Govt's U-turn reprimanded by Delhi: Uni exams canceled after GTU announces
 • Home
 • Ahmedabad
 • દિલ્હીથી ઠપકો મળતાં ગુજરાત સરકારનો U-ટર્ન, દૂરંદેશિતાનો અભાવ પહેલીવાર નથી, વાંરવાર રૂપાણીએ ટર્ન લીધા છે

દિલ્હીથી ઠપકો મળતાં ગુજરાત સરકારનો U-ટર્ન, દૂરંદેશિતાનો અભાવ પહેલીવાર નથી, વાંરવાર રૂપાણીએ ટર્ન લીધા છે

 | 7:40 am IST

ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી- GTU સમેત તમામ સરકારી યુનિ. ઓમાં છેલ્લા વર્ષની પરીક્ષા યોજવા બુધવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષપદે મળેલી કેબિનેટમાં નિર્ણય લેવાયો હતો. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બપોરે ૧૨-૩૦ કલાકે મિડિયા સમક્ષ તેની જાહેરાત કરી હતી.

ભારતમાં બીજા કોઈ રાજ્યમાં નહી અને માત્ર ગુજરાતમાં જ  આ પ્રકારનો નિર્ણય લેવાતા દિલ્હીથી ઠપકો મળતા ચાર જ કલાકમાં સરકારને U-ટર્ન લેવો પડયો. સાંજે ૪-૧૫ કલાકે વીલા મોંઢે ન્યુઝ ચેનલોના કેમેરા સામે આવેલા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ”દેશમાં એક સુત્રતા જળવાય એટલા માટે સરકારે હાલ પરીક્ષા યોજવાનું સ્થગિત રાખીનું નક્કી કર્યું છે” એવા બે ચાર વાક્યો બોલીને ઉભા થઈ જવુ પડયું હતુ.

બુધવારની બપોરે કેબિનેટની બેઠક પછી મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓએ લોકડાઉન દરમિયાન યુનિવર્સિટીઓમાં માર્ચ- એપ્રિલમાં ન લેવાયેલી પરીક્ષા પૈકી છેલ્લા વર્ષની પરીક્ષાઓ યોજવા માટે સર્વાનુંમતે નિર્ણય કર્યો હતો. GTUમાં તો ગુરૂવારથી ૩૫૦ કેન્દ્રો ઉપરથી પરીક્ષા યોજવાનું શિક્ષણ મંત્રી ચૂડાસમાએ જણાવ્યુ હતુ. ભારતમાં જે રાજ્યોમાં કોવિડ-૧૯નો ચેપ નિયંત્રણમાં છે ત્યાં પણ આવનારી પેઢીઓના હિતમાં કોલેજોમાં વર્ષાંત પરીક્ષાઓ યોજવા કોઈએ નિર્ણય કર્યો નથી.

તેવામાં દેશમાં નંબર-વન થવાની ઘેલછામાં ઘેલી થયેલી ગુજરાત સરકારે કોરોના મહામારીની ગંભીરતાને સમજ્યા વગર જ ઓનલાઈન- ઓફલાઈન અને એ બેઉના વિકલ્પ વચ્ચે અલગથી પરીક્ષામાં બેસવાના ત્રણ વિકલ્પો વચ્ચે ૩૫૦ કેન્દ્રો ઉપરથી GTUના છેલ્લા વર્ષની પરીક્ષા યોજવાનો નિર્ણય કર્યો ! જેની જાણ ભારત સરકારને થતા ચાર જ કલાકમાં આખો નિર્ણય રદ કરવો પડયો હતો.

સાંજે ચાર વાગ્યે શિક્ષણમંત્રીએ કહ્યુ કે, દેશના તમામ વિદ્યાર્થીઓ વચ્ચે એક સુત્રતા જળવાય તેના માટે ભારત સરકારની સુચના મુજબ GTU અને ત્યારબાદ અન્ય યુનિવર્સિટીઓની પરીક્ષા હાલ સ્થગિત રાખવામાં આવે છે. તેમણે પરીક્ષા યોજવા માટે પ્રતિભાવ માંગેલા પ્રતિભાવમાં ૯૦૦ની અસહમતિ અને ૫૪ હજાર વિદ્યાર્થીઓએ સમંતિ આપ્યાનો દાવો કર્યો હતો.

યુનિવર્સિટીઓ સ્વાયત છે તો સરકારે શું કામ નિર્ણય કર્યો ?

ભારતના બંધારણ અને રાજ્યના કાયદા મુજબ તમામ યુનિવર્સિટીઓ સ્વાયત સંસ્થા છે. આ સ્થિતિમાં કોરોના મહામારીના કપરાકાળમાં દેશમાં ક્યાં નહી અને ગુજરાતમાં સરકારે તેની વ્યવસ્થાઓ સંદર્ભે શા માટે નિર્ણય કર્યો ? રાજ્યમાં પહેલાથી જ શૈક્ષણિક કાર્ય સ્થગિત છે, કોરોના મહામારીને કારણે આવનારી પેઢી ભયાવહ સ્થિતિનો સામનો કરી કરી છે, આવી મનોસ્થિતિને કારણે NSUI પરીક્ષાનો વિરોધ કરી રહ્યુ છે તેવામાં સરકારે અહંકાર પોષવા આવો નિર્ણય કર્યો હતો ? પરીક્ષા યોજવા મંત્રી પરિષદમાં નિર્ણય લેતા પહેલા ભારત સરકારને, કેન્દ્રીય માનવ સંસધાન મંત્રાલય, Uય્ઝ્ર કે પછી રાજ્યના આરોગ્ય વિભાગને શા માટે આવા આયોજનની દુરોગામી અસરો સંદર્ભે પુછવામાં આવ્યુ નહી ? એવા અનેક સવાલો વિદ્યાર્થી, વાલીઓ અને જનમાનસમાં ઉઠયા છે.

શાળામાં ઓનલાઈન શિક્ષણ સંદર્ભે ચૂડાસામા આજકાલમાં નિર્ણય કરશે

પ્રાથમિક અને માધ્યમિક ક્ષેત્રે ઓનલાઈન શિક્ષણ વ્યવસ્થા હેઠળ કયા વયજુથના બાળકને કેવા પ્રકારનું ? કેટલા સમય માટે શિક્ષણ આપવુ તેના માટે શિક્ષણ મંત્રી એક સપ્તાહથી મનોચિકિત્સકો, બાળ રોગ નિષ્ણાત અને વાલીઓ સાથે વેબિનારથી સલાહ સુચન મેળવી રહ્યા છે. શિક્ષણમંત્રીએ કહ્યુ કે, હાલની સ્થિતિમાં કયા વર્ગના વિદ્યાર્થીને ઘરેબેઠા શું ભણાવી શકાય તેના માટે દરરોજ બેથી ત્રણ કલાક વિવિધ સ્તરે પરામર્શ કરી માર્ગદર્શન મેળવુ છુ. આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી વાલીઓના વાલી તરીકે અમે ઓનલાઈન શિક્ષણ સંદર્ભે વિસ્તારથી માર્ગર્દિશકા જાહેર કરીશુ.

પ્રથમ વખત એવું બન્યું કે પરીક્ષા રદ થવાની ખુશીમાં NSUIએ ફટાકડા ફોડયા

રાજ્ય સરકારે જીટીયુ સહિત તમામ યુનિવર્સિટીઓમાં પરીક્ષા રદ જાહેર કરી તેના પગલે એનએસયુઆઈના કાર્યકરોએ ફટાકડા ફોડીને બુદ્વિનું પ્રદર્શન કર્યું હતું. પ્રથમ વખત એવું બન્યું કે પરીક્ષા રદ જાહેર થાય અને કોઈ ખુશી વ્યક્ત કરે. સ્કૂલમાં મહાપુરુષના નિધન વખતે રજા પાડવામાં આવતી હતી તેથી બાળકો ખુશ થતા હતા. કંઈક આવું જ એનએસયુઆઈએ કર્યું છે.

દૂરંદેશિતાનો અભાવ પહેલીવાર નથી, વાંરવાર રૂપાણી સરકારે U-ટર્ન લીધા

ગુજરાત સરકારમાં પહેલીવાર નીતિનિર્ધારકો, નિર્ણયકર્તાઓએ થુંકેલુ ચાટયુ હોય તેવુ નથી. મતદારોએ જેમને સરકારનું સંચાલન કરવાની જવાબદારી સોંપી છે તેવા મુખ્યમંત્રી સહિતના મંત્રીઓમાં જાણે દુરંદેશીતાનો અભાવ હોય તેમ અત્યાર સુધીમાં ૫૦થી વધુ નિર્ણયોમાં પીછેહટ થઈ છે, U- ટર્ન લેવાયા છે. રાજાશાહીમાં સ્વાર્થી સલાહકારોની સલાહે લીબું ઉછાળની રમતમાં લીબું હવામાં હોય ત્યારે હા અને ભોંય પડે ત્યારે ના જેવી સ્થિતિ ગુજરાતમા છે અને તેના કારણે સામાન્ય નાગરીક સતત ભ્રમણા, અફવાહ અને અસમંજતામાં જીવી રહ્યો છે. આ સ્થિતિ કોરોના જેવી મહામારીમાં ઈમ્યુનિટી ઓછી કરવા માટે પણ જવાબદાર હોઈ શકે છે.

 • એપ્રિલ- ૨૦માં ચાર મહાનગરોમાં પહેલા દુકાનો ખોલાવા નિર્ણય કર્યો, દુકાનો ખુલી એટલે ૩ મે સુધી બંધ કરવા કહ્યું.

 • મે- ૨૦માં પહેલા પાનના ગલ્લાને છુટછાટ આપવાનું જાહેર કર્યુ, પાછળથી ગુજરાતમાં ટીકાઓ થતા છુટછાટ પાછી ખેંચી લીધી.

 • એપ્રિલ- ૨૦માં કોરોનાને ચેપ શોધવા પહેલા રેન્ડમ ટેસ્ટ કરવા જાહેર કર્યુ પછી માત્ર કોમ્યુનિટિ સર્વેલન્સનો આદેશ આપ્યો.

 • ડિસેમ્બર-૧૯માં પહેલા PUC ફરજિયાત કર્યું, વિરોધ વધ્યો એટલે ફરેવી તોડયુ અને વારંવાર મુક્તિ મર્યાદા વધાર્યા કરી.

 • જાન્યુઆરી- ૨૦માં હેલમેટ મુદ્દે ક્યારેક ફરજિયાત તો ક્યારેક મરજીયાતની નાટકબાજીમાં નાગરીકોમાં ભ્રમણામાં ફસાવ્યા.

 • સપ્ટેમ્બર- ૧૮માં ૧૦ ટકા EBC અનામત રદ કરવાનો ઠરાવ કર્યો, નાગરીકોએ લોલીપોપના નારો પોકાર્યો તે ફેરવી તોળ્યું.

 • ડિસેમ્બર-૧૯માં યાત્રાધામના વિકાસ કામોમાં કૌભાંડોની ઓડિયો ટેપમાં તપાસ કરવાનું જાહેર કરી ટાઢુ પાણી રેડયું.

 • જાન્યુઆરી-૨૦માં સરકારી કર્મચારીઓને વિપશ્યના માટે રજા આપવાનુ જાહેર કર્યા પછી બીજા દિવસે આખો ઠરાવ રદ કર્યો.

 • જાન્યુઆરી- ૨૦માં GADનો ૧-૮-૧૮નો વિવાદાસ્પદ ઠરાવ રદ્દ કર્યો, વિરોધ થતા સરકારે હવે કોર્ટ નક્કી કરશે એમ કહ્યુ.

 • જૂન- ૧૯માં શાળાઓમાં નવરાત્રિ વેકેશન જાહેર કરવાનો નિર્ણય કર્યા બાદ કેબિનેટની બેઠકમાં આખો નિર્ણય રદ કર્યો.

 • નવેમ્બર- ૧૯ બિન સચિવાલય ક્લાર્કની ભરતીમાં પેપર લીક થયા પછી પરીક્ષા રદ ન કરવાની જીદ પછી થુંકેલુ ચાટયું હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન