઇમારત અને અન્ય પ્રોપર્ટી વેચીને કંપનીને રૂપિયા 1,400 કરોડ મળશે તેવી પણ આશા છે.
ઉલ્લેખનિય છે કે કેન્દ્રએ એર ઇન્ડિયાને નાણાકીય પરિણામ તૈયાર કરવા માટે પણ કહ્યું છે. તેનાથી એવું લાગે છે કે નવી સરકારની રચના પછી, કંપનીના ડિસઇન્વેસ્ટમેન્ટને વેગ મળશે. જો કે, એનડીએ સરકાર કેન્દ્રમાં પરત ન આવે તો એર ઇન્ડિયાના ડિસઇન્વેસ્ટમેન્ટની ફાઇલ અભરાઇ પર ચઢી શકે છે.
એવિએશન સચિવ પ્રદીપ સિંહ ખારોલાએ આ મહિનાની શરૂઆતમાં એક બેઠક બોલાવી હતી. અને એર ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અશ્વની લોહાનીને પત્ર લખીને કંપનીના એકમોના ડિસઇન્વેસ્ટમેન્ટની તૈયારી કરવા આદેશ આપ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન