લોભ પાપનું મૂળ-૨ - Sandesh

લોભ પાપનું મૂળ-૨

 | 3:29 am IST

પ્રભાતના કિરણો

યશ-કીર્તિનો લોભ પણ માણસને તેના ધ્યેયમાંથી ચ્યૂત કરી દે છે. સાધનાપથમાં સિદ્ધિઓ આવી મળતાં સાધકને પોતાની શક્તિઓના પ્રદર્શનનો લોભ જાગે છે, અને તે જ ક્ષણે તેનું પતન શરૂ થઈ જાય છે. મનુષ્યને પોતાના જીવનનોય લોભ હોય છે. તેના પરિણામે મનુષ્ય પોતાના જર્જરિત દેહવસ્ત્રને અનેક થીગડાં મારીમારીને ટકાવી રાખવાનો પ્રયત્ન કરે છે. તેથી તે રીબાય છે. પીડાય છે. પ્રકૃતિની જેમ પાકેલા ફળની માફક પોતાનાં જર્જરિત થયેલાં વસ્ત્રને તે છોડી દઈ શક્તો નથી. તેને જીવનનો એટલો બધો લોભ હોય છે કે પોતાના જીવનને પકડી રાખવા ફાંફાં મારે છે અને તેથી જ તે મૃત્યુને સહેલાઈથી સ્વીકારી શક્તો નથી. મૃત્યુનો તેને ડર લાગે છે. જો તે જીવનને પ્રભુની અણમોલ ભેટ માનીને તેનો ઉપયોગ કરે તો તેનું જીવન સહજ બની રહે છે. પણ માણસ તેવું નથી જ કરી શકતો, તે આખું જીવન બસ ડરમાં વિતાવી દે છે. તે મનથી જાણે છે, સમજે છે કે આ ખોટું છે, મૃત્યુ એક દિવસ આવવાનું જ છે તો તેને હસતાં મોઢે સ્વિકારીએ કે રડતાં મુખે પણ સ્વિકારવું તો પડશે જ. જો આ જ હકીકત હોય, અને આ જ અંતિમ સત્ય હોય તો શું કામ અત્યારનું જીવન મોતનો ડર રાખ્યાં વગર જીવી લઇએ. અને મોતને પણ આમ જ હસતા મુખે સ્વીકારી લઇએ તો જીવનની મજા બમણી થઇ જશે. અને જે દેહ એકવાર તો નષ્ટ થવાનો જ છે, તેને થીંગડાં મારીને પરાણે ટકાવી રાખવાનો શું મતલબ? ઘણા લોકોની માનસિકતા આવી હોય છે. તેઓની અંદર ભય એટલો હોય છે કે તેઓ સતત પોતાના દેહને તેમજ જીવનને થીગડાં મારવાના નકામા પ્રયત્નો કર્યા કરે છે, આ પ્રયત્નો જ તેમને અજંપાની તેમજ દુખની ઊંડી ખાઇમાં ધકેલી દે છે.

મનુષ્યનું સમગ્ર જીવન બધું સંગ્રહ કરવામાં ખર્ચાઈ જતું હોય છે. અંતે તે પામે છે શું? આ સંદર્ભમાં શ્રી ટોલ્સ્ટોયે એક સુંદર વાર્તા કહી છે. એક માણસને એમ કહેવામાં આવ્યું કે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના સમયમાં તે જેટલી જમીન પર દોડશે, તેટલી જમીન તેની. જમીન મેળવવાના લોભમાં તે દોડતો જ રહ્યો, અમુક સમય બાદ તેને હાંફ ચડી ગયો, હાંફ ચડતા છાતીની નસો ફુલાવા લાગી, શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી બે ઘડી તેણે મનમાં વિચારી પણ લીધું કે એક જગ્યાએ બેસી લઉં, પણ પછી તેને વિચાર આવ્યો કે સૂર્યાસ્ત સુધીનો જ સમય છે મારી પાસે, જો હું હાલ નહીં દોડું તો કદાચ થોડી ઓછી જમીન મળશે આટલું વિચારી તે દોડતો જ રહ્યો. હજુ આટલી વધારે, તે આશામાં તે વધુ ને વધુ તીવ્ર ગતિએ દોડતો રહ્યો, ને સૂર્યાસ્ત સમયે તે જ્યાં પડયો, ત્યાં તેના પ્રાણ નીકળી ગયા, ત્યારે ફક્ત પાંચ ફૂટ જમીન જ તેની હતી! આટલું દોડેલુ સાવ નિરર્થક બની ગયું હતું. એટલે જ કહ્યું છે કે લોભમાં મનુષ્ય પોતાના અમૂલ્ય જીવનને વેડફી નાંખે છે, ને અંતે તેને કશું જ પ્રાપ્ત થતું નથી, એ ગૂઢાર્થ વ્યક્ત કરતી આ વાર્તા માનવસ્વભાવનું યથાર્થ નિરૂપણ કરે છે.

ખરેખર લોભ એ એવી નિમ્નવૃત્તિ છે કે જે મનુષ્યને સંકુચિત બનાવી દે છે ને સમૃદ્ધિનાં દિવ્ય સ્ત્રોતોથી તેને વંચિત કરી દે છે. પ્રભુની દિવ્ય સમૃદ્ધિ જે પ્રત્યેક ક્ષણે વધુ ને વધુ વિશાળ અને સઘન સ્વરૂપે પ્રગટ થઈ રહી છે, તેનાથી વંચિત રહેવું એ જ શું પાપ નથી?

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન