Gujarat : Ahmedabad Jagannath 141 Rathyatra Netrostav Start
  • Home
  • Ahmedabad
  • ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ, સૌપ્રથમવાર આ પરંપરામાં કરાયો ફેરફાર

ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ, સૌપ્રથમવાર આ પરંપરામાં કરાયો ફેરફાર

 | 8:57 am IST

ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રાનો શહેરીજનો ભારે ઈંતેજાર કરી રહ્યાં છે. આજે સવારે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, બળદેવજીનો ગર્ભગૃહમાં પ્રવેશ કરાવાશે. ત્યાર બાદ સવારે 8.00 વાગ્યે નેત્રોત્સવની વિધિ યોજાશે. આમ તો નેત્રોત્સવ વિધિ રથયાત્રાના આગલે દિવસે જ કરવાની પરંપરા રહી છે, પરંતુ આ વર્ષો દરમિયાન સૌપ્રથમવાર આ વિધિ 2 દિવસ પહેલા યોજાઇ રહી છે.

વૈદિક મંત્રોચ્ચાર સાથે નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે. આ પ્રસંગે યોજાનારી આરતીમાં ગુજરાતની કેટલીક રાજકીય હસ્તીઓ શામેલ થશે.

અમદાવાદ: રથયાત્રા દરમિયાન આ સ્થળોના રસ્તા બંધ રહેશે, જુઓ સમય અને રૂટ

નેત્રોત્સવ વિધિ શા માટે?

ભગવાન 15 દિવસ પોતાના મોસાળ રહીને આવ્યાં હોય છે જ્યાં તેમણે અનેક મિષ્ટાનો અને જાંબુ આરોગ્યા હોય છે. જેના કારણે તેમની આંખો આવી ગઇ હોય છે. જેથી આજે સવારે મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે. આ આખી વિધિને નેત્રોત્સવ કહેવામાં આવે છે.

આગામી બે દિવસમાં ભગવાનને ધરાશે સાદુ ભોજન

નેત્રોત્સવ વિધિ બાદ હવે આગામી 2 દિવસ દરમિયાન ભગવાનને સાદુ ભોજન ધરાવવામાં આવશે. જેમાં પુરીથી આવેલા ઔષધીય ઉકાળા, માત્ર બાફેલા મગ જેવા સાદા ભોગ ધરાવાશે. આવનારા દિવસોમાં ભગવાનના જુદા જુદા શણગાર જોવા મળશે. હાલ સમગ્ર મંદિર પરિસરને રોશનીથી ઝગમગાટ કરવામાં આવ્યું છે. રથયત્રાને લઈને ભક્તોમાં શ્રદ્ધા અને ભક્તિનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે.

કોણ કોણ રહેશે હાજર?

સવારે 9.30 કલાકે નેત્રોત્સવ વિધિ બાદ ધ્વજારોહણ વિધિ કરાશે. જે પ્રસંગે ગુજરાતના રાજયપાલ ઓમપ્રકાશ કોહલી અને મેયર શ્રીમતી બીજલબહેન શાહ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી પણ જાહર રહેશે. સવારે 10.00 કલાકે વિશિષ્ટ પૂજા અને આરતી કરવામાં આવશે. બાદમાં સાધુ-સંતો માટે 11.30 કલાકે ભંડારાનું અને સંતોના સન્માનનું આયોજન કરાયું છે. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી મુખ્ય અતિથિ વિશેષ તરીકે હાજર રહેશે.