GSTમાં કરાશે વધુ સુધારા: માત્ર બે ટેક્સ સ્લેબ જ રહેશે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • GSTમાં કરાશે વધુ સુધારા: માત્ર બે ટેક્સ સ્લેબ જ રહેશે

GSTમાં કરાશે વધુ સુધારા: માત્ર બે ટેક્સ સ્લેબ જ રહેશે

 | 2:41 am IST
  • Share

પટના, તા.૧૫

જીએસટી મુદ્દે સરકાર તરફથી મંથન હજી ચાલુ છે. ગયા સપ્તાહમાં ગુવાહાટી ખાતે મળેલી જીએસટી પરિષદની બેઠકમાં ૧૭૮ ચીજવસ્તુના ટેક્સ સ્લેબ બદલીને ઘટાડવામાં આવ્યા હતા. જીએસટી પરિષદના સભ્ય સુશીલ મોદીએ હવે એક ટીવી મુલાકાતમાં સંકેત આપ્યા છે કે જીએસટી માળખાના ચાર સ્લેબને ઘટાડીને ટૂંક સમયમાં માત્ર બે સ્લેબ કરવામાં આવશે. તેમણે દાવો કર્યો હતો કે જીએસટી દરોમાં થઈ રહેલા ફેરફારને કારણે ચીજવસ્તુના ભાવ સતત ઘટી રહ્યા છે. તેમણે કોંગ્રેસ સામે પ્રશ્ન ઉઠાવતાં કહ્યું હતું કે કોંગ્રેસ જીએસટીને ગબ્બરસિંહ ટેક્સ કહે છે તો પછી પોતે જે રાજ્યોમાં શાસન કરે છે ત્યાં તે ટેક્સ શા માટે અમલમાં મૂક્યો? તેમણે હવે આશા જન્માવી છે કે હવે જીએસટીના માત્ર ૬-૭ ટકા અને ૧૫ ટકા એમ બે જ સ્લેબ રહેશે. જોકે તેમણે કહ્યું હતું કે તેમાં સમય લાગશે. દરમિયાન બુધવારથી જીએસટીના નવા દર અમલી બની ચૂક્યા છે. માનવામાં આવી રહ્યું છે કે તેથી કરીને મોંઘવારી ઘટશે. અગાઉ ગુવાહાટીમાં મળેલી જીએસટી કાઉન્સિલ બેઠકમાં કુલ ૨૧૧ વસ્તુના સ્લેબ બદલવામાં આવ્યા હતા. બેઠકમાં ૧૭૮ વસ્તુના જીએસટી દર ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવ્યા હતા.

GSTની જાહેરાત પછી ઘણા સુધારા કરાયા

જીએસટી કાઉન્સિલની ૧૦ નવેમ્બરે મળેલી ૨૩મી બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયનો બુધવારથી અમલ શરૂ થઈ ગયો છે. ૧લી જુલાઈ ૨૦૧૭થી જીએસટી અમલી બન્યા પછી પણ જીએસટી કાઉન્સિલની ચાર વખત મળેલી બેઠકમાં રાહત આપતાં અનેક પગલાંની જાહેરાત કરી હતી. ૬ ઓક્ટોબરના રોજ દિલ્હીમાં મળેલી ૨૨મી બેઠકમાં નાનાં અને મધ્યમ કદનાં એકમો માટે પેકેજની જાહેરાત થઈ હતી. ૯ સપ્ટેમ્બરના રોજ હૈદરાબાદ ખાતે મળેલી ૨૧મી બેઠકમાં ૪૦ જેટલી ચીજવસ્તુ પર જીએસટી દર ઘટાડવામાં આવ્યા હતા. ૫ ઓગસ્ટના રોજ મળેલી બેઠકમાં ટેક્સ્ટાઇલ, યાર્ન, ગાર્મેન્ટના દર ૧૮ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવા નિર્ણય લીધો હતો.

રેસ્ટોરામાં જનારાઓને મોટી રાહત શરૂ

સરકારે રેસ્ટોરાના ફૂડ પર લાદેલા જીએસટીના દરમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જે દર અગાઉ ૧૨ કે ૧૮ ટકા હતા તે હવે ઘટાડીને ૫ ટકા કરી દેવામાં આવ્યા છે. જે આજથી દેશભરની તમામ રેસ્ટોરામાં લાગુ થશે. સરકારે આ જાહેરાત કરી છે પરંતુ આ માટેનાં કોઈ નોટિફિકેશન કે પરિપત્ર મોકલ્યા નથી. ફૂડ તથા રેસ્ટોરાના માલિકોની ફરિયાદ હતી કે, તેમના ધંધામાં મંદી આવી છે. જૂલાઈ બાદ એસી તથા નોનએસી રેસ્ટોરાં પર ૧૨ તથા ૧૮ ટકા જીએસટી લાગુ કરવામાં આવ્યા હતા જે હવે દૂર કરી ૫ ટકા જીએસટી રેસ્ટોરાં માટે લાગુ કરવામાં આવ્યો છે. વેપારીમંડળે કહ્યું હતું કે, તેઓ ૧૫ નવેમ્બર પછી નવા દરને અમલમાં મૂકશે.

વેપારીઓ છેતરી ના જાય તે માટે ગ્રાહકોએ સાવચેત રહેવું પડશે

જીએસટીમાં સુધારાની જાહેરાત બાદ ઘણીબધી પેકેજ્ડ આઇટમ સસ્તી થઈ છે. મોલ કે દુકાનોમાં આ પકેજ આઈટમો પર જૂના ભાવ જ છપાયેલા હશે. ખાસ કરીને ચોકલેટનાં પેકેટ, ટૂથપેસ્ટ, શેમ્પૂ અને શેવિંગક્રીમના ભાવમાં ઘટાડો થયો છે. આ ઉપરાંત જે આઇટમ પર એમઆરપી પ્રિન્ટેડ હશે તેના ભાવમાં ફેરફાર થયો છે. જીએસટી સુધારાનો હેતુ ભાવઘટાડાને લોકો સુધી પહોંચાડવાનો છે, પરંતુ બધી કંપનીઓ નવા ભાવનું તાત્કાલિક પરિવર્તન કરી શકતી નથી. સ્ટોર્સમાં રહેલી ઘણીબધી વસ્તુઓનીં કિંમતમાં ઘટાડો થયો છે. સરકારના જીએસટીમાં ઘટાડાના નિર્ણય બાદ આ તમામ કોમોડિટી પરના એમઆરપીના સ્ટિકર્સને બદલી નાખી નવો ભાવ પ્રિન્ટ કરવામાં આવશે. દરમિયાનમાં ગ્રાહકો ચીજ-વસ્તુઓ ખરીદતી વખતે કાળજી રાખશે તો જ તેમને આ ભાવઘટાડાનો ફાયદો મળશે. હવેના દિવસોમાં વેપારીઓ છેતરી ના જાય તે માટે ગ્રાહકોએ સાવચેત રહેવું પડશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો