ACBના ઇતિહાસનું સૌથી મોટું સર્ચ: પૈસા ગણવા કેશ કાઉન્ટર મશીન મંગાવ્યા, 40 લાખ રોકડા ટેબલમાંથી મળ્યા! - Sandesh
NIFTY 10,551.10 -14.20  |  SENSEX 34,381.29 +-46.00  |  USD 66.0500 +0.26
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gandhinagar
  • ACBના ઇતિહાસનું સૌથી મોટું સર્ચ: પૈસા ગણવા કેશ કાઉન્ટર મશીન મંગાવ્યા, 40 લાખ રોકડા ટેબલમાંથી મળ્યા!

ACBના ઇતિહાસનું સૌથી મોટું સર્ચ: પૈસા ગણવા કેશ કાઉન્ટર મશીન મંગાવ્યા, 40 લાખ રોકડા ટેબલમાંથી મળ્યા!

 | 9:30 am IST

ગાંધીનગર સેક્ટર-10 સ્થિત જમીન વિકાસ નિગમની મુખ્ય કચેરીમાં આજરોજ એસીબીએ દરોડો પાડી 56 લાખ રોકડ રકમ જપ્ત કરતા ચકચાર મચી ગઇ હતી. એસીબીએ જે રકમ જપ્ત કરી છે તે પૈકી 40 લાખ તો માત્ર નિગમના જોઇન્ટ ડાયરેક્ટરના ડ્રોઅરમાંથી જ મળી આવ્યા છે. આટલી મોટી રકમ કોઇ સરકારી અધિકારીના ડ્રોઅરમાંથી મળી આવી હોય તેવી એસીબીના ઇતિહાસની આ પ્રથમ ઘટના છે. આ મામલે કચેરીમાં ફરજ બજાવતા અન્ય કર્મચારીઓ અધિકારીઓની પણ તપાસ કરવામાં આવી હતી. જેઓની પાસેથી અલગ અલગ રકમ 16 લાખ જેટલી માતબર રકમ મળી આવી હોવાનું જાણવા મળ્યુ છે. મોડીરાત સુધી તપાસનો ધમધમાટ હતો. અધિકારીઓ પાસેથી મળી આવેલા પૈસા ગણવા માટે મશીનની જરૂર પડી હતી. મળી આવેલી રોકડ રકમ મામલે એસીબી દ્વારા અધિકારીઓની પુછપરછ કરવામાં આવી રહી છે. એસીબીની એક ટીમ જોઇન્ટ ડાયરેક્ટરના નિવાસ્થાને પણ તપાસ અર્થે રવાના થઇ છે. ગ્રાંટની ફાળવણીના બદલામાં પૈસા લેવામાં આવતા હોવાની એસીબીને મળેલી વ્યાપક ફરિયાદો બાદ આ દરડો પાડવામાં આવ્યો હતો.

સુત્રોના જણાવ્યા પ્રમાણે એસીબીની ટીમ સાંજે નિગમની કચેરીમાં ત્રાટકી હતી. આ કચેરી વોટર હાર્વેસ્ટિગ, જમીન સુધારણા જેવી બાબતો સાથે સંકળાયેલી છે. એસીબીએ જ્યારે દરોડો પાડયો ત્યારે કચેરીમાં 20 જેટલા કર્મચારીઓ હાજર હતા. દરોડા બાદ કર્મચારીઓની પુછપરછ અને તેઓની તપાસ હાથધરવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે એસીબીની ટીમે સમગ્ર ઓફિસમાં સર્ચ કર્યુ હતું. જેમાં જોઇન્ટ ડાયરેક્ટર કે.સી. પરમારની ચેમ્બરનો પણ સમાવેશ થાય છે. પ્રાપ્ત વિગતો મુજબ, તેઓના ડ્રોઅરમાંથી રૂ.ચાલીસ લાખ જેટલી માતબર રકમ મળી આવી હતી. આટલી મોટી રકમ જોઇને એક સમયે એસીબીના અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા. રેડ સમયે જોઇન્ડ ડિરેક્ટર પરમાર કચેરીમાં ઉપસ્થિત હતા. આ ઉપરાંત અન્ય કર્મચારીઓની પણ તપાસ કરવામાં આવી હતી.

સુત્રોના જણાવ્યા પ્રમાણે કુલ છ જેટલા કર્મચારી અધિકારીઓ પાસેથી અલગ અલગ મળી કુલ 16 લાખની રકમ મળી આવી છે. જેમાં ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારીઓનો સમાવેશ થાય છે. સર્ચ ઓપરેશન મોડીરાત સુધી શરૂ રાખવામાં આવ્યુ હતું. રેડ દરમિયાન જે કર્મચારીઓ ઓફિસમાં હાજર હતા તેઓ તમામની તપાસ કવામાં આવી રહી છે. દરમિયાન એસીબીની એક ટીમ જોઇન્ટ ડાયરેક્ટર કે.સી. પરમારના ચાંદખેડા નિવાસ્થાન ખાતે પણ તપાસ અર્થે દોડી ગઇ છે. આ ઉપરાંત જે અધિકારીઓ કર્મચારીઓ પાસેથી પૈસા મળી આવ્યા છે તેઓના ઘરે પણ તપાસ કરવામાં આવી રહી છે. તેઓની બેંક ડિટેઇલથી લઇ મિલ્કતો સુધીની તપાસમાં એસીબીની અલગ અલગ ટીમો કામ કરી રહી છે. આ ઉપરાંત સમગ્ર મામલે એફએસએલની પણ મદદ લેવામાં આવી રહી છે. પ્રાપ્ત વિગતો મુજબ, એસીબીએ કચેરીમાંથી કેટલાક કોમ્પ્યુટર પણ જપ્ત કર્યા છે. જેની તપાસમાં આગામી દિવસોમાં મોટો ભાંડો ફુટે તેવી શક્યતાઓ જોવાઇ રહી છે.

આ મામલે અમદાવાદ એસીબના ડીવાયએસપી ડી.પી.ચુડાસમાએ જણાવ્યુકે, નિગમના અધિકારીઓ ગ્રાંટ આપવાના બદલામાં ચોક્કસ ટકાવારી લેતા હોવાની વ્યાપક ફરિયાદો મળી હતી. આ ફરિયાદોને આઘારે એસીબી દ્વારા વોચ ગોઠવી તપાસ કરવામાં આવી રહી હતી. આજે આ મામલે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં ગાંધીનગરની ટીમ પણ જોડાઇ હતી. ઉલ્લેખનીય છેકે, ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ (જીએલડીસી) વોટર હાર્વેસ્ટિંગ, જમીન સુધારણા, ખેત તલાવડી જેવી વિવિધ સરકારી પ્રોજેક્ટ અંતર્ગત કામ કરી રહી છે. આ પ્રોજેક્ટની ગ્રાંટો રિલીઝ કરવા માટે કેટલાક અધિકારીઓ દ્વારા ટકાવારી ઉઘરાવવામાં આવતી હોવાની ફરિયાદો મળી હતી.