ગ્રીનકાર્ડ બિલને અમેરિકી કોંગ્રેસ સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી - Sandesh
  • Home
  • Newspaper
  • ગ્રીનકાર્ડ બિલને અમેરિકી કોંગ્રેસ સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી

ગ્રીનકાર્ડ બિલને અમેરિકી કોંગ્રેસ સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી

 | 2:02 am IST

। વોશિંગ્ટન ।

અમેરિકી કોંગ્રેસની સમિતિએ જુલાઈ મહિનામાં ગ્રીનકાર્ડ કન્ટ્રી કેપ દૂર કરતા ખરડાને લીલી ઝંડી આપતાં જ બ્લોક થયેલા ૩,૦૦,૦૦૦ ભારતીય અરજદારોની અરજી પ્રોસેસ થવાનો માર્ગ મોકળો થયો હતો, પરંતુ પરમેનન્ટ રેસિડન્સી માટે રાહ જોઈ રહેલા ઈરાનીઓનાં જૂથ દ્વારા તે હિલચાલનો અણધાર્યો વિરોધ થઈ રહ્યો છે.

ઈરાની જૂથ માટે કાર્યરત નેશનલ ઈરાનીઅન અમેરિકી કાઉન્સિલ દ્વારા દલીલ થઈ રહી છે કે કન્ટ્રી કેપને દૂર કરવાના નિર્ણયથી ઈરાન જેવા નાના દેશોના ભોગ ભારત અને ચીન જેવા અરજદારની વધુ સંખ્યા ધરાવનારા દેશોને લાભ થશે.

સોશિયલ મીડિયા પર ઝેરી પ્રચાર શરૂ થઈ રહ્યો છે કે અમેરિકી પ્રજાની નોકરીઓ છીનવીને ભૂમિને ઈન્ડિયાનાઇઝ કરવા ભારતીયો મોટી સંખ્યામાં અમેરિકામાં આવી રહ્યાં છે. ખરડાનો વિરોધ કરતાં ઈરાની જૂથ આક્ષેપ કરી રહ્યું હતું કે અમેરિકા એન્ટિઇમિગ્રન્ટ્સ છે. પ્રચાર માટે ટ્વિટર હેન્ડલનો ઉપયોગ થઈ રહ્યો છે.

ટ્વિટર પર પ્રચાર કરતાં કહેવાઈ રહ્યું છે કે, ‘એચઆર ૩૯૨ને મંજૂરીને પગલે અમેરિકાનું ભારતીયકરણ થશે. બનાવટી ઇજનેરો નહીં પણ કૌશલ્ય ધરાવનારાઓને નોકરી મળે તે જરૂરી છે.’

૨૫ જુલાઈના રોજ પ્રતિનિધિગૃહની સમિતિએ હોમલેન્ડ સિક્યોરિટી વિભાગનાં ખર્ચબિલને મંજૂરી આપી હતી, તે ખરડો એચઆર-૩૯૨ મથાળાં હેઠળની કલમ ધરાવે છે. તે કલમ રોજગારી આધારિત ગ્રીનકાર્ડ પરની કોઈ એક દેશ માટેની વાર્ષિક ૯,૮૦૦ની મર્યાદા દૂર કરે છે. તે મર્યાદાને કારણે ભારતને સૌથી વધુ ગેરલાભ થતો હતો, તેને કારણે ૩,૦૦,૦૦૦ ભારતીય અરજદારો પ્રતીક્ષા યાદીમાં પાછળ રહી ગયા હતા. આ સ્થિતિ ચાલુ રહેત તો કાયમી નાગરિકત્વ મેળવવા ભારતીય નાગરિકને ૯૦ વર્ષ લાગી જાય.

ગ્રીનકાર્ડ માટે ભારતીય જૂથ વતી લોબિઇંગ કરી રહેલા લિઓન ફ્રેસ્કોએ જણાવ્યું હતું કે ઈરાનીઓએ કોંગ્રેસની સમિતિ દ્વારા લેવામાં આવેલા નિર્ણય સામે તરત વિરોધ નોંધાવ્યો છે. ફેસબુક પેજ પર વિરોધ થઈ રહ્યો છે. તેઓ બિલ પસાર કરવામાં મદદરૂપ સાબિત થયેલા કોંગ્રેસમેન અને ટોચના અધિકારીઓની ટીકા કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;