GSTમાં તા. ૩૦-૯-૧૮નું પત્રક ખૂબ જ અગત્યનું - Sandesh

GSTમાં તા. ૩૦-૯-૧૮નું પત્રક ખૂબ જ અગત્યનું

 | 1:01 am IST

GST કાયદાના અમલને એક વર્ષ પૂર્ણ થઈ ગયેલ છે. GST કાયદા હેઠળ નોંધાયેલ વ્યક્તિઓએ માસિક કે ત્રિમાસિક પત્રકો ભરીને તેમની વેરાકીય જવાબદારી નિભાવવાની હોય છે. GSTના કાયદાઓમાં જે તે વર્ષના સપ્ટેમ્બર માસનું પત્રક ખૂબ જ અગત્યનું છે. કોઈ પણ નાણાકીય વર્ષના વ્યવહારો માટે જે તે માસ કે ત્રિમાસમાં ભરેલ પત્રકો સાચા કે યોગ્ય ભરાયા છે કે નહીં તેની ખાતરી જે તે નાણાકીય વર્ષની તુરત પછીના વર્ષના સપ્ટેમ્બર માસના પત્રક ભરતી વખતે કરી લેવી અત્યંત આવશ્યક છે. GST કાયદાનો અમલ તા. ૧-૭-૧૭થી શરૂ થયો અને તેના અમલનું પ્રથમ નાણાકીય વર્ષ તા. ૩૧-૩-૧૮ના રોજ પૂર્ણ થયું. ત્યારે પછીના વર્ષનું સપ્ટેમ્બર માસનું પત્રક એટલે કે ૩૦-૯-૧૮નું પત્રક જે ઓક્ટોબર ૨૦૧૮માં ભરવાપાત્ર થશે. આ પરિપ્રેક્ષ્યમાં દરેક નોંધાયેલ વ્યક્તિએ રાખવાની ચોકસાઈ અંગેનું માર્ગદર્શન આ લેખમાં આપેલ છે.

GST કાયદાની અગત્યની જોગવાઈઓ

GST કાયદાની કલમ ૧૬(૪)માં જોગવાઈ કરવામાં આવેલ છે કે કોઈ પણ નોંધાયેલ વ્યક્તિને માલ કે સેવા કે બંનેના સપ્લાય માટે બિલ કે ડેબિટ નોટના આધારે કોઈ ઈનપુટ ટેક્સ ક્રેડિટ મળવાપાત્ર હોય તો જે તે નાણાકીય વર્ષ પછીના સપ્ટેમ્બર માસનું પત્રક કે જે તે નાણાકીય વર્ષનું વાર્ષિક પત્રક બેમાંથી જે વહેલું ભરવામાં આવે ત્યારબાદ મળવાપાત્ર રહેશે નહીં. જે લોકોનું ટર્નઓવર ૧.૫ કરોડથી વધુ છે અને માસિક પત્રક ભરે છે તેઓએ સપ્ટેમ્બર ૨૦૧૮ના સમયનું GSTR ૧ તા. ૧૧-૧૦-૧૮ સુધીમાં ભરવાનું રહેશે અને ૧.૫ કરોડથી ઓછા ટર્નઓવરવાળા જેઓ ત્રિમાસિક પત્રક ભરે છે તેઓએ GSTR ૧ તા.૩૧-૧૦-૧૮ સુધીમાં ભરવાનું રહેશે. GSTR 3B તા. ૨૦-૧૦-૧૮ સુધીમાં ભરવાપાત્ર છે. દરેક નોંધાયેલ વ્યક્તિએ વાર્ષિક પત્રક જે તે નાણાકીય વર્ષ પૂરું થાય ત્યાર પછીના ડિસેમ્બર માસની ૩૧મી તારીખ સુધીમાં ભરવાનું છે. આથી તા. ૧-૭-૧૭થી ૩૧-૩-૧૮ના પ્રથમ નાણાકીય વર્ષનું વાર્ષિક પત્રક તા. ૩૧-૧૨-૧૮ સુધીમાં ભરવાપાત્ર છે. આમ જે કેસમાં કાયદાની સમય મર્યાદા મુજબ ડિસેમ્બર માસ સુધી વાર્ષિક પત્રક ભરવા માટે રાહ જોવામાં ન આવી હોય તે સિવાયના અને સામાન્ય રીતે તો લગભગ તમામ કેસોમાં સપ્ટેમ્બર માસનું પત્રક ખૂબ જ અગત્યતા ધરાવે છે.

આ જ રીતે કલમ ૩૯ (૯)ની જોગવાઈ મુજબ GSTમાં કોઈ પત્રક ભર્યા બાદ તેમાં અધિકારી દ્વારા કરવામાં આવેલ ઓડિટ, ચકાસણી, તપાસ કે એન્ફોર્સમેન્ટની કાર્યવાહી સિવાય કોઈ ખામી કે ભૂલ જણાય તો તેમાં જે માસમાં આવી ખામી કે ભૂલ ધ્યાન પર આવી હોય તે માસનાં પત્રકમાં તે ખામી કે ભૂલ સુધારી શકાય. આમ માની લો કે ઓગસ્ટ ૨૦૧૭ના પત્રકમાં કોઈ સપ્લાયનો વ્યવહાર દર્શાવવાનો રહી ગયો હોય અને તેની જાણકારી જુલાઈ ૨૦૧૮માં મળે તો જુલાઈ ૨૦૧૮નું પત્રક ભરતી વખતે આવા અગાઉ સ્વીકારવાના રહી ગયેલ સપ્લાયની વેરાની જવાબદારી સ્વીકારી શકાશે. અલબત્ત આવી મોડી જવાબદારી સ્વીકારવા બદલ વ્યાજ ચૂકવવું પડશે. પરંતુ આ જોગવાઈમાં આપવામાં આવેલ પરંતુક મુજબ અગાઉ પત્રક ભરવામાં થયેલ ભૂલ જે તે નાણાકીય વર્ષ પછીના સપ્ટેમ્બર માસના પત્રક કે જે તે નાણાકીય વર્ષના વાર્ષિક પત્રક બેમાંથી જે વહેલું ભરવામાં આવે ત્યાર બાદ સુધારી શકાશે નહીં. આમ અગાઉ ભરેલ પત્રકમાં કોઈ ભૂલ રહી ગયેલ હોય તો તે સુધારવા માટે પણ સપ્ટેમ્બર માસનું પત્રક આખરી પત્રક છે. કાયદાની ઉપરોક્ત બે જોગવાઈઓના કારણે GSTના પ્રથમ નાણાકીય વર્ષ માટે સપ્ટેમ્બર ૨૦૧૮નું પત્રક ખૂબ જ અગત્યનું છે અને બધી જ નોંધાયેલ વ્યક્તિઓએ આ માટે પૂરતી કાળજી લેવી અત્યંત આવશ્યક છે.

ઈનપુટ ટેક્સ ક્રેડિટ માટે રાખવી જોઈતી ચોકસાઈ : વેટના કાયદામાં પત્રકમાં કોઈ ઈનપૂટ ટેક્સ ક્રેડિટ માંગવાની રહી ગઈ હોય તો તે આકારણી સમયે પણ માંગી શકાતી હતી. GSTમાં આ શક્ય નથી. જો જે તે નાણાંકીય વર્ષ પછીના સપ્ટેમ્બર માસના પત્રકમાં તે નાણાકીય વર્ષ માટે કાયદા હેઠળ મળવાપાત્ર ઈનપુટ ટેક્સ ક્રેડિટ માંગવાની રહી ગઈ હોય તો કાયદા હેઠળ મળવાપાત્ર હોવા છતાં તે ઈનપુટ ટેક્સ ક્રેડિટ નોંધાયેલ વ્યક્તિને મળવાપાત્ર નથી. આથી કાયદા અનુસાર મળવાપાત્ર તમામ ઈનપુટ ટેક્સ ક્રેડિટ ભરેલ પત્રકોમાં માંગી લીધેલ છે કે કેમ તેની ચોકસાઈ અચૂક કરી લેવી જોઈએ. ખાસ કરીને નીચે મુજબની ચકાસણી કરી લેવી જોઈએઃ

(૧) સિસ્ટમ પર દરેક નોંધાયેલ વ્યક્તિનું GSTR 2A ઉપલબ્ધ છે જેમાં માલ વેચનાર કે સેવા પૂરી પાડનારે સ્વીકારેલ વેરાકીય જવાબદારીના આધારે ખરીદનાર કે સેવા પ્રાપ્ત કરનારને મળવાપાત્ર ઈનપુટ ટેક્સ ક્રેડિટની માહિતી મળે છે. સિસ્ટમ પરથી આ માહિતી ડાઉનલોડ કરીને તેમાં દર્શાવે છે તે પૈકી કાયદેસર મળવાપાત્ર ઈનપુટ ટેક્સ ક્રેડિટ પત્રકોમાં માંગી લીધેલ છે કે કેમ તે તપાસી લેવું જોઈએ.   (૨) GST કાયદાની કલમ ૧૬ (૨)માં ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાની એક અગત્યની શરત એ છે કે જે માલ કે સેવા પર ચૂકવેલ વેરાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ માંગવામાં આવતી હોય તે માલ કે સેવા પરનો વેરો સરકારી તિજોરીમાં રોકડેથી કે મળવાપાત્ર ઈનપુટ ટેક્સ ક્રેડિટ સરભર કરીને ચુકવાયેલ હોવો જોઈએ. જો વેચનારે કે સેવા પૂરી પાડનારે પોતાના પત્રકમાં વ્યવહારની તમામ માહિતી સાચી ભરેલ હશે તો જ તે વ્યવહાર GSTR ૨છમાં દેખાશે. આથી જ્યારે GST 2A મુજબની ઇનપુટ ટેક્સ ક્રેડિટ માંગેલ છે કે કેમ તેની તપાસણી કરવામાં આવે ત્યારે સાથે સાથે તે બાબતની પણ ચકાસણી કરી લેવી જોઈએ કે તમારા પ્રમાણે જે વ્યવહાર GSTR 2A પ્રતિબિંબ થાય છે કે કેમ ? જો તમારી સાથેનો વ્યવહાર GSTR 2Aમાં દેખાતો ન હોય તો તમને માલ કે સેવા પૂરી પાડનારે તેના પત્રકમાં કોઈ ભૂલ કરેલ છે અને તેથી તે તરફ તેનું ધ્યાન દોરી તેના સપ્ટેમ્બર ૨૦૧૮ના પત્રકમાં સુધારો કરાવી લેવો જોઈએ.  (૩) કલમ ૧૬ (૨) હેઠળના બીજા પરંતુક મુજબ માલ કે સેવા પ્રાપ્ત કરનારે તેને માલ કે સેવા પૂરી પાડનારને તે માલ કે સેવાની વેરા સહિતની કિંમતનું ચુકવણું બિલની તારીખથી ૧૮૦ દિવસમાં ન કરેલ હોય તો તેણે આવા વ્યવહારની જેટલી ઈનપુટ ટેક્સ ક્રેડિટ અગાઉ માંગેલ હોય તેટલી તેની આઉટપુટ જવાબદારીમાં વ્યાજ સહિત ઉમેરો કરવામાં આવશે અને જ્યારે પછીથી સપ્લાયરને માલ કે સેવાની કિંમતનું ચુકવણું કરવામાં આવે ત્યારે પાછી તે ઈનપુટ ટેક્સ ક્રેડિટ તેને મળવાપાત્ર છે. આથી આ બાબતની ચકાસણી કરી લેવી જોઈએ કે સપ્લાયરને કાયદા અનુસાર ૧૮૦ દિવસમાં માલ કે સેવા અંગે ચુકવણું થયેલ છે કે કેમ? અને જો તેમ ન થયું હોય તો તે માટે સુધારાત્મક પગલા લેવા જોઈએ.  (૪) ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાની બીજી અગત્યની શરત કલમ ૧૬ (૨)માં એ છે કે જે વ્યક્તિ ઈનપુટ ટેક્સ ક્રેડિટ માંગતી હોય તેણે કાયદા હેઠળ ભરવાપાત્ર પત્રકો ભરેલ હોવા જોઈએ. આથી તમામ પત્રકો ભરાયેલ છે કે કેમ તે તપાસી લેવું જોઈએ.  (૫) કેપિટલ ગુડઝની ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાની એક શરત એ છે કે તેવા માલના વેરાની રકમ પર ઈન્કમ ટેક્સના કાયદા હેઠળ ઘસારો માગેલ ન હોવો જોઈએ. આ અંગે પણ ખરાઈ કરી લેવી જોઈએ.   (૬) કાયદાની કલમ ૧૭માં જ્યારે માલ કે સેવા આંશિક ધંધા માટે અને આંશિક ધંધા સિવાયના હેતુ માટે વાપરેલ હોય. આંશિક કરપાત્ર અને આંશિક માફી સપ્લાય માટે વાપરેલ હોય ત્યારે પ્રમાણસર ઈનપુટ ટેક્સ ક્રેડિટ મળવાપાત્ર છે. કેટલાક માલની ઈનપુટ ટેક્સ ક્રેડિટ મળવાપાત્ર પણ નથી. કોઈ માલ ગુમ થયેલ હોય. ચોરાઈ ગયેલ હોય, નાશ પામેલ હોય માંડી વાળેલ હોય, અથવા ભેટ કે સેમ્પલ તરીકે અપાયેલ હોય તે બધાની ઈનપુટ ટેક્સ ક્રેડિટ મળવાપાત્ર નથી. આ બધી બાબતે નિયમ ૪૨-૪૫ અન્વયે યોગ્ય યોગ્ય ગણતરી કરીને ઈનપુટ ટેક્સ ક્રેડિટ માંગેલ છે કે કેમ તે ચકાસી લેવું જોઈએ.  (૭) જો કોઈ ડેબિટ નોટ કે ક્રેડિટ નોટ મળેલ હોય તો તેની અસર મળવાપાત્ર ઈનપુટ ટેક્સ ક્રેડિટમાં કરેલ છે કે કેમ તે જોઈ લેવું જોઈએ.

આઉટપુટ જવાબદારીની ચકાસણી

ભરવામાં આવેલ પત્રકો અંગે નીચે મુજબની ચકાસણી કરી લેવી આવશ્યક છે.

૧. કરવામાં આવેલ તમામ સપ્લાય પત્રકોમાં દર્શાવી તેના અંગેની વેરાકીય જવાબદારી નિભાવેલ છે કે કેમ?   ૨. માલ પરત કે ડેબિટ કે ક્રેડિટ નોટની અસર પત્રકોમાં આપેલ છે કે કેમ?   ૩. માફી માલ, ઝીરો રેટેડ સપ્લાય, વગેરેનું યોગ્ય વર્ગીકરણ પત્રકોમાં કરેલ છે કે કેમ?   ૪. રિવર્સ ચાર્જ મુજબ ભરવાપાત્ર વેરો ભરેલ છે કે કેમ ?  ૫. જોબ વર્ક માટે મોકલેલ માલ ૧ વર્ષમાં પરત ન આવેલ હોય તો તેને સપ્લાય ગણવાની કાયદાની કલમ ૧૪૩(૩) માં જોગવાઈ છે આ અંગે ચકાસણી કરી લેવી જોઈએ.

ટૂંકમાં GST કાયદાઓની જોગવાઈઓ મુજબ દરેક નોંધાયેલ વ્યક્તિની તા.૧-૭-૧૭થી ૩૧-૩-૧૮ના સમય માટે જે કોઈ વેરાકીય જવાબદારી ઊભી થતી હોય તેની સંપૂર્ણ ચકાસણી કરી તે મુજબ પત્રકો ભરાયેલ છે કે કેમ તે ચકાસી જો તેમાં કોઈ ખામી રહી ગયેલ હોય તો સપ્ટેમ્બર ૨૦૧૮ના પત્રક ભરતી વખતે જરૂરી હોય તે તમામ સુધારા કરી લેવા જોઈએ.