વાલીએ પૂરા વિશ્વાસ સાથે બાળકોને શાળા-કોલેજ મોકલવા જોઈએ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • વાલીએ પૂરા વિશ્વાસ સાથે બાળકોને શાળા-કોલેજ મોકલવા જોઈએ

વાલીએ પૂરા વિશ્વાસ સાથે બાળકોને શાળા-કોલેજ મોકલવા જોઈએ

 | 1:38 am IST
  • Share

કેળવણીના કિનારે :- ડો. અશોક પટેલ

ઘણાં લાંબા સમય પછી શાળા-કોલેજો ચોક્કસ નીતિ સાથે શરૂ કરવાનો સરકારે નિર્ણય લીધો અને સોમવારથી શાળા-કોલેજો શરૂ પણ થઇ ગઈ. સરકારે આ પગલું થોડું મોડું લીધું છે, પણ હવે લીધું જ છે ત્યારે તે આવકાર્ય છે. આમછતાં શાળા-કોલેજો જે ઉત્સાહ સાથે ખૂલવા જોઈએ એ ઉત્સાહ જોવા ના મળ્યો. ૩૫ ટકા આસપાસ શાળાઓ શરૂ થઇ. શાળામાં પ્રથમ દિવસે સરેરાશ લગભગ ૨૫ ટકા જેટલા વિદ્યાર્થીઓ આવ્યા. હા, બીજા દિવસે આ સંખ્યામાં વધારો જોવા મળ્યો અને આજે ઉત્તરાયણનો આગલો દિવસ છે તો પણ થોડા પ્રમાણમાં તો વિદ્યાર્થી સંખ્યા વધશે જ. આ રીતે જોતાં શાળામાં વિદ્યાર્થીને મોકલવા માટે વાલીમાં જે ઉત્સાહ અને વિશ્વાસ હોવા જોઈએ તે જોવા ના મળ્યા. જે શિક્ષણ માટે સારી નિશાની નથી. આમછતાં એક આશ્વાસન એ લઇ શકાય કે, ચાલો શરૂ તો થયું,, આવતા થોડા સમયમાં વધુ સારી રીતે ચાલશે. જો શરૂઆત જ ના થઇ હોત તો હજુ પણ અવઢવ અનુભવતા હોત કે ક્યારે ખૂલશે અને ક્યારે પરિસ્થિતિ સામાન્ય બનશે.

પ્રથમ દિવસે વિદ્યાર્થીની સંખ્યા ઓછી રહી તે પાછળ એક કરતાં વધુ કારણો છે. શાળા-કોલેજ ખૂલવાનો પ્રથમ દિવસ હતો. એટલે વાલી અને વિદ્યાર્થીઓએ વિચાર્યું કે, જોઈએ શું થાય છે, પછી જઈશું. તો વળી કેટલાક વાલીઓ ઉત્તરાયણ પૂર્વે કમુહૂર્તમાં મોકલવા માંગતા નહોતા. ઉપરાંત ધો.૧૦ અને ૧૨માં આમપણ બોર્ડની પરીક્ષા પહેલાં જાન્યુઆરીથી વિદ્યાર્થીઓ શાળામાં ઓછું આવે છે અને ખાનગી ટયૂશન પર વધુ ભાર આપે છે. જે જોતાં ધો.૧૦-૧૨ ના વિદ્યાર્થીઓને શાળામાં આવવાનો ઉત્સાહ ઓછો છે. સૌથી મહત્ત્વનું કારણ જો કોઈ લાગતું હોય તો એ છે કે થોભો અને રાહ જુઓ. બીજાને જવા દો આપણે પછી જઈશું.

શાળાઓમાં પણ ઉત્સાહ ઓછો જોવા મળ્યો. એની પાછળનું કારણ સરકારે ઘડેલી નીતિ અને સોંપેલી ફ્રજ. એક ક્લાસમાં ૨૦ વિદ્યાર્થી બેસાડવાના નિયમને કારણે સ્વાભાવિક છે કે, શાળામાં વિદ્યાર્થી સંખ્યા ઓછી જ દેખાય. સાથે રીસેસનો સમય. ઉપરાંત એક વર્ગમાં ૨૦ વિદ્યાર્થીને બેસાડવાના હોવાથી સામાન્ય પરિસ્થિતિમાં ૬૦ સંખ્યા માટે એક જ ઓરડો જોઈએ પણ અત્યારે ૬૦ સંખ્યા માટે ત્રણ ઓરડા જોઈએ. આમ ત્રણ ગણા ઓરડા જોઈએ. આટલા ઓરડા શાળા લાવે ક્યાંથી? આ રીતે જોતાં જ્યાં સુધી નિયમો હળવા નહીં થાય ત્યાં સુધી શાળા-કોલેજોમાં વિદ્યાર્થી સંખ્યા ઓછી જોવા મળશે. વાત કરીએ કોલેજોની. તો મોટા શહેરોમાં વધુ પ્રમાણમાં અભ્યાસક્રમ અને વધુ પ્રમાણમાં કોલેજો હોવાથી ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં શહેરોમાં અભ્યાસાર્થે આવે છે. આ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે. ત્યારે હજુ હોસ્ટેલો જ શરૂ થઇ નથી, તો આ વિદ્યાર્થીઓ રહે ક્યાં ? જેથી ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ હજુ શહેરમાં અભ્યાસ માટે આવ્યા નથી, જેથી પણ કોલેજોમાં સંખ્યા ઓછી જોવા મળે છે.

આમછતાં શાળા-કોલેજો ખોલવા માટે સરકાર જે વિચારી રહી છે અને જે કરી રહી છે, તેમાં વાલીએ પૂરેપૂરો વિશ્વાસ રાખીને સાથ સહકાર આપવો પડશે. તો જ શિક્ષણમાં સામાન્ય પરિસ્થિતિ સ્થાપી શકાશે. શાળા-કોલેજોમાં શિક્ષણ સારામાં સારી રીતે આપી શકાય તે માટે સરકાર અને શિક્ષકો દ્વારા પ્રયત્નો શરૂ થઇ ગયા છે ત્યારે તેમનો ઉત્સાહ વધે, તેઓ હજુ વધુ સારી રીતે કામ કરી શકે તે માટે વાલીના સાથ-સહકારની જરૂર છે. શિક્ષણની જવાબદારી એ માત્ર સરકાર કે શાળાની કે શિક્ષકની જ નથી. તેઓની જેટલી જવાબદારી છે તેટલી જ જવાબદારી વાલીએ પણ નિભાવવી પડશે. હા, સૌની ફ્રજ અલગ અલગ છે, તો સૌએ પોતપોતાની ફ્રજ નિભાવવી પડશે તો જ શાળા-કોલેજોમાં સારામાં સારી રીતે શૈક્ષણિક કાર્ય થશે. નહીં તો વાલી પોતે શાળા-કોલેજોને દોષ આપશે અને શાળા-કોલેજો વાલીઓને દોષ આપશે તો શૈક્ષણિક કાર્યમાં મજા નહીં આવે.

સરકારની ઇચ્છા તો શાળા-કોલેજો શરૂ કરવાની ઘણાં સમયથી હતી. પણ વાલીઓનો સહકાર નહોતો મળ્યો એટલે સરકારે ધીરજ ધરી. બીજી બાજુ શાળા સંચાલકો અને શિક્ષકો પણ ઇચ્છતા હતા કે શાળા-કોલેજો શરૂ થાય, તો વાલીઓનો આક્ષેપ હતો કે ફી લેવા માટે શાળા-કોલેજો શરૂ કરે છે. આમ સમગ્ર રીતે જોવા જઈએ તો અત્યાર સુધી શાળા-કોલેજો શરૂ ના થવામાં જેટલો ફળો કોરોનાનો છે એટલો જ ફળો વાલીની સંકુચિત વિચારસરણીનો પણ છે જ. આજે કોરોના પછી પરિસ્થિતિ સામાન્ય બની રહી છે. સમાજમાં દુકાનો, રેસ્ટોરન્ટ, થિયેટર, બગીચા, મોલ, બસ-રિક્ષા બધું જ ચાલુ છે. શું બંધ છે? જો બંધ હોય તો તે શાળા-કોલેજો જ છે. બીજું બધું ચાલું થયું, ત્યાં કોઈએ વિરોધ ના કર્યો, પણ શાળા-કોલેજો ચાલુ થાય ત્યાં જ વિરોધ હતો. જેમાંથી બહાર આવીને વિચારવું અને કરવું પડશે અને શાળા-કોલેજોમાં સારામાં સારી રીતે કામ થાય તે માટે સહિયારા પ્રયત્નો કરવા પડશે.

