second day against Gujarat government Gsrt workers strike
  • Home
  • Featured
  • ST કર્મચારીઓનું સરકાર સામે ઉગ્ર આંદોલન, અર્ધ નગ્ન થઈ સરકાર સામે સૂત્રોચ્ચાર

ST કર્મચારીઓનું સરકાર સામે ઉગ્ર આંદોલન, અર્ધ નગ્ન થઈ સરકાર સામે સૂત્રોચ્ચાર

 | 9:50 am IST

એસ.ટી.નિગમના 45 હજાર કર્મચારીઓનું એક દિવસીય માસ સીએલનું એલાન હવે અચોક્કસ મુદતની હડતાળમાં પરિવર્તિત થઇ ગયું છે. જેના કારણે ગઇકાલે રાજ્યભરમાં જાહેર પરિવહનની સેવા ઠપ થઇ જતા એસ.ટી.બસોમાં દૈનિક મુસાફરી કરતા 25 લાખ કરતા વધુ મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.

સરકારના અક્કડ વલણ સામે એસ.ટી. કર્મચારીઓની મક્કમતા વચ્ચે નિર્દોષ મુસાફરોએ પીસાવાનો વારો આવ્યો છે. વિદ્યાર્થી, નોકરીયાત, વેપારી, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પારાવાર મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. આ હાલાકી આજે પણ આમની આમ જ રહેશે કારણ કે આજે બીજા દિવસે પણ એસટીનાં કર્મચારીઓનો વિરોધ યથાવત છે.

આજે અમદાવાદમાં એસટી કર્મચારીઓનો વિરોધ બીજા દિવસે પણ યથાવત રહ્યો છે. કર્મચારીઓએ આજે શર્ટ ઉતારીને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે. તેમણે રૂપાણી સરકાર સામે પોતાની માંગણી નહીં સંતોષાઇ ત્યાં સુધી અમે મક્કમ છીએ તેમ જણાવ્યું છે.

એસ ટી કર્મચારીઓનો સરકાર સામે ઉગ્ર આંદોલન શરૂ થઈ ચુક્યુ છે. સરકાર સામે એસ ટી ના કર્મચારીઓએ અનોખો વિરોધ કર્યો છે. અર્ધ નગ્ન હાલતમાં સરકાર સામે સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યો છે. સરકાર અમારી પડતણ માગણી નહિ સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. એસ ટી ના એક કર્મચારી માં માતાજી આવે છે અને તે કહે છે કે 12 સુધી માં 7 મુ પગાર પંચ સરકાર મજૂર કરશે તેવી રીતે ધૂણી ને સરકાર સામે વિરોધ કર્યો છે.

મહત્વનું છે કે સાતમાં પગાર પંચ સહિતની વિવિધ પડતર માંગણીઓને લઇને એસ.ટી.નિગમના કર્મચારીઓ તારીખ 20 ફેબુ્રઆરીને બુધવારની મધરાતે 12.00 કલાકથી એક દિવસીય માસ સીએલ પર ઉતર્યા હતા. બુધવારે રાત્રે રાજ્યભરના તમામ ડેપોમાં બસો પાર્ક કરી દેવાઇ હતી. જેને લઇને અડધી રાત્રે હજારો મુસાફરો વિવિધ બસ સ્ટેન્ડો અને ડેપોમાં અટવાઇ પડયા હતા.

બુધવારે રાત્રે 12.00 વાગ્યાથી ગુરૂવારની રાત્રીના 12.00 વાગ્યા સુધી માસ સીએલને લઇને બસો બંધ રહેવાની હતી. તેવામાં ગુરૂવારે મુખ્યમંત્રીએ સાતમાં પગાર પંચનો લાભ આપવાની ના પાડી દેતા કર્મચારીઓ રોષે ભરાયા હતા. જેના પગલે તેઓએ અચોક્કસ મુદતની હડતાળ જાહેર કરી દેતા પરિસ્થિતિ વધુ વણસી હતી. રાજ્યમાં પરિવહનની જીવાદોરી સમાન એસ.ટી.બસોનું સંચાલન સદંતર ખોરવાઇ જતા મુસાફરો ઠેરઠેર અટવાઇ પડયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન