Government workers wreck havoc on businessmen, builders
  • Home
  • Ahmedabad
  • કોરોનાના કહેર વચ્ચે પરપ્રાંતિય શ્રમિકોને ઉદ્યોગપતિઓ અને બિલ્ડરોએ તરછોડ્યા, સરકારે રઝળાવ્યા

કોરોનાના કહેર વચ્ચે પરપ્રાંતિય શ્રમિકોને ઉદ્યોગપતિઓ અને બિલ્ડરોએ તરછોડ્યા, સરકારે રઝળાવ્યા

 | 8:10 am IST

કોરોનાના કારણે સમગ્ર રાજ્યમાં બાંધકામ ઉદ્યોગ, નાના-મોટા કારખાના અને ફેક્ટરીઓમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકોનો મોટો સમૂહ ગુજરાત છોડી રહ્યો છે. બિલ્ડરોએ બાંધકામના શ્રમિકો માટે કોઈ વ્યવસ્થા કરી નહીં અને સરકારે પણ હાથ ઉંચા કરી દેતા, ઉપર આભ અને નીચે ધરતીની સ્થિતિમાં મુકાઈ ગયેલા શ્રમિકોએ બસ કે ટ્રેન નહીં મળવાના કારણે પગપાળા ગુજરાત છોડવાનું શરૂ કર્યું છે.

સરકાર નિષ્ઠુર બની છે પરંતુ માનવતાવાદી સંસ્થાઓએ આ કારીગરો માટે ભોજન અને આશરાની વ્યવસ્થા કરીને તેમના વતન પહોંચાડવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે.

રાજ્યમાં મોટી સંખ્યામાં બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોના શ્રમિકો કામ કરીને ગુજરાન ચલાવે છે. આ શ્રમિકો તેમના પરિવારો સાથે ગુજરાતમાં સ્થાયી થયા છે. પરંતુ જ્યારથી કોરોનાનો કેર શરૂ થયો ત્યારથી આ વર્ગની માઠી દશા બેઠી છે.

ઘણા શ્રમિકો અગમચેતી વાપરીને બસ અને ટ્રેન ચાલુ હતા ત્યારે જ ગુજરાત છોડી ગયા છે. હવે સરકારે ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કર્યું તેના કારણે ડરના માર્યા અને હાલમાં કામ વગર બેકાર બનેલા, બાકી રહી ગયેલા શ્રમિકોએ પણ અમદાવાદ સહિતના શહેરોમાંથી વતન ભણી પ્રયાણ કર્યું છે. બસ અને ટ્રેન બંધ છે તેના કારણે આવા શ્રમિકોએ પગપાળા ગુજરાતની અન્ય રાજ્યો સાથેની બોર્ડર સુધી પહોંચવાનું શરૂ કર્યું છે.

રસ્તામાં જ્યાં ક્યાંય આ શ્રમિકો નજરે પડે છે તેને કોઈ સેવાભાવી સંસ્થાઓ ભોજન અને આશરાની હંગામી વ્યવસ્થા કરી આપે છે. અમુક જગ્યાએ આ શ્રમિકો માટે વાહનની વ્યવસ્થા કરીને બોર્ડર સુધી પહોંચાડવામાં આવી રહ્યાં છે. પરંતુ દુઃખની વાત એ છે કે બિલ્ડરો, ઉદ્યોગપતિઓ કે સરકાર પણ આ શ્રમિકો માટે કશું કરતી નથી. આ શ્રમિકોના કારણે જ કારખાના-ફેક્ટરી ધમધમી રહ્યાં છે. હવે તેમના ચાલ્યા જવાથી ઉત્પાદન પ્રક્રિયા ઠપ થઈ જશે.

ધનસુરાના ગ્રામજનોએ ભોજન કરાવ્યું અને વાહન પણ આપ્યું

ધનસુરામાંથી પોતાના વતન જવા જે મજૂરો પસાર થતા હતા તેને ગ્રામ પંચાયત, યુવાનો અને પોલીસે ચા-નાસ્તાની વ્યવસ્થા કરી ઘરે પહોંચાડવા માટે વાહનોની પણ વ્યવસ્થા કરી આપી હતી. લોકોએ ગ્રામજનો, યુવાનો, પંચાયત અને પોલીસના કાર્યની પ્રશંસા કરી હતી.

અમને રાંધેલું ખાવા આપો, અનાજ ક્યાં રાંધીશું : નિઃસહાય લોકો  

શાહીબાગ, નરોડા અને સરદારનગર વિસ્તારના પીઆઇ અને સ્ટાફના માણસો રસ્તાની સાઇડમાં રહેતા તથા ઝૂંપડામાં રહેતા ગરીબો જે રોજ કમાઇ ખાતા હોય તેમને અનાજની કિટ આપી હતી. અમુક વ્યક્તિઓએ કહ્યું હતું કે, અનાજની કિટ તો આપો છો પણ અમારી પાસે રાંધવાના સાધનો નથી, રાંધેલું ખાવા આપો તો સારું. તેથી એક જગ્યા પર જમવાનું બનાવડાવી તમામ વિસ્તારમાં રહેતા ગરીબોને પોલીસે પહોંચતું કર્યું હતુ. પોલીસ ખાવા આપવા આવતા નાના બાળકો તેમની આગળ પાછળ ટોળે વળ્યાં હતાં.

રિપોર્ટર અને પરપ્રાંતીય વચ્ચેનો સંવાદ

રિપોર્ટર : આટલી મોટી સંખ્યામાં ક્યાં જાઓ છો ?

પરપ્રાંતિય : રાજસ્થાન ડુંગરપુર જઈએ છીએ.

રિપોર્ટર : શા માટે જાઓ છો ?

પરપ્રાંતિય : બે દિવસથી અમે જમ્યા નથી.

રિપોર્ટર : ક્યાં રહેતા હતા ?

પરપ્રાંતિય : ત્રણ દિવસ ઓરડીઓમાં જ પૂરી રાખ્યા હતા.

રિપોર્ટર : ત્રણ દિવસ જમવાનું મળ્યું હતું ?

પરપ્રાંતિય : જમવાનું મળતું નથી એટલે વતન જઈએ છીએ.

રિપોર્ટર : અત્યારે તમારી પાસે જમવાનું છે ?

પરપ્રાંતિય : સાહેબ પાણી પણ માંડ મળે છે.

રિપોર્ટર : ડુંગરપુર ક્યારે પહોંચશો ?

પરપ્રાંતિય : બે દિવસમાં પહોંચી જઈશું.

રિપોર્ટ : આટલી ઝડપે કેવી રીતે પહોંચશો ?

પરપ્રાંતિય : રાત-દિવસ ચાલી પહોંચી જઈશું.

કપરા કાળમાં બાંધકામ શ્રમિકોને લઘુતમ વેતનના ૫૦ ટકા રકમ બેન્ક ખાતામાં આપો

ગુજરાતમાં અત્યારે લોકડાઉનની સ્થિતિમાં રાજ્યમાં અંદાજે ૧૫ લાખ જેટલા બાંધકામ કામદારોની દરકાર અત્યારે કપરા સમયે રાજ્ય સરકાર દ્વારા લેવાવી જોઈએ તથા બાંધકામ કલ્યાણ બોર્ડમાં પડેલી રૂ. ૨,૮૮૧ કરોડની જંગી રકમનો સદ્ઉપયોગ થવો જોઈએ એવી રજૂઆત રાજ્યના મુખ્ય સચિવને તથા શ્રમ-રોજગાર અધિક મુખ્ય સચિવને કરવામાં આવી છે.

રાજ્યમાં બાંધકામ ક્ષેત્રે ૧૫ લાખ જેટલા શ્રમિકોમાંથી ૬.૫૦ લાખ ગુજરાત બાંધકામ કામદાર કલ્યાણ બોર્ડના ચોપડે નોંધાયેલા છે. આ કામદારોના કલ્યાણ માટે બાંધકામ પ્રોજેક્ટોની કોસ્ટના ૧ ટકા સેસ ૨૦૦૬-૨૦૦૭થી વસૂલાય છે, ડિસે-૨૦૧૯ની સ્થિતિ આ રકમ રૂ.૨,૮૮૦.૫૦ કરોડ ઉપર પહોંચી ગઈ છે.

જેમ ખેડૂતોને વર્ષે રૂ. ૬ હજાર તેમના બેન્ક એકાઉન્ટમાં આપવા પ્રધાનમંત્રી કિસાન નિધિ યોજના અમલમાં છે, ત્યારે કોરોના મહામારીના કારણે સર્જાયેલી સ્થિતિમાં નોંધાયેલા તથા રિન્યૂ ના થયા હોય એવા તમામ શ્રમિકોને જેટલા દિવસ કામ બંધ છે તેટલા દિવસ માટે તેમના બેન્ક ખાતામાં,  લઘુતમ વેતનના ૫૦ ટકા રકમ મળવી જોઈએ અને બાંધકામ શ્રમિકો બોર્ડમાં પડેલી જંગી રકમ આ સદ્ઉપયોગ માટે વપરાવવી જોઈએ તેમ ગુજરાત બાંધકામ મજદૂર યુનિયને જણાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન