અયોધ્યામાં દિવાળીની ઉજવણી: હેલિકોપ્ટરથી આવ્યાં રામ સીતા, થયું ભવ્ય સ્વાગત, જુઓ Video - Sandesh
  • Home
  • India
  • અયોધ્યામાં દિવાળીની ઉજવણી: હેલિકોપ્ટરથી આવ્યાં રામ સીતા, થયું ભવ્ય સ્વાગત, જુઓ Video

અયોધ્યામાં દિવાળીની ઉજવણી: હેલિકોપ્ટરથી આવ્યાં રામ સીતા, થયું ભવ્ય સ્વાગત, જુઓ Video

 | 5:45 pm IST

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યામાં ભવ્ય રીતે દીવાળી ઉજવી રહ્યાં છે. મુખ્યમંત્રી યોગી પોતાની કેબિનેટના અનેક સાથીઓ સાથે લખનઉમાં સરયૂ નદીના કિનારે ત્રેતાયુગ જેવી દીવાળી ઉજવશે. રાવણવધ બાદ ભગવાન રામ, સીતા અને લક્ષ્મણ અયોધ્યા પરત ફર્યા તેની તર્જ પર અહીં મુખ્યમંત્રી યોગીએ આજે રામ, સીતા અને લક્ષ્મણ બનેલા કલાકારોનું ભવ્ય સ્વાગત કર્યું. સરયૂના કિનારે રામકથા પાર્કમાં રાજ્યપાલ રામ નાઈક, સીએમ યોગી આદિત્યનાથ વગેરેએ આ કલાકારોની આરતી ઉતારી. રામ અને સીતા તથા લક્ષ્મણ બનેલા કલાકારો હેલિકોપ્ટરથી અયોધ્યા પહોંચ્યા હતાં. સૌપ્રથમ સીએમ યોગીએ ભગવાન રામ બનેલા કલાકારને માળા પહેરાવીને તેમનું સ્વાગત કર્યું અને ત્યારબાદ રીતા બહુગુણા જોશીએ માતા સીતાને માળા પહેરાવી. ફૈઝાબાદના બજાજામાં રહેતા રામતીર્થનું કહેવું છે કે આ પ્રકારનું આયોજન આ અગાઉ અયોધ્યામાં પહેલા ક્યારેય જોવા મળ્યું નથી. અયોધ્યામાં આ આયોજન દરમિયાન રેકોર્ડ સંખ્યામાં દીવડા પ્રગટાવવામાં આવશે. જે ગિનિસબુકમાં નોંધાઈ શકે છે. યોગી આદિત્યનાથે સાંજે 4 વાગ્યે ફૈઝાબાદ હવાઈ મથક પર ઉતરણ કર્યુ હતું.. ત્યારબાદ સડકમાર્ગથી અયોધ્યાના રામકથા પાર્ક પહોંચ્યાં.

બીજી બાજુ ‘રામલીલા ઝાંકીઓ’ શોભાયાત્રા પણ ત્યાં પહોંચી છે. જેમાં રામ સંલગ્ન અલગ અલગ કાંડ પર આધારિત ઝાંખીઓનું ભવ્ય સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ટ્રકો પર બનેલા મંચ પર સુશોભિત કુલ 11 ઝાંખીઓ છે. જેમાં લોક કલાકારો સંબંધિત કાંડ પર નૃત્યનાટિકા પ્રસ્તુત કરી રહ્યાં છે.  આ ઉપરાંત રામના જીવન પર લેઝર શોનું પણ આયોજન કરાશે. આ કાર્યક્રમ બાદ સીએમ યોગી આદિત્યનાથ આધ્યાત્મિક નગરી ચિત્રકૂટ જશે જ્યાં રામે પોતાના વનવાસના 14 વર્ષોમાંથી 12 વર્ષો પસાર કર્યા હતાં. ચિત્રકૂટમાં પણ તેઓ અનેક વિકાસ પ્રોજેક્ટનું એલાન કરશે. આ દ્વારા ભાજપની રણનીતિ અયોધ્યાથી લઈને ચિત્રકૂટ સુધીના મોટા હિસ્સાને કવર કરવાની છે.

રામકથા પાર્ક બાદ સાંજે 5.45 વાગ્યે યોગી આદિત્યનાથ સરયૂ તટ પર જશે. અહીં સૌથી પહેલા 15 મિનિટ સુધી સરયૂ તટ પૂજન થશે. ત્યારબાદ 5100 બત્તીઓની મહાઆરતી થશે. યોગી આદિત્યનાથ માટે સરયૂ તટ પર સ્ટેજ બનાવવામાં આવ્યો છે. મહાઆરતી દરમિયાન 11 પૂજારીઓ વૈદિક મંત્રોચ્ચાર કરશે.

સરયૂ તટની પૂજા બાદ મુખ્યમંત્રી રામ કી પૈડી પર જશે. અહીં દીપોત્સવ કાર્યક્રમ છે. જ્યાં એક લાખ 71હજાર દીવડાઓ પ્રગટાવવામાં આવશે. આટલી સંખ્યામાં પહેલીવાર દીવડા પ્રગટાવવામાં આવશે. ગત વર્ષે અહીં દોઢ લાખની આસપાસ દીવડા પ્રગટાવવામાં આવ્યાં હતાં. આ સાથે જ અહીં આરતીમાં ઓમ જય સરયૂ માતાના જામ સાથે 11 વૈદિક બ્રાહ્મણ આરતી ચાલતી રહેશે ત્યાં સુધી મંત્રોચ્ચાર કરશે. દીવડા બનાવનારા વિનોદ પ્રજાપતિએ કહ્યું કે 2 લાખ દીવડાનો ઓર્ડર છે. એક દીવામાં 50 ગ્રામ તેલ હોવું જોઈએ. આ દીવાને યોગી આદિત્યનાથ પ્રગટાવશે.

અયોધ્યાનો નજારો બિલકુલ એવો જોવા મળશે જેવો ત્રેતાયુગમાં લંકા વિજય બાદ ભગવાન રામના પુષ્પક વિમાનથી અયોધ્યા પહોંચ્યા ત્યારે સર્જાયો હતો. આ બધુ જોતા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ કરવામાં આવ્યો છે. સરયૂની જલ પોલીસની ટુકડીઓ સતત પેટ્રોલિંગ કરશે તથા રસ્તાઓ પર પોલીસ અને અર્ધસૈનિક દળોના જવાનો પેટ્રોલિંગ હાથ ધરશે.