ઘડપણથી ગભરાવાનું કેમ..?! - Sandesh

ઘડપણથી ગભરાવાનું કેમ..?!

 | 3:52 am IST

મંથન । કલ્પના મહેતા

માનવજીવનના ત્રણ મહત્ત્વના તબક્કા એટલે બાળપણ, યુવાની અને ઘડપણ. સૌને બાળપણ અને યૌવનાવસ્થા ગમે છે, પણ ઘડપણથી ગભરાય છે! આ એ જ સમયગાળો છે જેને દૂર રાખવા અથવા જેનાથી દૂર રહેવા સૌ યેનકેન પ્રયત્નો કરતાં રહે છે, પણ છતાંય ભલે થોડું મોડું આવે, પણ ઘડપણ છેવટે આવીને જ રહે છે. એટલે કે જાતભાતના ઉપાયો અજમાવી તેને જરીક આઘું ઠેલ્યાનો સંતોષ માન્યા છતાં એ મન અને શરીરના માર્ગે ક્યારે પ્રવેશી જાય છે તેની જાણ રહેતી નથી.

જોકે ફાયદો એમાં જ છે કે, જીવનના દરેક તબક્કાની જેમ વૃદ્ધાવસ્થાને પણ સહજતાથી સ્વીકારીને તેમાં ઊભા થનારા પ્રશ્નો, સમસ્યાઓનો શરૂથી જ વિચાર કરી લેવાય તો આવનાર વૃદ્ધાવસ્થા એટલી વસમી નહીં લાગે.

મુદ્દો તો એ પણ છે કે, વય ભલે વધે, વૃદ્ધત્વ ના આવે તેનું ધ્યાન રાખવાનું. અર્થાત્ માણસ જેટલો મનથી ઘરડો એટલો શરીરથી ઘરડો થતો હોય છે. કોઈ અહીં ત્રીસ વર્ષનો વૃદ્ધ પણ જડી આવશે તો કોઈ એંસી વર્ષનો યુવાન પણ જોવા મળશે! સવાલ અભિગમનો પણ છે. જિંદગીએ તમને શું આપ્યું અને શું ના આપ્યું તેની છણાવટમાં દુઃખી થવાના બદલે તમે જિંદગી પાસેથી શું શું લેવામાં સફળ રહ્યા, કયા ફાયદા-લાભ મેળવી શક્યા તેનો આનંદ ઉઠાવવાનું શીખી લેવાય તો ગમે તે અવસ્થા હશે જીવન મજાનું લાગશે..! માણસની સરેરાશ ઉંમર પંચોતેરથી એંસીની મનાતી હોય તેવામાં ત્રીસી વટાવી ચાલીસની વયે મધ્યાવસ્થા ગણાય અને એટલે જ ચાલીસના દાયકાને સ્પર્શેલા લોકોને મન-શરીર અને જીવનચર્યામાં ફેરફારપૂર્વક જીવવાની સલાહો અપાતી રહે છે.

બહુ દોડયા હવે જરા ધીરા પડો.. હવે રહન-સહનમાં અમુક-તમુક ધ્યાન રાખો નહીં તો માંદા પડશો વગેરે સલાહની સાથે શરીરના ઘસારાને અટકાવવા કે ધીરો પાડવા ફલાણું ટોનિક પીવો અને ઢીકણી ગોળી ખાવ, અમારી કંપનીનું હેલ્થ ટોનિક રોજ લેવાથી ઘડપણ પાસે નહીં ફરકે વગેરે વગેરે ચેતવણી અને કહેવાતી ચિંતાઓ કરતી મલ્ટિનેશનલ કંપનીઓ મેદાને પડેલી છે. તેમની સ્માર્ટ શિખામણમાં એવું પણ કહીને ડરાવાય છે કે, અમારી પ્રોડક્ટ્સમાં જ એવાં ગુણો-તત્ત્વો છે જે તમે નહીં લો તો તમે સરખું ચાલી-ચડી- દોડી-જમી કે ઊંઘી સુદ્ધાં નહીં શકો… લો…!! આવી જાહેરાતો જોઈને માણસ ઘરડો ના થતો હોય તોય વહેલો થાય કે નહીં ?

અને માત્ર જાહેરાતો થકી જ નહીં ચાલીસી કે પચાસ વર્ષ પૂરા થયા હોય તેમને તેમના મિત્રો, પરિચિતો અને ઘણું ખરું સ્વજનો તરફથી પણ વણમાગી સલાહો મળતી રહે છે. જેમ કે હવે બહુ કામ નહીં કરવાનું, ઝડપથી નહીં ચાલવાનું, હાડકાં નબળા પડી જાય તેવો ખોરાક છોડી દો. આમાં હવે તમારું કામ નહીં, ઉંમર થઈ તમારી (પપ્પા તમને આમાં નહીં સમજાય..!) આવી તન-મન અને આત્મબળને તોડી નાખતી ચિંતાઓ જાણે-અજાણે મળતી રહે છે જેથી થાય કે હવે અમે ગયા કામથી.. ઘડપણ આવી ગયું…!

જોકે એક વાત સાથે સંમત થવું રહ્યું કે પચાસની વય પછી શરીરમાં નોંધપાત્ર ફેરફારો જરૂર થતાં જાય છે. આંખે ઝાંખપ, કાને બહેરાશ, તૂટતું શરીર, થાકતું મન જેવા લક્ષણો ઉંમર વધી ગઈ હોવાનું અને વયસ્ક બની રહ્યાના સંકેતો આપતાં રહે છે, પણ એ વાત નકારાય નહીં કે આ બધાથી માણસ ખલાસ નથી થઈ જતો. (જોઈએ તો આપણા રાજનેતાઓની ઉંમરના આંકડા તપાસી લેવા..! કોઈ કદી વૃદ્ધ થયાનું જાણ્યું છે?)

”શરીર ઘરડું થાય છે, પણ મન કદી ઘરડું થયાનું જાણ્યું છે ભલા!” અર્થાત્ તન પર વયની અસરો થવી એ સહજ છે, પણ મન જે દિવસે ઘરડું થશે, હતાશ થશે શરીર પર ઉંમરની અસરો સવાર જરૂર થઈ જશે.

જેમને જિંદગી પાસેથી ઘણું શીખવું હોય છે, ભરપૂર આનંદ ઉઠાવવો હોય છે, ખુશીની પળેપળ માણીને જીવવું સાર્થક બનાવવું હોય છે તેમને ઉંમરના વર્ષો કદી અડચણરરૂપ બનતા નથી. સો વાતની એક સુંદર વાત કે શરીરની વયને વધવા દો, એ તો માનવજીવનનો કુદરતદત્ત ક્રમ છે. જરૂર છે તો મનને તંદુરસ્ત રાખવાના રસ્તા શોધીને અપનાવવાની. સાયન્સ પણ મન સાથે શરીરની તંદુરસ્તીના સીધા સંબંધને સ્વીકારી ચૂક્યું છે એટલે મન દુરસ્ત તો તન તંદુરસ્ત રહે જ.

દરેક વ્યક્તિ પછી તે યુવાન હોય કે વયસ્ક-હંમેશાં સ્વસ્થ, નિરોગી અને તાજગીસભર રહેવા માટે સકારાત્મક અભિગમ જીવનમાં ઉતારવો જોઈએ.

મનને ખોટી-મોટી ચિંતાઓથી દૂર રાખવું, પોતાના વાણી-વ્યવહાર (વલણ)ને યોગ્ય રાખવા, મન શાંત રહે તેવા પ્રયત્નો સતત કરવા અને કુદરતના નિયમોને સહજતાથી સ્વીકારીને હળવાશથી જીવતાં જવું, ક્રોધ, અભિમાન અને કડવાશ મન તથા વર્તનમાંથી કાઢી નાખવા. આ બધાથી જીવનના અનેક ઉચાટો દૂર થશે, કેમ કે અરીસો ખુદ સાફ હોય તો જ પ્રતિબિંબ પણ સ્વચ્છ અને સ્પષ્ટ દેખાઈ શકે.

દરેક ઉંમરની કેટલીક ઈચ્છાઓ, સપનાંઓ હોય છે તેવામાં ગમતું કાર્ય કરવાના પ્રયત્નો કરતાં રહેવું, કકળાટભર્યા વાતાવરણથી દૂર રહેવું તેવા લોકોથી પણ દૂર રહેવું જેઓ નકારાત્મક વલણ ધરાવતાં હોય. આ બધા પ્રયત્નો થકી મનની તંદુરસ્તી જળવાઈ રહેવામાં મદદ મળે છે. જેની સીધી અસર શરીરની તંદુરસ્તી પર પણ પડે છે. વધતી વયને રોકી શકાતી નથી, કાબૂમાં પણ લઈ શકાતી નથી, પણ મન તથા શરીર પર તેની અસરોને હળવી જરૂર કરી શકાય છે.

શરીરને અને તેની પ્રકૃતિને માફક આવે તેવું અને તેટલું ખાવું, સારા વિચારો ધરાવતા લોકોની સંગતમાં રહેવું, ઉત્તમ પુસ્તકોને મિત્રો બનાવવા, મનને શાંતિ અને ખુશી મળે તેવું સંગીત સાંભળવું. અધ્યાત્મમાં મન પરોવવું, નિયમિત કસરત અને ધ્યાન કરવા. ઉપરાંત શરીરનું સમયાંતરે ચેકઅપ કરાવતાં રહેવું જેથી અચાનક કોઈ બીમારી ઘેરી ના વળે.

જિંદગીનાં જેટલાં વર્ષો જીવાય તેટલામાં પ્રાણ પૂરીને જીવાય તો જિંદગી બોજ નહીં લાગે, પણ ગમે તે ઉંમરે મોત આવે કોઈ અફસોસ નહીં રહે!

સ્પાર્ક : ”ઘડપણમાં જ શાણપણ ઉમેરાય તો સ્વમાનથી જીવવાની તક મળે છે.”