અનાજ પછી હવે સ્પોર્ટસમાં મેડલોનો વરસાદ વરસાવતાં ગામડાં - Sandesh
  • Home
  • Columnist
  • અનાજ પછી હવે સ્પોર્ટસમાં મેડલોનો વરસાદ વરસાવતાં ગામડાં

અનાજ પછી હવે સ્પોર્ટસમાં મેડલોનો વરસાદ વરસાવતાં ગામડાં

 | 2:12 am IST

કરન્ટ અફેર : આર. કે. સિંહા

તાજેતરમાં જાકાર્તામાં પૂરી થયેલી એશિયાઈ ગેમ્સમાં ભારતનો દેખાવ અગાઉની તમામ એશિયાઈ ગેમ્સની સરખામણીમાં સર્વોત્તમ રહ્યો હતો, જોકે આ વખતે એક નવી વાત સામે આવી. ભારતના ૬૭ ટકા સુવર્ણ ચંદ્રકો અને સિલ્વર મેડલ જીતનારા ખેલાડીઓ ગામડામાંથી પ્રતિનિધિત્વ કરતા હતા. આમ ભારત ગામડામાં વસે છે અને ભારતનો ધબકાર ગામડા છે તેમ અમસ્તું કહેવાતું નથી. જાકાર્તામાં ભારતના જુદા જુદા ખેલાડીઓ કુલ ૬૯ ચંદ્રકો જીતી લાવ્યા હતા, જેમાં ૧૫ સુવર્ણ ચંદ્રક, ૨૪ સિલ્વર મેડલ અને ૩૦ કાંસ્ય પદક હતા. આમાં મોટાભાગના મેડલ જીતનારા ખેલાડીઓ ગામડાના હતા અને તેઓ સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતાં ઘરોમાંથી આવતા હતા. આમ આ ગામડાની માટીમાંથી સંઘર્ષની ભઠ્ઠીમાંથી તપીને આવેલા યુવાનોની કહાની છે.

ગરીબ પરિવારની છોકરીઓએ રંગ રાખ્યો

સુવર્ણ પદક જીતનારી સપના બર્મનના પિતા એક ગરીબ રિક્ષાચાલક છે, જ્યારે ૧,૫૦૦ મીટર સ્પર્ધામાં કાંસ્ય પદક જીતનારી ચિત્રા ઉન્નીકૃષ્ણનનાં માતા-પિતા ખેતરોમાં મજૂરી કરીને તેમની પુત્રીને ભણવા માટે સ્કૂલમાં મોકલી રહ્યાં છે. ચિત્રાએ ૪ મિનિટ ૧૨.૫૬ સેકન્ડમાં દોડ પૂરી કરીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું.

ઉત્તર બંગાળનાં જલપાઈગુડી શહેરના રિક્ષાચાલકની પુત્રી સપના બર્મને એશિયન ગેમ્સમાં સોનાનો ચંદ્રક તેના ગળામાં પહેરવાનું સન્માન મેળવ્યું છે. સપનાએ એશિયન ગેમ્સમાં હેપ્ટાથલનમાં સુવર્ણ પદક જીત્યો છે. તે આ સ્પર્ધામાં સુવર્ણ પદક જીતનારી ભારતની પહેલી મહિલા છે.

હવે બજરંગ પુનિયાની વાત કરીએ તો તેણે એશિયન ગેમ્સમાં ભારત માટે પહેલો સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો. આ સ્તરે પહોંચવા માટે બજરંગ પુનિયાએ ભારે મહેનત કરવી પડી હતી. તે દૂધ, મલાઈ કે મેવા-મીઠાઈ ખાનારો પહેલવાન નથી તેણે દાળરોટી અને મહેનતની કમાલ દેખાડી છે. હરિયાણાનાં ઝઝઝરના એક નિર્ધન પરિવારમાંથી તે આવ્યો છે. તેણે અનેક અવરોધો અને પડકારોનો સામનો કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે, જોકે શહેરના ખેલાડીઓનો દેખાવ પણ સારો નથી રહ્યો તેવું કોઈ કહી શકે તેમ નથી. અહીં તમામ મુદ્દા સારા દેખાવ અને તથ્યોને આધારે રજૂ કરવામાં આવ્યા છે. એક પ્રશ્ન એ છે કે દેશનાં ગામડાઓમાં સારી કક્ષાની સ્પોર્ટ્સસુવિધાઓ ઉપલબ્ધ છે ખરી? શું ગામડાઓની સ્કૂલોમાં સ્પોટ્ર્સ માટે સારા કોચ છે ખરા? શું ત્યાં સારાં સ્ટેડિયમો છે ખરાં? આ તમામ પ્રશ્નોના જવાબ નામાં છે, આમ છતાં ગામડાઓના ખેલાડીઓનો સારો દેખાવ ગામડાની માટીની સુગંધનો ચમત્કાર છે.

ગામથી દૂર સ્ટેડિયમ

આપણા ભારતમાં દુર્ભાગ્યવશ સ્ટેડિયમ અને સ્પોટ્ર્સની સુવિધાઓ ગામડાઓથી દૂર રહી છે. એવું માનવામાં આવતું હતું કે ગામડામાંથી ભારતને સારા ખેલાડીઓ મળશે નહીં. ભારતમાં ૧૯૮૫ તથા ૧૯૮૨માં એશિયન ગેમ્સ યોજાઈ હતી. બંને ઇવેન્ટ દિલ્હીમાં જ યોજાઈ હતી. વર્ષ ૨૦૧૦માં રાષ્ટ્રમંડળના ગેમ્સનું આયોજન કરાયું હતું, તે પણ દિલ્હીમાં યોજાઈ હતી. આવી મોટી સ્પોટ્ર્સસ્પર્ધાઓ મોટાં મોટાં શહેરોમાં જ યોજાય છે, આથી મોટાં શહેરોમાં સ્ટેડિયમો અને સ્પોર્ટ્સને લગતી અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવે છે. આ સંજોગોમાં નાનાં શહેરોનો વિકાસ કેવી રીતે થશે? રાજધાની દિલ્હીમાં જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ, ઇંદિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ, શિવાજી સ્ટેડિયમ, તાલકટોરા સ્ટેડિયમ જેવાં સ્ટેડિયમો ૧૯૮૨નાં એશિયન ગેમ્સ વખતે બન્યાં હતાં, તેને બનાવવા માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. તમે ત્યાં જુઓ તો હાલ જૂજ ખેલાડીઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે. અલબત્ત, આખો દિવસ એરકન્ડિશન્ડ રૂમોમાં જુદા જુદા સ્પોટ્ર્સના કોચ અને આયોજકો રાજકારણ રમતા જોવા મળશે.

હવે એશિયન ગેમ્સમાં કાંસ્ય પદક વિજેતા મહિલા હોકી ટીમ. સિલ્વર મેડલ જીતનાર મહિલા કબડ્ડી ટીમ અને કાંસ્ય પદક વિજેતા ખેલાડીઓ સિવાય અન્યની વાત કરીએ તો ભારતનાં ૧૬ રાજ્યો સાથે જોડાયેલા ખેલાડીઓ પણ મેડલ જીતી લાવ્યા છે, જેમાં હરિયાણાના ખેલાડીઓએ સૌને પછાડયા છે. તેના ખેલાડીઓએ ૮ ચંદ્રકો જીત્યા છે. આમ જોઈએ તો હરિયાણાના ખેલાડીઓ પર આખા દેશની નજર હતી. ભારતની જાકાર્તા ગયેલી ટીમમાં હરિયાણાના ૮૩ ખેલાડીઓ હતા, જેમાં ૫૦ પુરુષ અને ૩૩ મહિલા ખેલાડી હતા. હરિયાણાના ખેલાડીઓનો દેખાવ આ વખતે શાનદાર રહ્યો. આસામ, પંજાબ, ગુજરાત, કેરળ, દિલ્હી, તામિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, તેલંગણા, પશ્ચિમ બંગાળ, ઓડિશા, રાજસ્થાન, ઝારખંડ, કર્ણાટકના ખેલાડીઓ પણ ચંદ્રક જીતવામાં સફળ રહ્યા હતા, જોકે કેટલાંક રાજ્યોના ખેલાડીઓ પદક વિજેતા નથી બની શક્યા કે એશિયન ગેમ્સમાં ભાગ લેનારી ટીમનો હિસ્સો નથી બની શક્યા.

અભ્યાસ અને સ્પોટ્ર્સ એકસાથે

હવે નોકરી શોધનારા યુવકોએ સ્પોટ્ર્સને પણ તેમની કારકિર્દીના ભાગરૂપે પ્રાધાન્ય આપવાની જરૂર છે. હવે સ્પોટ્ર્સમાં સફળતા તમને માલામાલ કરી શકે છે. તમને નોકરી, રોકડ પુરસ્કાર ઉપરાંત સામાજિક પ્રતિષ્ઠા તેમજ તમામ સુવિધાઓ મળે છે, આથી યુવાનોએ સ્પોર્ટ્સની અવગણના કરવી જોઈએ નહીં. બિહારમાંથી આ ગેમ્સમાં કોઈએ પદક જીત્યા નથી. બિહારનાં લોકો અને સરકારે આ મુદ્દે ગંભીરતાથી વિચારવું જોઈએ કે શા કારણે સ્પોટ્ર્સમાં રાજ્ય સાવ પાછળ રહી ગયું છે. બિહારનાં લોકો અભ્યાસને વધારે મહત્ત્વ આપે છે તે વાત સમજી શકાય તેવી છે પણ તેમણે આ વિચારધારાને બદલવી પડશે. બિહારી કહેવત છે કે, ”પઢોગે-લિખોગે, બનોગે નવાબ, ખેલોગે-કૂદોગે બનોગે ખરાબ.” આ કહેવત હવે સાર્થક રહી નથી તેમાં ફેરફાર કરવાની સખત જરૂર છે.

આપણે ફક્ત ક્રિકેટને જ મહત્ત્વ આપીએ છીએ

આપણી એક સમસ્યા એ છે કે આપણે ફક્ત ક્રિકેટને જ સૌથી મોટી અને મહત્ત્વની સ્પોટ્ર્સ માની બેઠા છીએ. મોટાભાગના યુવાનો અને તેમના સમર્થકોને એવું લાગે છે કે ક્રિકેટર બનીને જ સ્ટાર બની શકાય છે. આવી માનસિકતાને લીધે ઠેર ઠેર ક્રિકેટનાં કોચિંગ સેન્ટર્સ ખૂલી રહ્યાં છે. એથ્લેટિક્સ, મુક્કાબાજી, બેડમિન્ટન, સ્ક્વોશ અને શૂટિંગ જેવી રમતોમાં જૂજ એકાદમીઓ કાર્યરત છે, જોકે આવા વ્યક્તિગત સ્પોટ્ર્સની ઇવેન્ટવાળાં લોકો જ દેશને સાચી રીતે ચંદ્રકો અપાવે છે તેમ કહીએ તો ખોટું નથી. આવી ગેમ્સમાં ક્રિકેટ માટે કોઈ ચંદ્રકો નથી, આથી સરકારે આવી સ્પોટ્ર્સ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. યુવાનોએ પણ આવી રમતો અપનાવવી જોઈએ. આવી રમતો તમને સમય જતાં એક ચોક્કસ મંજિલ સુધી લઈ જાય છે. રાતોરાત હીરો બનાવી શકે છે. આ પછી તો તમારે સિદ્ધિનાં શિખરો જ સર કરવાનાં છે.

અન્ય રમતોને પણ મહત્ત્વ આપવું પડશે

આપણે ફક્ત થોડી રમતો સુધી જ આપણને સીમિત રાખી શકીએ નહીં. આપણો દેશ ઘણો વિશાળ છે. અલગ અલગ રાજ્યોમાં જુદી જુદી રમતોમાં લોકોને રસ છે, આથી સરકારે ફક્ત થોડીઘણી રમતો પર જ ફોકસ કરવાની જરૂર નથી. ભારતમાં તો ક્રિકેટ, ફૂટબોલ, હોકી, બેડમિન્ટન, ટેનિસ, કબડ્ડી, કુસ્તી, શતરંજ સહિત અનેક રમતો લોકપ્રિય છે. આથી દેશ અને સરકારે તમામ રમતોને મહત્ત્વ આપવાનું રહેશે. ટીમની પસંદગીમાં પક્ષપાત રાખનારા સામે કડક પગલાં લેવાં જોઈએ. પહેલાં તો ચૂંટણીમાં પણ ક્ષેત્રવાદની ભૂમિકા જોવા મળતી હતી, હવે આ ક્ષેત્રે આપણે ઘણા સુધરી ગયા છીએ. પી. વી. સિંધુ અંગે એક વાત કરવાની છે તે સારી ખેલાડી છે. તેણે બેડમિન્ટની સિંગલ્સ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે, જોકે તે ફાઇનલમાં હારી ગઈ હતી. તે ફાઇનલમાં વારંવાર હારે તે સારી નિશાની નથી. તે રિયો ઓલિમ્પિકમાં પણ હારી ગઈ હતી. અન્ય કેટલીક સ્પર્ધામાં તેને સિલ્વર મેડલથી જ સંતોષ માનવો પડયો હતો. તે પોતાનાથી ઘણો નીચો રેન્ક ધરાવતા ખેલાડી સામે હારી છે. તેના કોચ ગોપીચંદ પણ તે ફાઇનલમાં સતત હારી તેથી નિરાશ હશે. સિંધુએ હવે સુવર્ણ પદક જીતવાની ટેવ પાડવી પડશે. આપણા યુવાન ખેલાડીઓએ અનેક શિખર સર કરવાનાં છે.

(લેખક રાજ્યસભાના સભ્ય છે.)

;