અહી વાલીઓને એક વિશ્વાસ એ અપાવી શકાય કે, તમે તમારા ઘરમાં તમારા બાળકને જેટલું અને જે રીતે સાચવો છો, તેના કરતાં વધુ સારી રીતે તમારું બાળક શાળા-કોલેજોમાં સચવાશે જ. આજે તમે વિચારો કે, તમારા ઘરમાં તમારું બાળક કેટલી વાર સાબુ વડે હાથ ધુએ છે, સેનિટાઈઝરનો કેટલો ઉપયોગ કરે છે ? સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે છે? તમે બહાર જાવ છો ત્યારે તમારા બાળકને સાથે લઇ જાવ છો જ. આજે બધા બાળકો સોસાયટી કે મહોલ્લામાં બીજા ઘણાં બાળકો સાથે રમતો રમે જ છે. રેસ્ટોરન્ટમાં તમે તેને જમવા પણ લઇ જાવ છો. ત્યારે ત્યાં તેને તમે સુરક્ષિત માનો છો અને શાળા-કોલેજોમાં અસુરક્ષિત માનો છો તે માન્યતા બદલવાની જરૂર નથી લાગતી? હકીકતમાં તમારું બાળક શાળા-કોલેજમાં વધુ સુરક્ષિત હશે. શાળા-કોલેજોમાં શિક્ષકો સુરક્ષા માટેના પ્રયત્નો કરવાના જ છે, જે તમે અત્યારે નથી કરતા. ઘરમાં તમે કશું કહેશો તો તમારું બાળક કદાચ નહીં માને, પણ શાળા-કોલેજોમાં શિક્ષકનું કહેવું માનશે જ. એટલું જ નહીં ઘેર આવીને તમને પણ સુરક્ષાના પાઠ શીખવશે. માટે જ દરેક વાલીએ હકારાત્મક વિચારીને પોતાના બાળકને શાળા-કોલેજમાં મોકલવું જોઈએ.

વિદેશમાં શૈક્ષણિક કાર્યને મહત્ત્વ આપીને ઘણાં દેશોમાં શાળા-કોલેજો ઘણાં સમયથી ચાલુ કરી દીધી છે. ભારતની વાત કરીએ તો ઘણાં રાજ્યોમાં શાળા-કોલેજો શરૂ કરી દેવાઈ છે. ત્યારે ગુજરાતે ક્યાં સુધી રાહ જોવાની છે? સરકાર, સંચાલકો અને શિક્ષકો બધી જ ચેલેન્જ વચ્ચે સારામાં સારી રીતે સુરક્ષા સાથે શૈક્ષણિક કાર્ય શરૂ કરવા માંગે છે ત્યારે વાલીએ વધુ સમજ દર્શાવીને શાળા-કોલેજો પર વિશ્વાસ મૂકવો જોઈએ. ગુજરાતના વાલીઓ શિક્ષણ કરતાં વેપાર-ધંધાને વધુ મહત્ત્વ આપે છે, ત્યારે શિક્ષણને પણ મહત્ત્વ આપવું પડશે. ઘણાં સમયથી શાળા-કોલેજો બંધ છે ત્યારે તમારા બાળકને શૈક્ષણિક ઘણું નુકસાન થયું છે, હવે વધુ નુકસાન ના થવા દો.

અહીં સરકારનું પણ ધ્યાન દોરવાનું થાય કે, કોલેજોમાં આવતા વિદ્યાર્થીઓ મોટી ઉંમરના છે. જેથી તેઓની સુરક્ષા તેઓ જાતે પણ નક્કી કરી શકે છે અને રાખી શકે છે. તો કોલેજોમાં માત્ર છેલ્લું વર્ષ જ શા માટે. કોલેજમાં બધા જ વર્ગો શરૂ કરી દેવા જોઈએ. સરકારી અને ખાનગી હોસ્ટેલો પણ શરૂ કરી દેવી જોઈએ. સાથે જ્યાં જ્યાં પ્રેક્ટિકલવર્કની જરૂર છે તેવા અભ્યાસક્રમો એક પણ દિવસની રાહ જોયા વિના શરૂ કરી દેવા જોઈએ. ધો.૧૦-૧૨ શરૂ કરી દીધા. હવે પરિસ્થિતિનું તાત્કાલિક સતત મૂલ્યાંકન કરતા રહી પ્રાથમિક શાળા અને ધો.૯-૧૧ ના વર્ગો પણ શરૂ કરવાનું વિચારવું જોઈએ.

અશોકીઃ બીજાનું બાળક જાય પછી હું મારા બાળકને મોકલીશ, એમ વિચારવાના બદલે વાલીએ વિચારવું જોઈએ કે, હું મારા બાળકને મોકલીશ એટલે બીજાનું બાળક પણ આવશે જ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન