ગુજરાતને ૬૩ રનની મહત્ત્વપૂર્ણ સરસાઈ

387

ઇન્દોર, તા. ૧૧

રણજી ટ્રોફીની ફાઇનલ મેચના બીજા દિવસે ગુજરાતે છ વિકેટે ૨૯૧ રન બનાવી મુંબઈ સામે ૬૩ રનની મહત્ત્વપૂર્ણ સરસાઈ મેળવી લીધી છે. કેપ્ટન ર્પાિથવ પટેલે ૯૦ રન બનાવ્યા હતા જ્યારે મનપ્રીત જુનેજા ૭૭ રન બનાવી આઉટ થયો હતો. ભાર્ગવ મેરાઈએ પણ ૪૫ રનનું યોગદાન આપ્યું હતું. મુંબઈ તરફથી અભિષેક નાયરે ત્રણ વિકેટ ઝડપી હતી.

ગુજરાતે બીજા દિવસે વિના વિકેટે બે રનથી આગળ બેટિંગ શરૂ કરી હતી. પ્રથમ દિવસે સમિત ગોહિલને જીવતદાન મળ્યું હતું પરંતુ બીજા દિવસે તે ફાયદો ઉઠાવી શક્યો નહોતો અને તે માત્ર ચાર રન બનાવી શાર્દુલ ઠાકુરનો શિકાર બન્યો હતો. આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર પ્રિયાંક પંચાલ પણ નિષ્ફળ ગયો હતો તેને અભિષેક નાયરે અંગત છ રનના સ્કોરે આઉટ કરી મુંબઈને બીજી સફળતા અપાવી હતી. ૩૭ રને બે વિકેટ ગુમાવ્યા બાદ ભાર્ગવ મેરાઈ અને ર્પાિથવ પટેલે રકાસ અટકાવતાં ટીમનો સ્કોર ૧૦૦ રનની પાર પહોંચાડયો હતો. બંને વચ્ચે ૬૯ રનની ભાગીદારી નોંધાઈ હતી ત્યારે અભિષેક નાયરે ભાર્ગવને આઉટ કરી ભાગીદારી તોડી હતી. ર્પાિથવ પટેલને સાથ આપવા આવેલા મનપ્રીત જુનેજાએ ત્યારબાદ મુંબઈના બોલરોનો મક્કમતાથી સામનો કરતાં શતકીય ભાગીદારી નોંધાવી ગુજરાતને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. ગુજરાતની ટીમ મુંબઈના ૨૨૮ રનના સ્કોર કરતાં બે રન પાછળ હતી ત્યારે ર્પાિથવ પટેલ આઉટ થયો હતો. મનપ્રીત જુનેજા અને ઋજુલ ભટ્ટે ગુજરાતને ૨૬ રનની લીડ અપાવી ત્યારે જુનેજા અંગત ૭૭ રન બનાવી આઉટ થયો હતો. તે પછી ઋજુલ ભટ્ટ પણ ૨૫ રન બનાવી આઉટ થતાં ગુજરાતે ૨૬૪ રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી ચિરાગ ગાંધી અને ઋષ કાલરિયાએ વિકેટ ગુમાવ્યા વિના ટીમનો સ્કોર ૨૯૧ રને પહોંચાડયો હતો. બીજા દિવસની રમતના અંતે ચિરાગ ગાંધી ૧૭ રને અને ઋષ કાલરિયા ૧૬ રને રમતમાં હતા.

ભારત એ અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે બીજી અભ્યાસ મેચ

ભારત એ અને ઇંગ્લેન્ડ વચ્ચે યોજાનાર બીજી અભ્યાસ મેચમાં તમામની નજર યુવા ખેલાડી ઋષભ પંત પર રહેશે જે વર્તમાન સિઝનમાં જોરદાર ફોર્મમાં છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે યોજાનાર ત્રણ વન-ડે અને ત્રણ ટી-૨૦ મેચની સિરીઝ પહેલાં આ અંતિમ અભ્યાસ મેચ છે. મહેન્દ્રસિંહ ધોનીના ઉત્તરાધિકારી માનવામાં આવી રહેલા વિકેટકીપર બેટ્સમેન પંત ઉપરાંત ઇજા બાદ વાપસી કરી રહેલા ભારત એ ટીમના કેપ્ટન અજિંક્ય રહાણે પણ આ મેચ દ્વારા લય મેળવવાનો પ્રયાસ કરશે. આ ઉપરાંત વન-ડેમાં સ્થાન ન મેળવનાર રૈનાને ટી-૨૦માં સામેલ કરાયો છે તે પણ આ મેચમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવાનો પ્રયાસ કરશે. ભારત એ ટીમમાં શેલ્ડન જેક્શન ઉપરાંત વિજય શંકર, પરવેજ રસૂલ અને દીપક હુડ્ડા જેવા ઓલરાઉન્ડર પણ છે. બોલિંગમાં વિનયકુમાર, અશોક ડિંડા અને પ્રદીપ સાંગવાન ઝડપી આક્રમણ સંભાળશે જ્યારે શાહબાઝ નદીમને સ્પિનર તરીકે સ્થાન અપાયું છે.  ઇંગ્લેન્ડે પ્રથમ અભ્યાસ મેચમાં ઓલરાઉન્ડર બેનસ્ટોક્સ, વિકેટકીપર જ્હોની બેઇરસ્ટો અને ઝડપી બોલર લિયામ પ્લંકેટને આરામ આપ્યો હતો ત્યારે આ ખેલાડીઓને બીજી અભ્યાસ મેચમાં સામેલ કરે તેવી શક્યા છે.